Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170

શબ્દોના સફરની ઉજવણી

મારા લેખન સફરને ઘણા વર્ષો વીતી ગયા પરંતુ નીકીની કવિતા ને 18-08-2023 ના છ વર્ષ પૂરા થયા. મારો આ સફર ખૂબ જ અલગ અલગ અનુભવો પર રહ્યો છે અને મારા વિચારો આપ સમક્ષ મારી કવિતાઓ, વાર્તાઓ કે નાના લખાણ અને ઓડિયો દ્વારા રજૂ કર્યા.આ વિતેલા છ વર્ષમાં મને એક અદભુત સાહસ મળ્યું જેણે મને અને મારા વ્યક્તિત્વને ખુબ સરસ આકાર આપ્યો,જેની મેં કલ્પના પણ કરી ન હતી.


મારા વિચારોને શબ્દોમાં મૂકવાની ઈચ્છા અને જુસ્સાના સ્પાર્ક સાથે આ પ્રવાસની શરૂઆત થઈ. વર્ષોથી, મેં મારા લખાણમાં મારુ હૃદય રેડી દીધું. તમારા જેવા વાંચકો પાસેથી મને જે પ્રશંસા અને પ્રોત્સાહન મળ્યા એ જ મારી હિંમત બની ગઈ, જે મને દર વખતે કંઈક નવું અને સરળ આપ સૌ સુધી પહોંચાડવા પ્રેરિત કરે છે. મારા જ લખાણે મને ચોકસાઈ નિયમિતતા અને મારી જાત પર કેમ કાબુ રાખવો એવો અલગ આનંદનો અનુભવ કરાવ્યો. જ્યારે આપ સૌ મારા લખાણને પોતાની સાથે બનતા પ્રસંગો સાથે જોડો છો અને મને મેસેજ અને કોમેન્ટ કરો છો તો મને અંદરથી ખૂબ જ આનંદ મળે છે.


ગયા વર્ષે મારું સપનું સાકાર થયું, ‘નીકીની કવિતા’ પુસ્તક આપ સૌ સુધી પહોંચ્યું. મારા જીવનની એક સૌથી મોટી સફળતાનો મને અનુભવ થયો. ‘નીકીની કવિતા’ માટે મદદ થનાર દરેક વ્યક્તિની હું દિલથી ઋણી છું. જેમ જેમ હું ભવિષ્યનું વિચારું છું ત્યારે મને નવા નવા સપનાઓ સાકાર થતા નજરે આવી રહ્યા છે પણ સાથે પ્રશ્નો પણ થઈ રહ્યા છે, મારું લેખન મને ક્યાં સુધી લઈ જશે? કઈ વાર્તાઓ મારી રાહ જોઈ રહી છે? કઈ નવી ઘટનાઓ હજુ બનવાની છે જે મારા શબ્દો દ્વારા લોકો સુધી પહોંચશે? આ બધા પ્રશ્નો સાથે એક અલગ હિંમતથી આગળ વધવા માંગું છું. વાચકોને મારાથી એક સંતોષ મળે, ખુશી મળે અને ક્યાંક તો એમને ઉકેલ પણ મળે એવી ઈચ્છા રાખું છું.

મારી સાથે આ પ્રવાસમાં ભાગ બનવા બદલ આભાર. તમારો પ્રોત્સાહન, પ્રતિસાદ અને હાજરી મારા માટે અમૂલ્ય છે. હું આવનારા વર્ષોમાં તમારી સાથે મારા વિચારો અને વાર્તાઓ કે કવિતારૂપી શેર કરવા ખૂબ જ ઉત્સાહિત છું.

Thank you 🙏🏻

શબ્દોના સફરની ઉજવણી – Audio Version
Share this:

હક છે મને

મારા પ્રેમ ઉપર પૂરેપૂરો
       હક છે તને

દરરોજ મારી સાથે ઝઘડવાનો
         હક છે તને

નારાજ રહીને વાત ના કરવાનો
         હક છે તને

આખી દુનિયાનો ગુસ્સો મારા પર ઉતારવાનો
           હક છે તને

વાત ન કરીને દૂર રહેવાનો
        હક છે તને

મારો હાથ આમ અડધી રસ્તે છોડીને જવાનો
        હક છે તને

રસ્તામાં મળે ને નજર ફેરવવાનો
       હક છે તને

મારી ચિઠ્ઠીઓના જવાબ ન આપવાનો
        હક છે તને

ભલે તું મને પ્રેમ ના કરે પણ તને પ્રેમ કરવાનો
              હક છે મને

હક છે મને – Audio Version
Share this:

કાલ ક્યાં જોઈ છે?

અરે થંભી જા કંઈક તને કહેવું છે
ફાવે જો તને તો મુલાકાત પણ લેવી છે.

એકબીજાના ધબકાર સંભળાય એવી રીતે વળગવું છે
બસ દરરોજ તારી સાથે એક મુલાકાત લેવી છે.

આંખો ઝુકાવીને આમ કેમ ઊભા છો
નજરથી નજર મેળવીને દિલની વાત કહેવી છે

નારાજ તો હું પણ છું
જીવનમાં શું એકબીજાને માત્ર ફરિયાદ જ કરવી છે?

સમજીએ આમ જો હૃદયથી તો
ચૂપ રહીને ઘણી વાતો કરવી છે.

રસ્તાઓ ભલેને બદલાયા પણ
આખી જિંદગી આમ જ રાહ જોવી છે.

દિલ ખોલીને વાત કરી લે દોસ્ત
કાલ તો તે પણ ક્યાં જોઈ છે?

કાલ ક્યાં જોઈ છે? – Audio Version
Share this:

મને શું જોઈએ છે?

સવારે જાગું તો મારી બાજુમાં
      મને તું જોઈએ છે.

હું ઉદાસ હોઉં તો મને મનાવવા
       મને તું જોઈએ છે.

માથું દુખતું હોય તો માથું દબાવવા
          મને તું જોઈએ છે.

દિવસમાં 15 વાર તારી સાથે વાત કરવા
           મને તું જોઈએ છે.

દરિયા કિનારે હાથમાં હાથ પકડી ચાલવા
        મને તું જોઈએ છે.

આખી જિંદગી તારી સાથે પ્રેમથી ઝગડવા
        મને તું જોઈએ છે.

જીવનની દરેક પળો તારી સાથે માણવા
      મને તું જોઈએ છે.

બસ કીધું ને તું જોઈએ છે
એટલે મને તું જ જોઈએ છે.

મને શું જોઈએ છે? – Audio Version
Share this:

આવીને પૂછી લેજે

ના દેખાઉં હું ક્યાંય,
તું તારા પડછાયામાં જોજે.

ના હોઉં તારી સાથે,
તો તારા પ્રતિબિંબ ને પૂછજે.

જોવી હોય મને તો,
બસ તારા દિલમાં મને જોજે.

મૂકીને હૈયા પર તારો હાથ,
તારી જ ધડકનમાં મને અનુભવજે.

સુખમાં યાદ ન કરે પણ,
દુઃખમાં મને જરૂરથી યાદ કરજે.

એકાંતમાં બેસીને દિલથી,
જૂની યાદોનું સ્મરણ કરી લેજે.

સમજુ છું ખુશ છે મારા વગર,
બેહાલ આ દિલનો હાલ ક્યારેક આવીને પૂછી લેજે.

આવીને પૂછી લેજે – Audio Version

Audio Version

Share this:

તારી સાથે જ થઈ

આખી રાત સળવળાટ એટલી 
તારી યાદોની હચમચાટ થઈ .

ઘડિયાળની દરેક ટીકટીકમાં 
તારા જ અવાજની ચાહ મને થઈ.

વારંવાર પડખે ફરતી 
માત્ર તારી ગેરહાજરીની અસર થઈ.

વિચારોથી નથી થતું આ મન 
દોડાદોડી અંતરમાં હર ક્ષણે થઈ.

છીએ ભલેને કેટલા દૂર 
દિલથી હરપળ તારી સાથે જ થઈ.

વાત કરવાની બેચેનીથી 
મનમાં અકળામણ થઈ.

આમ તો તું મજામાં જ હશે
પણ હંમેશા ની જેમ તારી ચિંતા મને થઈ.

તારી સાથે જ થઈ – Audio Version
Share this:

કોઈ શંકા જ નથી

એવું નથી કે તારી લાગણીની કદર નથી 
પણ શું સાચે હવે આ માર્ગમાં કોઈ રાહ નથી ?

પ્રયત્ન તે પણ કર્યા અને પ્રયત્ન મેં પણ કર્યા 
લાગે છે વચ્ચે હવે કોઈ ગાંઠ નથી .

દુઃખી તો તું પણ છે ને દુઃખી હું પણ છું 
છોડી દઈએ હવે વાતમાં કોઈ માલ નથી

 તે કર્યું મેં કર્યું એમાં એવા અટવાયા કે 
એકબીજાને ખોઈ દીધાનું ભાન જ નથી.

 પ્રેમ તો તને પણ છે ને પ્રેમ તો મને પણ છે
 ક્યાં અને કેવી રીતે અટવાયા એની ખબર જ નથી.

ક્યારેક તું બોલી ના શકી ને ક્યારેક હું બોલી ના શકી
 અંદર અંદર ઝેર થાય એમાં હવે કોઈ વાર નથી.

ભૂલતો તારી પણ થઈને ભૂલ તો મારી પણ થઈ
 બંને નમી જઈએ તો આ સંબંધ બચી જાય એમાં કોઈ શંકા જ નથી.

કોઈ શંકા જ નથી – Audio Version
Share this:

માત્ર તું જ દેખાશે

સવાર સાંજ બારીએ તારી રાહ જોતી
થતું બૂમ તારી સંભળાશે.

દરરોજની મારી આ આદત થઈ
ને થતુ કે તું આજે દેખાશે!

દરવાજા સુધી ત્રણેય સમય ચાલતી
કે આજે તું આવશે!

અધીરી થઈ જતી ને ક્યારેક ઘેલી
ક્યાંક તો તું દેખાશે!

આંખો મારી ખૂબ રાહ તારી જોતી
ને વળી થતું ક્યાંકથી તું બોલશે!

આવીને એકવાર તો જોઈ લે આ દિલને
હંમેશા માત્ર તું જ દેખાશે!
માત્ર તું જ દેખાશે – Audio Version
Share this:

તારા વગર ગમતું નથી

તારી યાદ વારે વારે આવી જાય
મારા મનને ખૂબ બેચેન કરી જાય

કાબુમાં કેમ કરુંઆ મનને એ ના સમજાય
ક્યારે મળીશ ને વળગીશ એક જ ઈચ્છા થાય

કલાકોના ધ્યાનમાં તું સામે આવી જાય
‘તને બહુ યાદ કરું છું’ બસ કાનમાં કહી જાય

એક એક પળ કાઢવી મુશ્કેલ થતી જાય
તારા વગર ગમતું નથી જ્યારે તું મને કહી જાય

તું વારંવાર મને એક જ વાત કહી જાય
આવી જા હવે તારા વગર બધુ ખાલી દેખાય

બસ મને એક તને જ મળવાની ચાહત થાય
તારી યાદ મને ખૂબ એકલો કરી જાય.

તારા વગર ગમતું નથી – Audio Version
Share this:

વાણી

ક્યારેક રિઝાવે તો ક્યારેક દુભાવે
પ્રેમ થી મનમીત બનાવી દે
આક્રોશમાં સંબંધોને બગાડી દે
આવેશમાં આવે તો નિર્ણયો ખોટા લેવડાવી દે
શાંત હોય તો દુનિયા જીતાવી દે
શબ્દોથી ક્યારેક લોકોને દૂર કરી દે
અને ક્યારેક કવિતાઓ રચી દે
વાણી છે આપની દોસ્ત
જો ચાહે તો સૌના દિલ જીતાડી દે
દિલ જીતીને દુનિયા જીતાડી દે.

વાણી – Audio Version
Share this:

Notice: Function wp_maybe_inline_styles was called incorrectly. Unable to read the "path" key with value "https://nikkinikavita.com/wp-content/plugins/jetpack/_inc/build/subscriptions/subscriptions.min.css" for stylesheet "jetpack-subscriptions". Please see Debugging in WordPress for more information. (This message was added in version 7.0.0.) in /home/nikkevci/nikkinikavita.com/wp-includes/functions.php on line 6170