તારો સાથ

તારા સાથ સંગાથે મારે રહેવું છે,
તારા પ્રેમના દરિયામાં મારે વહેવું છે.

તારો હાથ થામી મારે ફરવું છે,
તારા વ્હાલનાં દરિયામાં મારે વહેવું છે.

તને નિહાળીને મારે જાગ​વું અને સૂવું છે,
તારા નેત્રોનાં નેહમાં મારે વહેવું છે.

મસ્તીમાં તારી સાથે મારે ઝૂમ​વું છે,
બસ સ્મિત બનીને તારા મુખ પર મારે વહેવું છે.

પ્રગતિનાં હર પંથે તને જોવો છે,
બસ તારી તાકાત બનીને મારે રહેવું છે.

હૃદયથી હૃદય મારે સ્પર્શવું છે,
તારા બનીને તારામાં વસીને મારે રહેવું છે.

એકવાર નહી વારંવાર મારે તને કહેવું છે,
હર એક પળ મારે તારી સાથેજ રહેવું છે.

તારા સાથ સંગાથે મારે રહેવું છે,
બસ તારાજ પ્રેમના દરિયામાં મારે વહેવું છે.

Share this:

મને મુકીને કેમ જાય છે?

ઠંડી ઠંડી હ​વા છે અને મન મારૂં ઠંડકમાં નૃત્ય કરે છે,
ત્યાંજ તારો સ્પર્શ કહે છે,
મને મુકીને કેમ જાય છે?

પર્વતો અને ગુફાઓમાં મન મારૂં શાંત થઇ જાય છે,
ત્યાંજ તારી યાદો કહે છે,
મને મુકીને કેમ જાય છે?

આ નદી અને એનું શાંત પાણી મારા મનને ભીનું કરે છે,
ત્યાંજ તારી ભીની આંખો પુછે છે,
મને મુકીને કેમ જાય છે?

લાગે છે જ્યાં જઈને અટક​વું હતું ત્યાંજ આવીને ઊભી છું,
ત્યાંજ તારી સાથે ચાલેલા કદમો યાદ આવે છે,
મને મુકીને કેમ જાય છે?

હસું છું, બધાને હસાવું છું પણ આ મનને કેમ કંઈ ડંખે છે,
ત્યાંજ તું હાથ પકડે છે અને કહે છે,
મને મુકીને કેમ જાય છે?

હું થંભી ગઈ છું, ખુશ છું, મનમાં અઢળક નૃત્યો છે,
દરવાજાં પર દસ્તક વાગે છે,
તું ભેટે છે અને કહે છે, મને મુકીને નહીં જ​વા દઉં તને.

પંખીઓનો આ કલર​વ, પહાડોમાંથી વહેતાં બરફનાં પાણી,
વહેતી વહેતી આ ઠંડી હ​વાઓ રોકે છે મને,
બસ તારો સાથ કહે છે નહીં જ​વા દઉં તને.

Share this:

સાજન

કરૂં કેટલી અટકળ સાજન?
સંબંધ આપણો મૃગજળ સાજન.

રોજ ટપાલી અહીંથી નીકળે,
કયાં આવે તુમ કાગળ સાજન.

રાત સુતી છે હું જાગું છું,
સ્મરણ આપણો સાંકળ સાજન.

મને કેટલી નજરો વીંધે,
કોણ લગાડે કાજળ સાજન.

રોજ સવારે પાંપણ ઉપર,
અશ્રુઓનાં ઝાકળ સાજન.

ને મુજને પણ અચરજ એનું,
દિલમાં ઊગ્યા બાવળ સાજન.

આંખ મીચું તો પણ દેખાતાં,
બંધ પોપચા પાછળ સાજન.

Share this:

તારી યાદ મને આવી જાય છે

તું નથી તો તારી યાદ મને આવી જાય છે,
તારી ગેરહાજરી મારી આંખો ભીની કરી જાય છે.

સ​વારે ઊઠું તારા રૂમનાં દરવાજા બંધ દેખાય છે,
કેમ તારા પલંગની ચાદરો પણ વ્ય​વસ્થિત દેખાય છે?
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

રસોડામાં તારો દૂધનો ગ્લાસ ખાલી દેખાય છે,
જલ્દી કર-જલ્દી કર ની રાડો સંભળાય છે.
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

ગાડીનાં દરવાજા પણ તારી રાહ જોતા દેખાય છે,
જાણે મને કહે છે કોઈક આવ​વાનું બાકી દેખાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

મારી બૂમોની અસર હ​વે ભીંતો પર રહી જાય છે,
તારી બૂમો સાંભળવા મારા કાન તરસી જાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

હસતાં રમતાં તારા ચિત્રો નજરને ઠંડક આપી જાય છે,
ત્યાંજ તારી યાદ એને ભીની કરી જાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

તું હોય ત્યારે સમય તારી સાથે ભાગતો દેખાય છે,
તું નથી તો જાણે આ શ્વાસ થંભી જાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

તારા રમકડાં બધા સૂના પડયા દેખાય છે,
જાણે મારા હૃદયનાં ફૂલો કરમાઈ ગયા દેખાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

દિવસ તો માંડ જાય છે ત્યાં રાતનાં પથારીમાં તારી સળવળ હલાવી જાય છે,
તારો વ્હાલ મારા ગાલ ભીના કરી જાય છે,
તને ભેંટવા જાઉં તો મારા હાથ ખાલી દેખાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

તારી ગેરહાજરીમાં તારી બક-બકની કદર સમજાય છે,
તું આવશે તો કહીશ વ્યથા મારી
તારી યાદ જ મને કોરી ખાય છે,
સાચું કહું તું નથી તો હૃદય રડી જાય છે,
તું નથી તો તારી યાદ મને આવી જાય છે.

Note:

I wrote this poem when my Son, Meet was away from home for his school trip. As I publish this, he is away from home on a school trip again.

Dear Meet, your presence alone is enough to make me happier. I love the way you take care of me. Your values make me a proud mother. You may be busy liking memes on Instagram rn ?and you may not read this poem but I can totally see that you will be the one to understand meaning behind each and every word of this poem, few years from now.

I love you to infinity and beyond! ? Come back soon. I can’t wait to hug you. ?

Share this:

તને મળવાની એક આશ છે

અંતરમાં એક આશ છે,
તને કરવી એક વાત ખાસ છે.
પ્રભાતમાં સૂરોનો રાસ છે,
બસ તને મળવાની એક આશ છે.

સ્મિત નો એક હલકો ભાસ છે,
જાણે તારા સ્પર્શનો અહેસાસ છે.
મિત્રો ઘણા આવે છે જાય છે,
નેત્રો ને જાણે બસ તારી જ રાહ છે.

વાતો કરવાં મળે છે ઘણાં,
શબ્દો બસ તારા જ સંભળાય છે.
દૂર છે છતાં આસ-પાસ છે,
અંતરનો તું એક ધબકાર છે,
બસ તને મળવાની એક આશ છે.

આત્મીયતા તારી ને મારી એક સંબંધ છે,
બસ જાણે પ્રેમનો અતૂટ અહેસાસ છે.
હૈયામાં જાણે હળભળાટ છે,
તને મળીને કરવી હજારો વાત છે.

સંબંધ આપણો બસ એક અતૂટ વિશ્વાસ છે,
અંતરમાં એક વાત છે.
તારું સ્થાન મારા જીવનમાં કંઇક ખાસ છે,
તને બસ એકવાર મળવાની આશ છે.

Share this:

વેદના

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તમે કે સૌ કલા તમને શણગારતી રહી.

એક હું કે કોઈ વાત બરાબર કહી ન શકું,
એક તમે કે તમારી આંખ બધું બોલતી રહી.

એક હું કે કોણ મારી કવિતા ને દાદ દે,
એક તમે કે તમારી વાત સભા સાંભળી રહી.

એક તમે કે તમારી આંખ ને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તમે કે તમારા હાથમાં દુનિયાની પ્રતિષ્ઠા,
એક હું કે મારી પ્રતિષ્ઠા મારા સુધી રહી.

એક આપ જેવા સ્વજન જે મળે છે કદીકદી,
એક મારી વેદના જે સ્વજન શોધતી રહી.

Share this: