ઉદાસ રાતો

રાત ઘણીવાર આટલી લાંબી કેમ હોય છે,
તમારી યાદ આવે તો એક બેચેની કેમ હોય છે.

ખુલી આંખો ઊંઘ આવે એની રાહ જોતી હોય છે,
વિચારોની રમઝટ મને ચંચળ કરતી હોય છે.

મન ઉદાસને ભરાયેલું હોય છે,
બસ અચાનક જ રાતે ક્યારેક રડતું હોય છે.

રાત ઘણીવાર આટલી લાંબી કેમ હોય છે,
તમારી યાદ આવે તો એક બેચેની કેમ હોય છે.

સમય ક્યારેક આમ કોણજાણે થંભી જતો હોય છે,
એક એક પળ કાઢવી મુશ્કેલ હોય છે.

દિલ આમ અચાનક ક્યારેક દુ:ખતુ હોય છે,
સવાર ક્યારે પડશે બસ એની રાહ જોતું હોય છે.

રાતો આટલી ભયાનક કેમ હોય છે,
ઊંઘના આવે તો બસ મને રડાવતી હોય છે.

રાત ઘણીવાર આટલી લાંબી કેમ હોય છે,
તમારી યાદ આવે તો એક બેચેની કેમ હોય છે.

The Audio Version of ‘ઉદાસ રાતો’

 

Share this:

ગર્વ

તારા પર મને ખૂબજ નાઝ થાય છે,
જોઈ તને દિલથી ખૂબ ગર્વનો અનુભવ થાય છે.

ગુણો તારા એવા છે કે અંતર મનને અડી જાય છે,
તને જો કોઇ સમજે તો તું દિલથી ગમી જાય છે.

દરેક ફરજો દિલથી નિભાવતો જાય છે,
આમ જ તું સૌને પોતાના બનાવતો જાય છે.

હરખથી ક્યારેક મારી આંખો ભરાઈ જાય છે,
જોઈ તને મારા દિલને ગજબની ઠંડક થાય છે.

કેટલા પુણ્યો કર્યા હશે તો તું મળી જાય છે,
તું મારો છે એનું દિલથી મને અભિમાન થાય છે.

ખૂબ અઘરું છે તારા જેવા બનવું એવું મને સમજાય છે,
છતાં પણ તને જોઈ બસ તારા જેવા બનવાનું મન થાય છે.

The Audio Version of ‘ગર્વ’

 

Share this:

માંગણી

સાચા મનથી તારી પાસે કંઈ માંગુ છું,
મારી જ નહી પણ સૌની ખુશીની માંગણી કરું છું.

ઊભી તારા દ્વારે થોડી આજીજી કરું છું ,
પરિસ્થિતિ ને સ્વીકારી શકે એવી માંગણી કરું છું.

આપ્યું છે બધુ મને કયાં આનાકાની કરું છું,
દરેક જીવના મનની શાંતિની હું આજે માંગણી કરું છું.

ગદગદ થઈ ગયેલું મન થોડું કઠણ કરું છું,
દુ:ખીને જોઈ એના સુખની તારા પાસે માંગણી કરું છું.

બે હાથ જોડી તારી સામે વિનંતી કરું છું,
સૌના ભૂલોને ભૂલી ક્ષમાની માંગણી કરું છું.

સાચા મનથી તારી પાસે કંઈ માંગુ છું,
મારી જ નહી પણ સૌની ખુશીની માંગણી કરું છું.

The Audio Version of ‘માંગણી’

Share this:

ચાલો હસીએ અને થોડું સૌને હસાવીએ

_____એક વાત પૂછું? તમને કેવા ચહેરા ગમે? ઉદાસ, ગુસ્સાવાળા, નારાજ કે પછી હસતા અને ખુશ? ઘણો જ સરળ છે આનો જવાબ, મને પણ હસતા ચહેરાઓ જ ગમે છે તમારી જેમ.

_____આમ તો હું હમેશાં હસતી જ હોઉં છું પણ ક્યારેક હું કોઈ કારણથી ઉદાસ હોઉં તો એની અસર મેં મારી આજુબાજુમાં રહેતી દરેક વ્યક્તિ પર જોઈ છે. મારા માટે અને તમારા માટે આપણી આસપાસની દરેક વ્યક્ત ખૂબ જ મહત્વની હોય છે, પણ આપણી ઉદાસી આ દરેક વ્યક્ત વાંચી શકે છે કારણકે આપણે ઉદાસ હોઈએ ત્યારે હસતા નથી અને ક્યારેક એની અસર બધા પર જોઈ શકીએ છીએ.

_____વાત ખૂબ જ નાની છે, આપણે જેવું આપીએ સામે આપણને એ જ મળશે. એક હાસ્ય આપો અને જુઓ સામે શું મળશે? મેં ઘણા વખતથી નક્કી કર્યું છે કે જેટલાને પણ મળું એક મીઠા હાસ્ય સાથે મળું કારણકે એક વાત ચોક્કસ છે મને સામે હાસ્ય જ મળશે. શરૂઆત મે મારા ઘરની દરેક વ્યક્તિથી કરી અને ધીરેધીરે એમા નંબરો વધતા ગયા. આ હાસ્ય ક્યારેક એમના દુ:ખો ભૂલવાનું કારણ બની શકે છે અને આપણા પણ ભુલાવી શકે છે. આ હાસ્ય એક તમારા ઘરે કામ કરતી વ્યક્તિને એમના પરિવારથી દૂર નથી પણ આજ એનો પરિવાર છે એવી લાગણી આપે છે.નિશાળે જતા બાળકને હસતા મોકલીએ તો એ પણ બધાં સાથે હસીને મળશે.ઓફિસે જતા પતિને હસતા મોકલીએ તો કદાચ આપણો હસતો ચહેરો આખો દિવસ એની સામે રમતો રહેશે અને કામ કરવાની મજા ઘણી વધી જશે. કોઈ ભરી મહેફિલમાં તમારો હસતો ચહેરો ત્યાં ઊભેલી દરેક વ્યક્તિને દેખાશે અને એક ગજબની હકારાત્મક લાગણી તમે ત્યાંથી નિકળશો પછી પણ રહેશે.

_____મારા અનુભવથી હું કહું છું, જ્યારે આસપાસની દરેક વ્યકિત ખુશ જોઈએ છીએ તો ઘણી ખુશી આપણને પણ મળે છે., તો એક નાનકડું હાસ્ય આપી કેમ લોકોને ખુશ ના કરીએ. એક હાસ્યથી જ બધુ સરળ રહેતું હોય તો કેમ જીવનને અઘરું બનાવીએ છીએ.

_____માટે જ કહું છું બસ આટલું જ કરીએ, “ ચાલો હસીએ અને થોડું સૌને હસાવીએ.” 😊

The Audio Version of ‘ચાલો હસીએ અને થોડું સૌને હસાવીએ’

 

Share this:

પરીક્ષા

સમય સાથે મારી ક્યારેક અનબન થઈ જાય છે,
હું સાચી કે હું ખોટી એની પરીક્ષા થઈ જાય છે.

મારા જ મન સાથે મારી ઘણીવાર ટસલ થઈ જાય છે,
લોકો શું કહેશે એમા મારી ભાવનાઓની પરીક્ષા થઈ જાય છે.

જાણતા અજાણતાં મારી જ સાથે મારી લડાઈ થઈ જાય છે,
મારા મનની કરવામાં મારી ક્યારેક પરીક્ષા થઈ જાય છે.

મારા વિચારો જ્યારે આ દુનિયાથી વિરુદ્ધ થઈ જાય છે,
ત્યારે આ જીવન મારી મરજીથી જીવવામા પરીક્ષા થઈ જાય છે.

કેમ લોકોની આપણા જીવન પર આટલી અસર થઈ જાય છે,
કે જવાબ હોવા છતા આપણી પરીક્ષા અઘરી થઈ જાય છે.

The Audio Version of ‘પરીક્ષા’

Share this:

મન મારુ હરખાય

મનમાં તારા જ કહેલા શબ્દો સંભળાય,
પાગલપન જોઈ તારું મન મારુ હરખાય.

જાણ્યા છતા મારામાં રહેલી તમામ નબળાઈ,
અપનાવી મને તો મારી આંખો છલકાઈ.

કેમ ચૂકાવીશ તારા પ્રેમની ભરપાઈ,
શીખવું છે તારી પાસે કોઈનું દિલ કેમ જીતી લેવાય.

દિલના દરવાજે તારી આ દસ્તક સંભળાય,
ચાહતની ઊંડાણ જોઈ મન મારું હરખાય.

સ્પર્શથી જાણે હું તારામાં બંધાય,
તૂટેલી યાદો બધી ગઈ સંધાય.

પકડ્યો તે હાથ મારોને હું થોડી શરમાઈ,
તારા પ્રેમની મને કદર આમ સમજાઈ.

મનમાં તું જ મને વારંવાર સંભળાય,
વળગીને તને કેમ જાણે મન મારુ હરખાય.

Share this:

પ્રેમ કહાની

આજના દિને સપનાઓ હકીકત બની ગયા,
ને એકબીજા સાથે વર્ષો વીતી ગયા.

લાગે છે જાણે આજે જ આપણે મળી ગયા,
ને હાથ પકડી બસ આમ ફરવા નીકળી પડયા.

પ્રેમથી એકબીજાને હમેશાં સાચવી રહ્યા ,
ને એકબીજામાં વસી એકબીજાના બની ગયા.

વચનો આપી બસ એને નીભાવતા શીખી ગયા,
એકબીજાની ખુશીમાં જ ખુશ થઈ ગયા.

અનહદ લાગણી બંને બસ આમ વરસાવતાં રહ્યા ,
ને બે દિલને એક જ દિલમાં વસાવી ગયા.

જોતજોતાંમાં બે નાં આપણે ચાર થઈ ગયા,
પ્રેમનો બંધાણ ગજબનો મજબૂત કરતા રહ્યા .

રોજરોજ આ સાથ અતૂટ કરતા ગયા,
લોકો માટે જાણે પ્રેમ કહાની લખતા રહ્યા .

લખતા આ કવિતા મારા ગાલ મલકાઈ ગયા,
તારી સાથેની દરેક પળો મને રોમાંચિત કરી રહ્યા .

લાગે છે જાણે આજે જ આપણે પરણી ગયા,
ને ખબર જ ના પડી કયાં ૨૧ વર્ષ વીતી ગયા.

The Audio Version of ‘પ્રેમ કહાની’

 

Share this:

શરૂઆત મારે મારાથી જ કરવી છે

_____નાના-નાના ઝઘડા, વાદ-વિવાદ કે પછી ગેરસમજ દરેક સંબંધમાં થાય છે, પણ સાચું કહો એનું કારણ ક્યારે પણ તમે વિચાર્યું કે આમ કેમ થાય છે? એટલું જ નહી તમે એનો આરોપ હમેશાં બીજા ઉપર જ ઢોળ્યો હશે.

_____જ્યારે મારા મારા બાળક સાથે કે પતિ તે પછી સાસુ સાથે નાનો પણ વિવાદ થાય ત્યારે હું એમ જ બોલી દઈશ કે કાશ એ મને સમજી શકતે પણ મેં કદી પણ ના વિચાર્યું કે એ પણ મારી જેમ જ વિચારતા હશે. હમેશાં જ્યારે આપણે કંઈક બીજાને લઈને અપેક્ષા કરતા હોઈએ, ત્યારે કેમ નથી વિચારતા કે એની અપેક્ષા પણ કંઈક એવી જ હશે.

_____આપણે લોકોને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યારેય એમ વિચાર્યું કે ભૂલ મારી પણ હોય શકે. વાત ભલેને નાની હોય કે મોટી એને સમજવાની શરૂઆત આપણે જ કરી લઈએ તો જીવન ઘણું સરળ અને સંબંધો વધુ મજબૂત થઈ જશે. ગેરસમજો વધુ સંબંધોને ખલાસ કરી નાંખે છે. કેમ આપણો એ સંબધ એટલો નબળો છે કે એક ગેરસમજથી હલી જાય? જ્યારે થર ઉપર થર જામતા જાય ત્યારે ચીકાશ કાઢવી ખૂબ અઘરી થઈ જાય છે. બીજાની ભૂલ શોધવા પહેલા હું માત્ર એ જ વિચારી લઉં કે મારી કયા ભૂલ છે? અને મારી ભૂલ નથી છતા મારા માટે મહત્વનું શું છે, વ્યક્તિ કે વ્યક્તિ એ તરેલી નાનકડી ભૂલ?

_____મને એમ લાગે છે મારા અનુભવથી જયારે આપણે બીજાને દિલથી સમજવાની કોશિશ કરીએ છીએ આપણા માટે કંઈ અઘરું નથી હોતું અને એના માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે:જ્યારે પણ ભૂલ શોધીશ, શરૂઆત હું મારાથી જ કરીશ. કેમ આપણે આપણા સંબંધો બચાવવા અને એને મજબૂત બનાવવા આટલું ના કરી શકીએ?

The Audio Version of ‘શરૂઆત મારે મારાથી જ કરવી છે’

Share this:

ભૂલ

લાગણીની કદર ના તે કરી,
ને તારા પ્રેમની કદર ના મેં કરી.

આપેલા સમયની પ્રશંસા ના તે કરી,
ને તને સમજવાની મહેનત ના મેં કરી.

પરિસ્થિતિની ઓળખ ના તે કરી,
ને તારા શબ્દોની કદર ના મેં કરી.

તારી ઉદાસી દૂર કરવાની કોશિશ ના મેં કરી,
મને ખુશી આપવાની કોશિશ ના તે કરી.

વાત તારી સાથે બરાબર ના મેં કરી,
ને મને છોડી જવાની જીદ તે કરી.

ભૂલ ઘણી તે પણ કરી,
ને ભૂલ ઘણી મેં પણ કરી.

The Audio Version of ‘ભૂલ’

Share this:

સાથ

મારા હાથમાં આ તારો હાથ,
મળી ગયો મને દુનિયાનો સાથ.

બાગમાં ઊગેલા આ ફૂલોનો ભાગ,
ગમી ગયો રંગબેરંગી પતંગિયાનો સાથ.

સંભળાતો કલરવ કરતા પંખીઓનો રાગ,
રેલાઈ ગયો ગગનમાં જાણે સંગીતનો સાથ.

મારા હાથમાં આ તારો હાથ,
મળી ગયો મને દુનિયાનો સાથ.

તળાવમાં ભરપૂર સુંદર કમળોનો ઠાઠ,
મોહી ગયો દિલથી દિલનો સાથ.

ફૂટી રહ્યા છે મનમાં મારા હરખના બાગ,
થામી તને બાંધી દઉં જીવનભરનો સાથ.

મારા હાથમાં આ તારો હાથ,
મળી ગયો મને દુનિયાનો સાથ.

The Audio Version of ‘સાથ’

 

Share this: