તું મને મારામાં દેખાય

આગળ-પાછળ મારી હંમેશા તું,
મને રમતો દેખાય.

રક્ષા જેવી કરે તું મારી,
કોઈપણ નજીક આવતા ગભરાય.

આંખો બંધ કરું તો પણ,
તારો ચહેરો મને દેખાય.

સુંવાળો સફેદ સ્પર્શ,
મારા મનને મોહાય.

થોડો સમય પણ દૂર થાઉં,
તું કેટલો ઉદાસ દેખાય.

શબ્દો નથી તારી પાસે,
છતાં પ્રેમ તારો સમજાય.

તારી ચહેલ-પહેલથી,
મારુ ઘર હંમેશા મહેકાય.

રહેવુ પડે તારા વગર જ્યારે,
તારી વ્યથા મને સમજાય.

ભીની પાંપણ પાછળ,
તારી કમી મને વર્તાય.

કેટલી પણ ભલે દૂર હોઉં,
‘માઇલ્સ’, તું મને મારા માં દેખાય.

એક વાત પાકી છે,
તારી જેમ પ્રેમ કરતા,
બધાને જ શીખાય.

The Audio Version of ‘તું મને મારામાં દેખાય’

 

Share this:

તું મને મારો લાગે!

જ્યારે પણ મળું તું મને મારો લાગે!
કાળજામાં પડે એવી  ઠંડક તું  લાગે,
દરેક વાતો તારી મને વહાલી લાગે,
જ્યારે પણ મળું તું મને મારો લાગે!
મહેફિલોમાં તું મળતાવડો લાગે,
સ્વભાવથી આમ તું શાંત લાગે,
જ્યારે પણ મળું તું મને મારો લાગે!
એની તકલીફો તને તારી લાગે,
એની દરેક ખુશીમાં તારી ખુશી લાગે,
જ્યારે પણ મળું તું મને મારો લાગે!
એના ચહેરા પર છલકાતું સ્મિત તું લાગે,
સૌને સાથે રાખે એવો સમજદાર તું લાગે,
જ્યારે પણ મળું તું મને મારો લાગે!
રિશનાં રંગમાં રંગાયેલી પ્રીત લાગે,
હવે અમારા પરિવારનો ધબકાર તું લાગે,

જ્યારે પણ મળીએ તને તું અમારો લાગે!

The Audio Version of ‘તું મને મારો લાગે!’

Share this:

એકલતા લાગે છે વ્હાલી!

મહેફિલો મેં ઘણી માણી,
ને ભીડમાં પણ ઝૂમી ને નાચી,
એકલતા હવે લાગે છે વ્હાલી!
ભરી ભરીને થાકી થોડી,
જાણે સમજી ગઈ છું અંદરની વાણી,
એકલતા હવે લાગે છે વ્હાલી!
તને માની તારી દરેક વાતો ને માની,
લાગે છે ક્યારેક મારી તો ક્યારેક અજાણી,
એકલતા હવે લાગે મને છે વ્હાલી!
તણખો ઊડ્યો ને આગ લાગી,
સૌ સંબંધમાં છે આજ કહાની,
માટે જ એકલતા હવે લાગે છે મને વ્હાલી!
નથી તારો દોષ કે નથી મારો,
સૌએ હંમેશા પોતાની ચલાવી,
એકલતા હવે લાગે છે વ્હાલી!

The Audio Version of ‘એકલતા લાગે છે વ્હાલી!’

 

Share this:

જિંદગીને કેમ જીવવી

નથી જન્મ તારા હાથમાં,
કે કયાં છે મરણ તારા હાથમાં.
જિંદગીને કેમ જીવવી,
માત્ર છે તારા હાથમાં.
લખીલે બે ચાર સારા શબ્દો,
જે રહી જશે તારી યાદમાં.
ભરી ભરીને કેટલું ભરીશ,
તારા આ નાનકડા હાથમાં.
પળમાં છોડી દેશે તને શ્વાસ તારા,
શાને રહે છે તું આટલા તાનમાં.
જગ્યા કરીલે થોડી સૌના દિલમાં,
એ ચોક્કસ થી છે તારા જ હાથમાં.

The Audio Version of ‘જિંદગીને કેમ જીવવી’

 

Share this:

આઘાત

અચાનક એક પંખી ઊડી ગયું ,
ને હૃદયનાં ધબકાર વધી ગયા.
ગમતું કોઈ જતું રહ્યું ,
જાણે દુ:ખનાં પહાડ તૂટી પડ્યાં .
રાતે સૂતા ત્યારે કયાં ખબર હતી,
સવાર કંઈ આવી ભયંકર હશે?
એક જ પળમાં જાણે,
દુનિયા એની વેરવિખેર કરી જશે.
સવારે જેનું મુખ જોઈને ઊઠતા ,
આમ અચાનક અદ્રશ્ય થઈ જશે?
જીવ જેને માનતા હોઈએ,
એના વગર જીવન કેવું થઈ જતુ હશે?
આઘાત તારો છે આજે,
છતાં સૌના જીવને કેરી ખાતો હશે.

The Audio Version of ‘આઘાત’

 

Share this:

થામીને રાખજે

તું હંમેશા મને હિંમત આપે
રસ્તો ના મળે તો માર્ગદર્શન કરાવે
ઢીલી પડુ ત્યાં જ સાર્થક બંને
વિશ્વાસ મારો કદીના તોડે
રક્ષા મારી પળ પળ તું કરે
નથી સમય એવો વિતાવતી ,
છતાં તું હંમેશા મને સાથે જ લાગે.
લાયક નથી તારા સ્નેહની ,
વહાલ તારો તો પણ વરસાવે.
આજીજી હવે એક જ છે તને
ભૂલથી છૂટી જાય હાથ તારો,

થામીને રાખજે તારી પાસે મને.

The Audio Version of ‘થામીને રાખજે’

 

Share this:

સરનામું બદલાયું છે

ઘરની દિવાલો વ્યથા પૂછે
આંસુ શાના તું વહાવે?
બાગમાં ઊગતા ફૂલો અચાનક,
દિલને કેમ રીઝાવે?
વીખરાયેલી ભીની ચાદર કહે,
મારો લગાવ તને આટલો સતાવે?
પડેલી તમામ વસ્તુઓનો સ્પર્શ ,
હવે છૂટતો કેમ લાગે ?
યાદોથી ભરેલું મન મારું,
ધૂ્સકે ધૂ્સકે કેમ રડે?
બેબાકળું મન એક જ વાત,
મને વારંવાર કરે…..
ઘર તો ઘર છે વહાલી
માત્ર તારું સરનામું બદલાયું છે.

The Audio version of ‘સરનામું બદલાયું છે’

Share this:

પપ્પા મારા સૌને ગમે

સ્વભાવમાં સરળતા રમે
ને વાણીમાં મીઠાશ વરસે
લાડ સર્વ પર ખૂબ લડાવે
ધ્યાન દરેકનું પળપળ એ રાખે
પપ્પા મારા સૌને ગમે

‘ના’ કદી કોઈને ના કહે
પરિવારમાં જેમનો જીવ વસે
બાળક સાથે બાળક જેવા એ રહે
દરેકના દિલમાં એમનું ઘર એ વસાવે
પપ્પા મારા સૌને ગમે

પોતાને સૌથી છેલ્લે મૂકે
ચિંતા સૌની પહેલા એ કરે
જૂઠ કપટથી દૂર જે ભાગે
દુનિયા જેમને દિલથી માને
પપ્પા મારા સૌને ગમે

જિંદાદિલીથી જીવતા શિખવાડે
દયા ને પ્રેમ જેમના રગરગમાં વસે
સંસ્કારોની ભાતી અમ સૌને આપે
એવા પપ્પા મારા સૌને ગમે

The Audio Version of ‘પપ્પા મારા સૌને ગમે’

 

Share this:

નસીબ

કેટલીય આજે ચર્ચા થઈ,
નસીબ સાથે વાર્તાલાપ થઈ.
ગમતું થાય તો નસીબ સારા
અણગમતું થાય તો નસીબ ખારા.
સારું કંઈક થાય તો મારી વાહ,
નહીં તો મારી ઘાત.
કહી દીધું સરળતાથી એણે મને
જો થઈ જાય તારા કર્મો સારા,
હું ઊભો હોઈશ પડખે તારા.
જીવન જીવવાની રીત સારી,
કહેશે સૌ તને નસીબવાળી.

The Audio Version of ‘નસીબ’

Share this:

તમને કંઈ હું આમ મળીશ

અચાનક હું તમને કંઈ આમ મળીશ
સૌથી પહેલા તો તમને વળગીશ
યાદોને કદાચ વાગોળીશ
ને નવી જૂની વાતો પણ કરીશ
થોડું રડીશને થોડું હસીશ
બીજી કેટલીય યાદો બનાવીશ
ખોળામાં તારા આળોટીશ
ને ખુદને થોડા લાડ લડાવીશ
અચાનક હું તમને કંઈ આમ મળીશ
આંખોને થોડું ભરી દિલને થોડું ખાલી કરીશ
હાથોને તમારા પકડીને મારા ગાલ પર ફેરવીશ
માથા પર મારા ચુંબન લઈશ
ને દિલથી ઘણી વાતો કરીશ
કેટલાય મારા સપના પૂરા કરીશ
બસ જો એકવાર તમને મળીશ
અચાનક હું તમને કંઈ આમ મળીશ!

The Audio Version of ‘તમને કંઈ હું આમ મળીશ’

 

Share this: