પ્રભુ સાથેનો સફર

ધાર્મિક દિવસો આવે ત્યારે,
મનથી દુનિયા છૂટી જાય.
ગુરુ સાથે બેસી ધ્યાનમાં,
હળવી હવાની જેમ શાંતિ છવાય.

દેરાસર જવા પગ એવા ઉપડે ત્યાં,
અંતર આત્મા ઉજળો થઈ જાય.
પ્રભુ ભક્તિમાં ડૂબી જાઉં જો,
દુઃખ ચિંતા બધું ભૂલી જવાય.

પ્રાર્થનાની મીઠી ઘડી,
હૃદયમાં એક પ્રકાશ જગાવી જાય.
એવી શાંતિ,એવો અનહદ આનંદ,
પ્રભુ સાથેનો જાણે સફર કરાવી જાય.

પ્રભુ સાથેનો સફર – Audio Version

Share this:

આઠ વર્ષનો સફર

શબ્દોમાં વણાઈ ગઈ
મારી લાગણીની કહાની,
દરેક પંક્તિ જાણે
તમારી પ્રેમભરી નિશાની ..

આઠ વર્ષથી લખું છું
કવિતા મનના રંગોથી ,
દરેક પરિસ્થિતિએ આપી
નવી એક પ્રેરણા અંતરથી ..

સફર છે આ રંગીન
માત્ર તમારા સાથ અને પ્રેમથી,
આભાર શબ્દ તો નાનો છે
ઋણી છું આપ સૌની અંત: હ્રદયથી..

બની ગઈ આઠ વર્ષની યાદો
અમૂલ્ય ખજાનો જીવનનો,
પૂરું થશે આગળનું સપનું
બસ તમારા જ સહકારથી..

આઠ વર્ષનો સફર – Audio Version

Share this:

મજાનું જીવન

મારી જ મસ્તીમાં છું હું,
ને જીવનને મજાથી જીવું છું..
નવા દેશ, નવી જગ્યા, સુંદર વાતાવરણ,
દરેક પળોને હું દિલ થી માણું છું..

નથી ગમતું મને પાછળ જોવું,
બસ મારી ધૂનમાં વહેતી જાઉં છું..
‘લોકો શું કહેશે’ એની ચિંતા છોડી,
મારું જીવન મારી મરજીથી જીવું છું..

અઘરો સમય આવી જો જાય,
‘આ પણ વીતી જશે’ કહીને મનમાં હસી લઉં છું..
કદર કરે જો કોઈ એને જીવનનો હિસ્સો બનાવું,
નહીં તો બસ આગળ વધી જાઉં છું..

પ્રયત્ન એક જ કરું છું,
આજ અને આવતીકાલે સહજ બનાવું છું..
જીવન છે મારું એક સુંદર સફર,
દરરોજ નવી એક યાદ બનાવું છું..

મજાનું જીવન – Audio Version
Share this:

ધ્યાન

શાંતિ શોધવા બહાર મન અટવાતું,
અંતે અંદર જ કંઈક મળી ગયું .

બસ આંખો બંધ કરી,શ્વાસ જોયો ,
જાણે બધું અંદરથી બદલાઈ ગયું.

ધ્યાન મને મારા નજીક લાવતું,
ભૂતકાળ ભવિષ્ય બધું અટકાવી ગયું .

હવામાન જેવું મન હતું પહેલા,
ધ્યાન એને મધુર બનાવતું ગયું .

હવે દરરોજ થોડી ક્ષણો લઉં,
મારી સાથે હું મૌનમાં રહું .

એ અવાજ નથી બસ શાંતિ છે ,
જ્યાં હું મારી જાતને જ મળું.

ધ્યાન – Audio Version

Share this:

રોજ એક નવી સવાર

અતીતને ભૂલી જા હવે,
જ્યાં દુઃખની માત્ર યાદો રહે..
 વીતેલી પળો જ્યાં ખાલી દલીલો હતી,
 ભૂલીને એક શાંતિનો અનુભવ કર હવે..

કાલ ની વાતો રાખ પાછળ,
આજને શ્વાસમાં ભરીલે હવે ..
જીવન તો પ્રવાહ છે વહેતો,
પાછળ જોવાથી મળશે શું હવે?

હાથમાં છે આપણા જ આજની ઘડી,
એમાં સંતોષ ને વળી ખુશી પણ રહે..
ભવિષ્યની ચિંતા બંધ કર,
જીવી લે ‘આજ‘ને દિલથી હવે..

શું મળશે રાખીને યાદો ખાટી,
અપનાવી લે મનથી હકીકત હવે..
રોજ એક નવી સવાર છે અહીં,
ચાલ  જીવનના રસ્તે ફરી પગલા મૂકી દે હવે..

રોજ એક નવી સવાર – Audio Version

Share this:

એને તારા પપ્પા કહેવાય

જ્યારે જ્યારે હું એને જોઉં,
એની દરેક વાતોમાં મને તું દેખાય..
પડછાયા ની જેમ તારી સાથે હોય,
તારી દરેક ઈચ્છા પૂરી કરવામાં એમાં ખુશી દેખાય…

તું કંઈ બોલે કે ના બોલે,
તારી ચુપ્પી પણ કોણ જાણે એને સમજાય..
તારો એક ફોન જ્યારે પણ આવે,
તો એ અંદરથી ખૂબ મલકાય..

સપનામાં પણ તને ખુશ જોવે,
ને દૂર હોય તો પણ અંદરથી તારા જ વિચારમાં દેખાય..
જિંદગીમાં તારો આ સાથી આવો છે,
તારી નાની સફળતા જોઈ એની આંખોમાં ભીની હરખાય..

બેસને પાંચ મિનિટ વધુ મારી સાથે,
એની માંગણીમાં બસ માત્ર આ જ કહેવાય..
તું એના કરતાં પણ ખૂબ આગળ વધે,
એની પ્રાર્થનામાં બસ એ જ બોલાય..

કોઈ હોય કે ના હોય તારી સાથે જીવનમાં,
દરેક ડગલે તારી સાથે ઊભો એ દેખાય..
દિલથી જાણું ને સમજું છું હું એને,
બીજું કોઈ નહીં, એને તારા પપ્પા કહેવાય..

એને તારા પપ્પા કહેવાય – Audio Version
Share this:

થોડીવાર હજુ લાગશે

હતો એક સમય, જ્યાં તું અને હું,
દિવસ શરૂઆત પણ સાથે કરીએ,
અને રાતના સપનામાં પણ સાથે ફરીએ…

હસતા, રડતા, ભૂલી જતાં દુનિયાને,
એકબીજાના સુખદુખ દિલ ખોલીને કહીએ…
પણ એક ક્ષણમાં કેમ બધું બદલાઈ ગયું?
એકબીજાથી અચાનક નજર ફેરવીને ફરીએ…

પળો કેમ ખાલી ને અધૂરી લાગે,
હવે જ્યારે પણ સાથે મળીએ…
હૃદય બોલે ફરી તો ના તૂટે ને કંઈ?
બસ એ જ ડર કોણ જાણે, દિલમાં લાગે…

વિશ્વાસ એકવાર તૂટી જાય,
તો સંબંધોમાં શું ફરીથી પ્રેમ મળશે?
આમ વારંવાર તારા જતા રહેવું,
શું મળશું ત્યારે બધું પહેલા જેવું જ લાગશે?

દોસ્તી તો આજે પણ છે, દોસ્ત,
શું પહેલા જેવી લાગણી પાછી આવશે?
દૂર કે પછી ક્યારેક શાંત લાગું તને,
સમજી લેજે પહેલા જેવી થતા મને થોડીવાર હજુ લાગશે…

થોડીવાર હજુ લાગશે – Audio Version
Share this:

કરીલે થોડી મસ્તી ને મજા

કરીલે થોડો આરામ જીવનમાં,
ભરીલે આનંદ ખૂબ મનમાં…
દોડધામ છે રોજ અહીં,
ભૂલી ના જતા જીવવાનું આ ધમાલમાં…

બેસીને એક દિવસ શાંત થઈ જરા,
સૂરજની કિરણોને માણીને નજરમાં…
લાવી દે મુખ પર થોડું સ્મિત,
ને ભૂલી જા હર દુઃખ હાસ્યના ખડખડાટમાં…

જરૂરી છે મહેનત દરરોજ અહીં,
થંભી જા થોડી આ ભાગમભાગમાં…
બેસીને મિત્રો સાથે હસી લે થોડું,
બનાવી ને યાદો સૌ સાથે અહીં રખડવામાં…

નાવ ન હોવી જોઈએ તણાવથી ભરેલી,
કરીલે થોડી મસ્તીને મજા જીવનમાં…
જિંદગી છે એ ખૂબ સુંદર સફર,
ભરી લે ખુશીથી સુગંધ હર પળમાં…

કરીલે થોડી મસ્તી ને મજા – Audio Version

Share this:

ક્યારે કંઈક આવું લાગે

કેમ અચાનક મન અશાંત લાગે,
બોલવા જેવી વાત હોય તો પણ મૌન રાખે..

હસવાનું મન ન કરે, રડવું પણ ન આવે,
કોઈ મને સમજતું જ નથી બસ એવું લાગે..

હજારો વિચારો એક સાથે ગુમતા રહે,
ને દિલની અંદર કંઈક ખાલી ખાલી લાગે..

કોણ જાણે કેમ કંઈક ગજબની અકળામણ થાય,
દિવસ ભારે અને રાત તો વળી કાળી લાગે..

ક્યારેક કંઈ કેમ એવું લાગે,
મન ખુદ થી જ રિસાયેલું લાગે..

ક્યારે કંઈક આવું લાગે – Audio Version

Share this:

એક મીઠી ભેંટ

તું સાથ આપે છે હું જાઉં જ્યાં જ્યાં,
હાજર હોય હંમેશા મને જરૂર હોય ત્યાં ત્યાં..

દિલ દયાળુ તારું કરે પ્રેમથી ભરેલી વાત,
લાગે તું મને મારી જિંદગીની એક આદત ખાસ..

વિના અપેક્ષા હોય હંમેશા તું ઉભો,
માત્ર મને ખુશ જોવાનો એક તારો ઇરાદો..

દુઃખી હોય જ્યારે પણ મન મારું,
ભરી દે છે હળવાશ મન તારું..

મારી દરેક વાતને હંમેશા ધીરજની સાંભળે,
ભલેને પછી તારી વાતોમાં હું હોઉં રવાડે..

લખું છતાં ભલેને મારી કોરી હોય સ્લેટ,
સાચે જ કુદરતે આપેલી તું છે એક મીઠી ભેંટ.

એક મીઠી ભેંટ – Audio Version
Share this: