તારા વગર ગમતું નથી

તારી યાદ વારે વારે આવી જાય
મારા મનને ખૂબ બેચેન કરી જાય

કાબુમાં કેમ કરુંઆ મનને એ ના સમજાય
ક્યારે મળીશ ને વળગીશ એક જ ઈચ્છા થાય

કલાકોના ધ્યાનમાં તું સામે આવી જાય
‘તને બહુ યાદ કરું છું’ બસ કાનમાં કહી જાય

એક એક પળ કાઢવી મુશ્કેલ થતી જાય
તારા વગર ગમતું નથી જ્યારે તું મને કહી જાય

તું વારંવાર મને એક જ વાત કહી જાય
આવી જા હવે તારા વગર બધુ ખાલી દેખાય

બસ મને એક તને જ મળવાની ચાહત થાય
તારી યાદ મને ખૂબ એકલો કરી જાય.

તારા વગર ગમતું નથી – Audio Version
Share this:

વાણી

ક્યારેક રિઝાવે તો ક્યારેક દુભાવે
પ્રેમ થી મનમીત બનાવી દે
આક્રોશમાં સંબંધોને બગાડી દે
આવેશમાં આવે તો નિર્ણયો ખોટા લેવડાવી દે
શાંત હોય તો દુનિયા જીતાવી દે
શબ્દોથી ક્યારેક લોકોને દૂર કરી દે
અને ક્યારેક કવિતાઓ રચી દે
વાણી છે આપની દોસ્ત
જો ચાહે તો સૌના દિલ જીતાડી દે
દિલ જીતીને દુનિયા જીતાડી દે.

વાણી – Audio Version
Share this:

વિપસ્સના અનુભવ – Part 3

શ્રી ગોએંકાજીની પંક્તિઓ આજે પણ કાનમાં સંભળાય છે, મન જો  મેલું હોય તો દુશ્મન કરતાં પણ ખરાબ છે પણ મનજો નિર્મળ હોય તો માતા પિતા કરતાં પણ વધુ ધ્યાન રાખે છે. મન જ આપણને કર્મ કરાવે છે, મન જ આપણા કર્મો ને તોડી શકે છે. મન જ પ્રમુખ છે અને મન જ આપણા સુખ દુઃખનું કારણ છે પછી હંમેશા આપણે બીજાને કેમ દોષ આપીએ છીએ ? ક્ષણ ક્ષણ વીતી રહી છે અને આપણે હંમેશા કાલની રાહ જોઈએ છીએ. આ દસ દિવસમાં મનને જલ્દી ભટકવાનો સમય આપવામાં આવ્યો જ નહોતો. રસ્તો એકદમ સાફ હતો ક્રોધને બદલે શા માટે ક્રોધ કરવો ને ઈર્ષ્યા ને બદલે કેમ ઈર્ષ્યા? આ બધા વિકારને આપણે કરુણા અને સમતાથી ભરવાના છે.

સાચી કરુણા એટલે શું? લોકોની સેવા કરવાની તેમને દુઃખમાંથી બહાર કાઢવાની ઈચ્છા એટલે સાચી કરુણા. જો તમને સાચી કરુણા હોય તો પછી તમે પુરા પ્રેમથી તમારી ક્ષમતા મુજબ બીજાને મદદ કરવાનો પ્રયાસ કરવો. તમે તમારી સેવાના પરિણામની ચિંતા કર્યા વિના સેવા કરો એ જ વાસ્તવિક કરુણા છે. દુનિયાના દરેક જીવ માટે કરુણાનો ભાવ શીખવાડવામાં આવે છે એ પણ કોઈ attachment વગર. દરેક જીવનું મંગળ થાય એવી પ્રાર્થના કરાવવામાં આવે છે

તેરા મંગલ તેરા મંગલ
સબકા મંગલ હોય રે
જન જન મંગલ
જન જન મંગલ હોય રે
सबका मंगल होय रे


દરેક જીવને મૈત્રી આપવી. સૌનું ભલું થાય એવી દિલથી ભાવના રાખવી અમને સમજાવવામાં આવ્યું. બધાનું મંગલ થાય એવી પ્રાર્થના કરતા. સારું કે ખરાબ જે પણ બને તમામ બાબતોને સમતા ભાવથી જોવી એ જ શીખવાડવામાં આવતું. (‘No Reaction’). કોઈનો પણ વાંક હોય એના પર ગુસ્સો કરવા કરતા પ્રેમ વરસાવો તો જ આપણે આપણા મન પર કાબૂ લાવ્યો છે એમ કહી શકાય. મનને નવા કર્મ કરતા અટકી જવાશે. એમના દરેક દુહાનાં એક એક શબ્દ અંતરને અડી જાય એવા છે. એ આપણને માત્ર પ્રેમ જ પ્રેમ શીખવાડે છે.

વિપસ્સનામાં ચાર રસ્તાઓ પર નજર કરાવી  છે. જે ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા છે. તમારે આમાંથી કય રસ્તાએ જવું એ તમારા ઉપર છે.

૧) અંધકારથી અંધકાર તરફ એટલે કે રાગ દ્વેષ ક્રોધ કપટ અને માયા અને એના બદલામાં આ જ બધું આપવું.
૨) અંધકારથી પ્રકાશ તરફ એટલે  રાગ દ્વેષ મોહ માયા ના બદલે એનાથી વિરુદ્ધ જવું ,સમતા અને કરુણાનો ભાવ રાખવો. એનાથી તમે પ્રકાશ તરફ જઈ રહ્યા છો.
૩) પ્રકાશથી અંધકાર તરફ એટલે તમારી પાસે જીવન જીવવાની તમામ સગવડો હોય અને તમે ઈર્ષ્યા ક્રોધ મોહ માયા કરો અને કોઈના માટે કરુણા ભાવ ના રાખો એટલે એને પ્રકાશથી અંધકાર તરફ જવાઇ એમ કહેવાય.
૪) પ્રકાશથી પ્રકાશ તરફ એટલે કે તમારા પાસે જીવન જીવવાની  દરેક સગવડો હોય અને છતાં તમે કરુણા સમતા અને પ્રેમના માર્ગે જ આગળ વધો તો એને પ્રકાશથી પ્રકાશ તરફ કહેવાય. હવે આપણે નક્કી કરવાનું છે કે કયા માર્ગે જવું છે.

મારી વિપસ્સના ને લગભગ એક મહિનો થઈ ગયો છે અને આજ સુધી હું દરરોજ સાધના કરું છું . મને એનાથી ઘણા ફાયદા થયા છે. જેનાથી એક વસ્તુ પાકી છે કે મારું મન પહેલાંની જેમ જલ્દી અકળાઈ નથી જતું, ખૂબ અવેરનેસ આવી ગઈ છે ખૂબ પોઝિટિવિટી ફિલ થાય છે અને અંદરથી ખૂબ જ હળવું ફિલ થાય છે. મારી ચોક્કસથી દરેકને એક વિનંતી છે કે એકવાર વિપસ્સના કરી એનો અનુભવ જરૂરથી કરજો. તમને તમારા જીવનમાં જે બદલાવ જોવા મળશે એનો કંઈક અલગ જ આનંદ થશે. તમને સૌ માટે કરુણા અને મૈત્રીનો અનુભવ થશે.

વિપસ્સના એટલે જીવન જીવવાની કળા. એને કોઈ ધર્મ, માનતાં કે અંધવિશ્વાસ સાછે જોડવાની જરૂર નથી. બધુ પાછળ મૂકી દેવું. વિપસ્સના એટલે આચારસંહિતા, શુધ્ધ અને સરસ જીવન જીવવાની કળા અને સ્વસ્થ જીવન. તે સ્વ માટે સારૂ છે અને બીજા મટે પણ સારૂં છે.

Thank you.

વિપસ્સના અનુભવ – Part 3 – Audio Version
Share this:

વિપસ્સના અનુભવ – Part 2


દરેક ધર્મનાં મૂળમાં  શું શીખવાનું હોય છે ? ‘વિકાર વગરનું મન અને સમતા’ પછી કેમ આપણે  ધર્મોને અલગ અલગ નામ આપી દીધા છે? આજ વાત અમે અહીં સમજી રહ્યા હતાં.

આસક્તિ અને રાગ બંને મૂળ આપણા દુઃખના કારણ છે. પરિવાર યાદ આવે એટલે રાગ આવે અને રાગ આવે એટલે આસક્તિ આવે જ. ત્યાં રહીને એકવાત  પાકી હતી કે કોઈપણ  વ્યક્તિ માટે ખરાબ કે ખોટા વિચાર મારા મન પાસેથી પસાર નહોતો થતાં. બધા જ મને સારા લાગતા હતા, બધા જ માટે મનમાં ભારોભાર લાગણી હતી. અંદરથી શાંતિનો અનુભવ કરતી હતી. નવમા દિવસ સુધી હું દરેક રાત લગભગ ત્રણ કલાકથી વધુ સુતી નહોતી પણ આખા દિવસની એ એનર્જી ક્યાંથી આવતી હતી, એ સાચે જ એક ચમત્કાર જેવું હતું.

વિપસ્સના એટલે સમતા, મનની એકાગ્રતા. મનના દરેક વિકારને શાંતિથી બસ જોયા કરવા અને એ અનિત્ય છે એવો ભાવ સતત રાખવો. આપણે લગભગ બધા જ ધર્મમાં કે સંતો પાસેથી રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ કે માયા આ શબ્દો સાંભળ્યા જ હશે, અંતે આમાંથી છૂટવાનું છે એ જ સમજાવવામાં આવ્યું છે. પણ શું આપણે અનુભવ કર્યો ? દસ દિવસ સતત અહીંયા આજ અનુભવ કરવાનો પ્રયત્ન કરાવતા. કરુણા અને મૈત્રી શીખવાડતા, જે સાચો ધર્મ છે.

ગોએંકાજીના પ્રવચન જેમ જેમ સાંભળતી ગઈ, ઘણું સમજતી ગઈ. અમે દિવસના 10 કલાક માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કરતાં અને મનની સંવેદનાઓ એટલે કે આપણા શરીરના ઊઠતા સ્પંદનો  ગરમી, ઝણઝણાટી, નમ, દુખાવો વગેરે વગેરે… બસ જે થતુ એને જોયા કરવું. જ્યારે પણ ટીચરને કહેતી મન એક જગ્યા પર રહેતું જ નથી એ તરત જ સમજાવતા કે આ જ તો શીખવાનું છે કે મનને આપણા કહ્યામાં કેમ રાખવું. એ જ રીતે પાછા ધ્યાનમાં બેસી જતા.

જ્યારે એક કલાક એક જ સ્થિતિમાં બેઠા હોઈએ અને જરા પણ હલીએ નહીં એને અધિષ્ઠાન કહેવાય. તમે માની પણ નહીં શકો કે હું ગઈ ત્યારે 15 મિનિટથી વધુ એકજ સ્થિતિમાં બેસી નહોતી શકતી પણ હવે ૬ દિવસ પછી એક જ જગ્યા પર બે કલાકથી વધુ અધિષ્ઠાનમાં બેસી શકતી થઈ ગઈ હતી. મનની  સાથે સાથે શરીરનું પણ પ્યોરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ થતું. જે દુખાવા માટે હું બીજી જ રાતે ખૂબ રડી હતી કે હવે બેસી જ નહીં શકું, મારી રાઈટ સાઈડ કમરથી લઈને પગ સુધી ભયંકર દુખાવામાં હતી. એ દુખાવો  મને ચોથા દિવસ પછી એકવાર પણ આવ્યો નહોતો. આ જ આપણું મન છે એને જેમ વાળવું હોય વાળી શકીએ પણ આપણે મનને જે કરવું હોય એ કરતા થઈ જઈએ છીએ.

આપણે ફીટ રહેવું હોય અને બાજુ વાળો કસરત કરે તો શું આપણને રિઝલ્ટ દેખાવાનું છે? એવી જ રીતે આપણા મન પર કાબૂ કોઈ ગુરુ કે ટીચરના પાસેથી મળી નથી જવાનું આપણે જાતે જ પ્રયત્ન કરવાનો છે. આ દસ દિવસમાં જ્યારે વિચાર કરતી ત્યારે લાગતું કેટલી મોહ માયા લઈને બેઠી છું. કેવો સ્વભાવ છે દરેક મનુષ્યનો એક પછી બીજી અને બીજી પછી ત્રીજી ઈચ્છાઓ તૈયાર જ હોય. આપણી ઈચ્છાઓ ઉપર કોઈ સ્ટોપ બટન છે જ નહીં. કોઈપણ વાતમાં સો ટકા ખુશી મળે ખરી? મનને ક્યારે પણ સંતોષ જ નથી હોતો. આ લગભગ છ દિવસ સુધીની વાત હશે, મન એકદમ હવે શાંત થઈ ગયું હતું. જેને પણ મારાથી દુઃખ પહોંચ્યું હોય એને અંતરથી  હું માફી માંગી ચૂકી હતી.

મને હવે બધા એટલા યાદ નહોતા આવતા જેટલું મને પહેલા ત્રણ દિવસ દુઃખ થયું હતું. હું મારા જ મનને  સમજવાની પૂરી કોશિશમાં હતી. આજના દિવસમાં મને મારા સ્વભાવમાં બદલાવ લાગી રહ્યો છે.  કોઈ કેટલું પણ બોલી જાય ,મારું મન પહેલાની જેમ તરત જ અકળાઈ નથી જતું. અંદરથી અવાજ આવતો અને કહેતુ આ અનિત્ય છે. ઘણી અવેરનેસ આવી ગઈ હોય એવું મને લાગવા લાગ્યું છે. દુઃખ ચોક્કસથી થતું કારણ કે મારાથી કોઈને તકલીફ પહોંચી પણ હવે એનું પણ ધ્યાન રાખતી થઈ ગઈ છું .મને મારામાં જ બદલાવ દેખાવા લાગ્યો છે અને આ બદલાવ મને સાચે અંદરથી ગમવા લાગ્યો છે કારણ કે હું અંદરથી એકદમ શાંતિ અનુભવુ છું. હજુ ઘણું આગળ જવાનું છે અને ઘણું શીખવાનું છે.

મૈત્રીનો અનુભવ છેલ્લા અંકે…

વિપસ્સના અનુભવ – Part 2 – Audio Version
Share this: