_____આમ જોવા જઈએ તો સૌથી સરળ પણ અને સૌથી અઘરો પણ આ વિષય છે. ગુસ્સો દરેકના સ્વભાવમાં થોડા કે વધુ પ્રમાણમાં હોય છે. ઘણા ક્યારેક એના પર કાબૂ રાખી શકે છે તો ઘણાને વાત વાતમાં ગુસ્સો આવે છે. એકવાત બધાને મારે પૂછવી છે, જ્યારે કોઈ તમારી સાથે અણગમા કે ઊંચા અવાજે કે પછી ગુસ્સામાં વાત કરે તો શું તમને ગમે છે? ના, દરેકનો એ જ જવાબ હશે અને મારો પણ એ જ જવાબ છે.
_____મારા માટે પણ ખૂબ અઘરું છે આ ગુસ્સાને જડમાંથી કાઢવું , પરંતુ પ્રયત્ન જરૂર કરીશ કારણકે સૌથી વધુ નુકસાન એમા મારુ જ છે. ક્રોધ માત્ર કડવાશ ભરે છે. એનાથી દિલ દુ:ખે છે, સંબંધો તૂટે છે અને લાગણીઓ દુભાય છે. જો આટલું બધુ નુકસાન હોય તો સૌએ મળીને આ ગુસ્સા પર કાબૂ લાવવો જોઈએ. જ્યારે પણ જો અણગમતી વસ્તુ બને કે કોઈ બોલે અને જો આપણે થોડા શાંત રહી એનો ઉપાય શોધી લઈએ તો દિલ દુ:ખતા નથી અને સંબંધો તૂટતા નથી.
_____હું અને તમે બધા જ સમજીએ છીએ ક્રોધ સૌથી વધુ નુકસાનકારક પોતાના માટે જ છે, સામેવાળાને તો પછી અસર કરશે અને ક્યારેક નહી પણ કરે. આપણે શાંત રહીશું તો સમોવાળા પાસે શાંત થવા સિવાય કોઈ રસ્તો રહેશે જ નહીં. મારો પ્રયત્ન ચાલુ છે, દિલથી ચાહું છું દરેક વાંચનાર મારી સાથે જોડાય અને આપણે સાથે પ્રયત્ન કરીએ કે જેટલા બને એટલા આ ક્રોધની કડવાશથી દૂર રહીશું અને શાંત રહેવાનો અચૂક પ્રયત્ન કરીશું.
_____શરૂઆત હું કેમ કરું ? કેમ એ સામેથી વાત કરવાના આવી શકે? કેમ એ માફી માંગીના શકે? હું કંઈ પાગલ છું દર વખતે માફી માંગવા જાઉં ? આવા ઘણાં પ્રસન્નો રોજ આપણા જીવનમાં ઘણાં નજીકના સંબંધોમાં આવતા હોય છે,પણ તમે ક્યારે એમ વિચાર્યું કે આવો ego રાખવાથી નુકસાન પણ આપણું જ છે. આપણું મન અશાંત રહે છે, negative વિચારો આવતા રહે છે અને અણગમો પણ વધતો જાય છે.
_____અનુભવના આધારે એટલું કહી શંકુ જ્યારે સંબંધ આપણો હોય તો એને માફી માંગી બચાવી લેવો કારણકે જયા લાગણી હોય ત્યાં જ મન દુ:ખ પણ થાય. તમારી જાતને આવી કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે માત્ર એક પ્રશ્ન પૂછજો, શું આ વ્યકિત કરતા મારો ગુસ્સો વધુ મહત્વનો છે? માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતુ પણ આપણે ઘણાનાં મન જીતી શકીએ છીએ. એક વાક્યનો જરૂરથી પ્રયત્ન કરજો અને મને યાદ કરજો, તમારા એ સંબંધની કાચી ડોર પ્રેમથી સંધાય જશે, “મારી ભૂલ થઈ ગઈ, તું મને માફ નહી કરે?” બસ સામેવાળી વ્યકિત પાસે તમને માફ કરીને વળગી જવા સિવાય કોઈ રસ્તો જ નહી રહે.
_____જીવન ખૂબ ટૂંકું છે ચલોને વેર ઝેર ભૂલી પ્રેમથી સૌને અપનાવી લઈએ. વાંક કોઈનો પણ હોય છતા માફી હું જ પહેલા માંગીશ એવું નક્કી કરી આપણા જ બનાવેલા દરેક સંબંધને જીવી લઈએ.