સાથ આપી આગળ વધીએ

વીતેલા દિવસો તારી સાથેની યાદોથી ભરેલા છે,
થોડું જતું કરીને અને થોડું અપનાવીને આગળ વધ્યાં.

સ્વભાવ બંનેના એકદમ અલગ હોવા છતાં,
સમજીને અને સમજાવીને આગળ વધ્યાં.

સપનાઓ બંનેના અલગ હતા,
પણ સાથે મળીને પૂરા કરી આગળ વધ્યા.

દુનિયા તો કંઈ પણ બોલે એની પરવા કર્યા વગર,
અતૂટ વિશ્વાસ રાખી આગળ વધ્યા.

ઝઘડા તો અવાર નવાર થયા કરે,
પણ માનીને અને મનાવીને આગળ વધ્યા.

નવા પરણેલા દંપતીની જેમ,
આજે પણ હાથમાં હાથ રાખી આગળ વધ્યા.

તું થોડો ગુસ્સાવાળો અને હું  થોડી જિદ્દી ,
છતા દરેક ભૂલોને ભૂલીને આગળ વધ્યા .

આ જનમ જ નહી દરેક જન્મમાં મને તું મળે,
એવી પ્રાર્થના સાથે આગળ વધ્યા.

હસતા રમતા દિવસો અને મહિનાઓ જ નહીં,
પચ્ચીસ વરસ એકમેકમાં ભળીને આગળ વધ્યા.

પ્રેમની ડોર ઘણી મજબૂત છે આપણી,
બસ હંમેશા આમ જ સાથ આપી આગળ વધીએ.

સાથ આપી આગળ વધીએ – Audio Version

Share this:

થોડું અઘરું છે પણ આજ હકીકત છે

૨૦૨૨ આખુ વરસ પ્રીતનાં લગ્ન માટે ખૂબ મહેનત કરી , ખૂબ મજા કરી અને સાથે સાથે થોડી દલીલો પણ થઈ. જે દિવસોની કેટલાય સમયથી રાહ જોતા હતા તે આવીને જતા પણ રહ્યા. અંદરથી એક ગજબની ખુશી છે કે બધા પ્રસંગો ખૂબ સારી રીતે થઈ ગયા. પણ હવે શું?

થોડું અઘરું છે પણ આજ હકીકત છે.

બાળકો દૂર જાય ત્યારે કોઈ પણ મા-બાપને ગમતું નથી એ વાત એકદમ સાચી છે અને આજ ડરથી ઘણા વખતથી હું ખુદને અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખતી. મનથી મજબૂત રહેવાનો પ્રયત્ન કરતી પણ એમના વગર કંઈ ગમશે નહી એ વાત પણ પાકી હતી. ઘણીવાર તો આખો દિવસ ઘરમાં પોત પોતાના રૂમમાં જ રહેતા પણ જ્યારે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું , dinner time અને ક્યારેક ક્યારેક અમારા board game sessions માટે સાથે જ હોતા. આ સમય ઘણો અઘરો અને ખાલી પણ લાગે જ્યારે આખા table પર માત્ર હું અને મિતેન બસ કંઈ બોલી નથી શકતા માત્ર એકબીજાને જોઈ રહેતા. માત્ર દસથી પંદર દિવસ થયા છે મીતને London અને પ્રીત-રિષને Antwerp ગયાને પણ લાગે છે હવે આજ routine આખું જીવન રહેશે. આ બધુ કહીને તમને કોઈને ડરાવી નથી રહી પણ આ હકીકત દરેકના જીવનમાં આવશે માટે તમને સાવચેત કરી રહી છું. એક માર્ગ નક્કી કરો,ધ્યેય બનાવો કે જેનાથી તમે તમારા ખાલી સમયને ભરી શકો. આટલી મહેનત કર્યા પછી પણ એવી એક પળતો આખા દિવસમાં આવી જ જાય જ્યારે મારી આંખો એમના યાદોથી ભીની થઈ જાય છે પણ આની સાથે જીવતા શીખી જવાશે જો આપણી પાસે કોઈ પ્રવૃત્તિ હશે.

તમારી નજીકની દરેક વ્યકિત તમને ફોન કરશે, સમય આપશે અને એકલા પણ નહી પડવા દેશે પણ શું એમાની એક પણ વ્યકિત તમારા બાળકની જગ્યા લઈ શકશે? એ લોકોની કમી પૂરી કરી શકશે? બધાને જ આનો જવાબ ખબર છે છતા વિચારથી પણ હલી જવાય છે ને ? માટે જ આજથી જે તમને ગમતી હોય એવી પ્રવૃત્તિઓમાં જોડાજો, જીવનમાં નવા ધ્યેય બનાવજો. આ સમય આવશે જ અઘરો પણ લાગશે,આંખ પણ ભીની કરશે છતા તમે આગળ વધી શકશો.

મારી પાસે મારો કાગળ અને પેન છે. જે મને મજબૂત રાખે છે. સમય છે તો શોધી લો તમારી પાસે શું હશે જે તમને મજબૂત રાખશે.  

Thank you.

થોડું અઘરું છે પણ આજ હકીકત છે – Audio Version
Share this:

સંભાળી લઉં તને 

મારી કવિતાનું સર્વસ્વ ગણી લીધું છે તને
લાવ શબ્દોમાં પણ પ્રેમ કરી લઉં તને

નસીબથી મળ્યો છે તારા જેવો સાથી
હંમેશ માટે હૃદયમાં છુપાવી લઉં તને

આજકાલ થોડો ઢીલો થઈ જાય છે
બેસ મારી પાસે થોડી હિમંત આપી દઉં તને

દરેક પળો આજકાલની બંને માટે અઘરી છે
હાથમાં હાથ આપી દે સંભાળી લઉં તને

દીકરીને તો વળાવવી જ પડશે જાનુ
ચલ દિલ ખોલીને હવે રડી લઈએ બંને

સંભાળી લઉં તને – Audio Version
Share this:

૨૦૨૨ ઘણું આપી ને ગયો

ભારોભાર ખુશી ને થોડું દુ:ખ
એ આપીને ગયો,

ખબર જ ના રહી
આ સમય કેટલો ભાગીને ગયો,

સપનાઓ થોડા અધૂરા તો
ઘણા પૂરા કરીને ગયો,

જૂના છૂટ્યા જયાં
નવાને મળાવીને ગયો,

મંઝિલ કેટલીય દૂર લાગી
પણ રસ્તો એ બતાવી ગયો,

પ્રેમના સંબંધોને ઘણા
મજબૂત બનાવીને ગયો,

સૂર્યની કિરણોથી સવારને
અજવાળાથી ભરીને ગયો,

ને અંધારા ને કેમ કરી માણવું
એ શીખવાડી ને ગયો,

ઘણા દિલ તૂટ્યા તો
ઘણાને મળાવીને ગયો,

સમય એવો જબરદસ્ત ભાગયો
કે આખા વરસની યાદોને ખુદમાં જ સમાવી ગયો.

૨૦૨૨ ઘણું આપી ને ગયો – Audio Version
Share this:

યાદોનો આલબમ

આજે તારા ફોટાને આલબમ લઈને બેઠી,
બાવીસ વર્ષની જાણે તારી સાથેની યાદો લઈને બેઠી.

પાના ફેરવતા મનમાં ખુશી તો,
અચાનક આંખમાં આસૂં લઈને બેઠી.

તારી દરેક ઉજવણીઓ જોઈ,
દિલનાં દરિયામાં લાગણીઓના મોજા લઈને બેઠી.

કેટલાય ફોટામાં તારી જીદ તો,
કેટલાયમાં તારી નાદાનીઓ લઈને બેઠી.

પપાનાં ખભા પર ચઢતા તો,
મને ઘોડો બનાવીને પણ બેઠી.

આજ ઘરમાં તારી સાથે દરેક પળોને જીવી,
હવે તને વળાવવાની તૈયારી કરવા બેઠી.

છલોછલ છે મન અને આંખો મારી,
કેમ કરીને વળાવીસ એ વિચારોમાં બેઠી.

તારા વગર દિવસો કેમ જશે મારા?
હકીકત તો આજ છે એમ કહીને મનને મનાવીને બેઠી.

આ સમય આટલો અઘરો કેમ છે?
કેમ તારી મજબૂત ‘મમ્મી’ એકદમ ઢીલી થઇને બેઠી.

યાદોનો આલબમ – Audio Version

Share this:

વાર નથી લાગતી

મૂંઝવણો તો કેટલીય આવે,
મનને શાંત થતા વાર નથી લાગતી.

સમય ભલેને સારો કે ખરાબ હોય,
એને બદલાતા વાર નથી લાગતી.

સંબંધોમાં જો ગાંઠ બંધાઈ જશે,
તો એને વેરવિખેર થતા વાર નથી લાગતી.

ખુલાસા જો પોતાના સાથે કરી લઈએ,
તો લાગણીઓને મજબૂત થતા વાર નથી લાગતી.

કડવા શબ્દો બોલવાથી,
દિલોને દુભાતા વાર નથી લાગતી.

નફરત અને ગુસ્સાને છોડી દે દોસ્ત,
ધબકતા હૃદયને બંધ થતા વાર નથી લાગતી.

વાર નથી લાગતી – Audio Version
Share this:

ધન્ય છે તને

જીવી રહ્યો છે રૂપાળી જિંદગી
છતા વિચાર કંઈક નવો કર્યો,
સરળ મજાનું જીવન છોડી
અઘરો માર્ગ પસંદ કર્યો,
ફોનમાં રમવાનો સમય હતો ને
હાથમાં તે ચરોવળો પકડ્યો,
સુંવાળી ચાદર અને પલંગ છોડી
સંથારામાં સૂવાનો નિર્ણય કર્યો,
ગાડી અને બૂંટ ચંપલનો ત્યાગ કરી
ઉઘાડા પગે ચાલવાનું પસંદ કર્યું,
ઇઝરાયલમાં મોટો થયો છતા
સંસ્કારોને તે તારા પકડી રાખ્યા,
દિલમાં માન છે તારા માટે હ્રિધાન,
તારા પ્રયત્નથી ધન્ય તે આખા પરિવારને કર્યો.

ધન્ય છે તને – Audio Version
Share this:

આપની ઋણી

તમે આવ્યા અમારે આંગણે તો મહેફિલ સજાવી દીઘી,
ઇચ્છા તો માત્ર બે સારા શબ્દો ની હતી અને તમે તો કવિતા રચી દીધી,
તાળીઓનાં ગળગળાટે આખા રૂમમાં જાણે સૂરોની રેલમ છેલ કરી દીધી,
માન એટલું આપ્યું આપે મુજને કે મારા જેવી નાની વ્યકિતને તમે લેખિકા કહી દીધી,
વાહ વાહ જ્યારે સાંભળી સભાની તો નીકીની જાનમાં જાન લાવી દીધી,
શબ્દોથી જ નહી , દિલથી માનું છું ઉપકાર આપનો,
આપે તો મને આપની ઋણી બનાવી દીધી.

આપની ઋણી – Audio Version
Share this:

નીકીના દિલનો હાલ

લખવાની આદતે આપ્યું એક લક્ષ્ય મને,
નિસ્વાર્થ પ્રેમ થયો કાગળ અને પેન સાથે મને,
મળી મનની શાંતિ ને અંતરનો આનંદ મને,
બંધ આંખે જોયા જે સપના, ખુલ્લી આંખે વળગ્યા મને,
કવિતા ભલે મારી પણ આપ સૌએ શબ્દો આપ્યા મને,
ગદગદ હૈયું મારુ ઊંડાણથી માત્ર આભાર છે તમને,
હાથમાં છે “નીકીની કવિતા” તો ખુશીનાં આંસુ આવ્યા પાંપણે,
દિલમાં ઉભરાયો ઉલ્લાસ ગજબનો,
કેવી રીતે વ્યક્ત કરું નીકીનાં દિલનો હાલ તમને.

Audio Version
Share this:

થોડું જતુ કરીએ તો સારું

દુનિયામાં ભેદભાવ ના હોય તો સારું
બસ આ કારણ વગરની દેખાદેખીના હોય તો સારું
બધાં હંમેશા પ્રેમથી જ બોલે તો સારું
લોકો શું  કહેશે એની ચિંતા ના કરીએ તો સારું
આપણે શું કરવું છે એના પર ધ્યાન આપીએ તો સારું
બીજા પર આરોપો મૂકવા કરતા ચૂપ રહી જઈએ તો સારું
મનુષ્યથી ભૂલ થવાની એ ખામીઓને અનદેખી કરીએ તો સારું
દરેક વ્યકિત શાંતિથી જીવે એવી અપેક્ષા રાખીએ તો સારું
પોતાના જ દુ:ખ પહોંચાડે છતાં થોડું જતુ કરીએ તો સારું.

The Audio Version of ‘થોડું જતુ કરીએ તો સારું’

 

Share this: