જન્મદિવસ

“નીકીની કવિતાને વર્ષ થઈ ગયું,
આજે મારું સપનું હકીકત બની ગયું.”

આપણા બાળકનો પ્રથમ જન્મદિવસ હોય એવી એક લાગણીનો અનુભવ કરું છું. એવી એક ખુશી જેને શબ્દોમાં વ્યક્ત કરવી મારા માટે ખૂબ જ અઘરી છે. કવિતા લખવાની પ્રેરણા મિતેન પાસેથી શરુ થઈ. પ્રીત-મીત એક તાકાત બનતા ગયા અને હમેશાં મારુ પ્રોત્સાહન બનતા ગયા. રોજની બનતી અને ઘણી પરિસ્થિતિઓ શબ્દોમાં રચાતી ગઈ અને નીકીની કવિતા બસ આમ લખાતી ગઈ.

“શબ્દોની રચનાઓથી કવિતા બનતી ગઈ,
મારા રસ્તાને જાણે મંજિલ મળતી ગઈ.”

સૌ પ્રથમ નીલ, એક મિત્રનો આભાર માનું છું કારણ નીકીની કવિતાનો પાયો જ વર્ષ પહેલા એને નાંખ્યો હતો. કેમ તારી કવિતા બસ તારા સુધી રહે? એમ કહી આ blog ની શરૂઆત એને કરી.

દર રવિવારે છેલ્લા એક વર્ષથી નીકીની કવિતા દરેક વાચક સુધી પહોંચાડી રહી છું. જોત જોતમાં મારા શબ્દોમાં સમાયેલી લાગણી કે પછી દર્દ અને નીકીની કવિતા ના વાચક વધતા ગયા. આજે દરેક વાચકનો હું દિલથી આભાર માનું છું. બસ આમ જ મને પ્રોત્સાહન આપતા રહેજો એ જ વિનંતી. 🙏

Share this:

તારી ચિંતા

થોડી થોડી ક્યારેક ગુસ્સે થઈ જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.
મોડી મોડી રાતોના તારા ઉજાગરા,
ને સવારની તારી આળસથી તપી જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.
દરેક વાતમાં તારી સમજ અને આવડત,
ને સ્વાસ્થ્ય ને લઈને તારી નાદાનીથી ગૂંગળાય જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

થોડી થોડી ક્યારેક ગુસ્સે થઈ જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

દરેક સપના પૂરા કરવાની તારી આવડત,
પણ ઊભા થતા તારી તકલીફ જોઈને રડી જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

બધી જ મારી વાતોને માન આપતો,
બસ આજ વાતને નથી ગણગારતો ત્યાં જ હું તૂટી જાઉં છું ,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

સમજીલે આજે મારી વાત બરાબર,
આજે છું તો તને સમજાવી જાઉં છું ,
થોડી નહી ક્યારેક ઘણી ગુસ્સે થઈ જાઉં છું ,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

The Audio Version of ‘તારી ચિંતા’

 

Share this:

મારાથી નહી બને

રોજ તને મનાવવાનું મારાથી નહી બને,
ને તારી સાથે વાત ના કરું મારાથી નહી બને.
તું રોજ બહાના શોધીને રાખ મને સમજાવવાનાં,
પણ આમ સાથે રહેવું મારાથી નહી બને.
હું અઢી અક્ષરની વાત સમજી ગઈ બધી,
પણ તને સમજાવવું મારાથી નહી બને.
તું રોજ વરસાદને ભલે બારીએથી જોજે,
પણ સાવ કોરા રહેવાનું મારાથી નહી બને.
તું મને યાદ કરે કે ના પણ કરે, દોસ્ત,
તને ભૂલી જવાનું મારાથી નહી બને.
સાચવી લે જે આ સંબંધને ચેતવી દઉં છું,
જતી રહીશ તો પાછી લાવવી તારાથી નહી બને.

The Audio Version of ‘મારાથી નહી બને’

 

Share this:

દિલમાં થોડી જગ્યા કરી દે

નથી કોઈ અપેક્ષા બસ મને અપનાવી લે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

અબોલા ઘણા થયા દિલ ખોલી વાત કરી લે,
વિરહથી થાકી હવે પ્રણયથી મારી દુનિયા ભરી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

બેસૂરા મારા સંગીતમાં થોડો સૂર ભરી લે,
જાગતી આ આંખોમાં નીંદર હવે થોડી ભરી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

રાહ જોઈને થાકી હવેતો ગળે વળગીને મળી લે,
નેનોના નીર રોકી થોડી લાગણી ભરી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

આદત પડાવી હવે આમ મોઢું ના છુપાવી લે,
તારા વગર કેમ જીવું બસ હવે એ પણ શિખવાડી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

આજીજી મારી હવે મનથી સ્વીકારી લે,
નથી કોઈ અપેક્ષા બસ મને અપનાવી લે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

The Audio Version of ‘દિલમાં થોડી જગ્યા કરી દે’

Share this:

અસ્થિર મન

તારા શાંત સ્વભાવને ઓળખવા માંગું છું ,
તારા દિલમાં ચાલતી ગડમથલ સમજવા માંગું છું,
તારા હાસ્ય પાછળ છુપાયેલા દુ:ખનું કારણ જાણવા માંગું છું,
તારી ચુપી પાછળનાં શબ્દો સાંભળવા માંગું છું,
તને સમજી તારી અણસમજને દૂર કરવા માંગું છું,
તારા દર્દને સમજી દરેક ખુશી આપવા માંગું છું,
તારા ખોવાયેલા રસ્તાને નવી રાહ આપવા માંગું છું ,
જયાં તું અટકે ત્યાંથી આગળ લઈ જવા માંગું છું,
તારા ગૂંગળાયેલા મનમાં થોડો શ્વાસ ભરવા માંગું છું,
તને ખૂબ ચાહી બસ નફરતથી દૂર રાખવા માંગું છું,
તારા શાંત સ્વભાવને ઓળખવા માંગું છું.

The Audio Version of ‘અસ્થિર મન’

Share this:

વિનંતી

ફરી તું મને ક્યાંક મળજે,
ના મળે તો બસ મને યાદ કરજે.

ક્યારેક તો આપણી રાહ મળશે,
ના મળે તો બસ મારી રાહ તકજે.

ફરી તું ક્યાંક હાથ પકડજે,
ના પણ પકડે તો સાથ આપજે.

ક્યારેક તો મારી વાત સાંભળજે,
ના પણ સાંભળે તો મારું મૌન સમજજે.

ફરી તું મને ક્યાંક પત્ર લખજે,
ના પણ લખે તો કોરો કાગળ મોકલજે.

ક્યારેક તું પાછો પ્રેમ કરી લેજે,
ના પણ કરે તો નફરતથી દૂર રહેજે.

ફરી તું મને તારી દિનચર્યા કહેજે,
ના પણ કહે તો બસ મારો હાલ પૂછજે.

ક્યારે તો મારી લાગણી સમજજે,
ના પણ સમજે તો બધુ ભૂલી જજે.

ફરી તું મને ક્યાંક મળજે,
ના મળે તો બસ યાદ કરજે.

The Audio Version of ‘વિનંતી’

Share this:

જિંદગી તને જીવી લઈએ

ફરી ફરી યાદ આવે એવી યાદો બનાવી લઈએ,
દરેક પળોને બસ પ્રેમથી ભરી લઈએ,
સૂર્યાસ્ત-સૂર્યોદય બંને સાથે માણી લઈએ,
આખી આખી રાતો જાગી મનની વાતો કરી લઈએ,
ભરપૂર ધમાલ મસ્તી કરી લઈએ,
દિલ ખોલી ખડખડાટ હસી લઈએ,
દર્દથી ભરેલી વાતો ને બસ ભૂલી જઈએ,
મસ્ત બની મસ્તીમા ઝૂમી લઈએ,
પાગલપનની હદો હવે પાર કરી લઈએ,
ડર ભગાડી દરેક અઘરી પ્રવૃત્તિ કરી લઈએ,
જવાબદારીઓ ભૂલી બસ જલસા હ​વે કરી લઈએ,
દરિયા કિનારે થોડી સાંજો વિતાવી લઈએ,
જાદુની જપી આપી ખુશી અનુભવી લઈએ,
આપણીઆ દોસ્તીની ગાંઠ બનાવી લઈએ,
ફરી ફરી યાદ આવે એવી યાદો બનાવી લઈએ,
બસ એક વાત બરાબર સમજી લઈએ,
ચલને જિંદગી તને જીવી લઈએ.

The Audio Version of ‘જિંદગી તને જીવી લઈએ’

 

Share this:

બાળપણની યાદો

બાળપણના દિવસો યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને મલકાવી જાય છે.

રીક્ષામાં છુપાઈને ખાધેલા ફાફડા જલેબી યાદ આવી જાય છે,
સ્કૂલેથી ભાગી ખાધેલા બ્રાન્ટોના ઢોસા યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને હસાવી જાય છે.

ઉપરથી ફેંકેલા સરના માથા પર પડેલા દફતરોની યાદ આવી જાય છે,
મિત્રો સાથેની કાઈનેટીકની સવારી યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને ખડખડાટ હસાવી જાય છે.

સુરતના રસ્તાઓ પર હોર્ન મારી મારીને રખડવાના દિવસો યાદ આવી જાય છે,
કારણ વગર કરેલી સ્કૂલમાં સ્ટ્રાઇકો યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મનને મસ્ત કરી જાય છે.

આખી રાતો મિત્રો સાથે કાળીની રાણી રમવાના દિવસો યાદ આવી જાય છે,
સાંજ પડેને બિલડીંગ નીચે સંતાકૂકડીની મજા યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મનને ખુશ કરી જાય છે.

ભાઈ-બહેન સાથે કરેલા મીઠા ઝઘડા યાદ આવી જાય છે,
પપ્પા-મમ્મીની ક્યારેક પડતી વઢ યાદ આવી જાય છે,
આ યાદો ક્યારેક મારી આંખ ભીની કરી જાય છે.

બાળપણના દિવસો યાદ આવી જાય છે,
હમેશાં મારા મનને શાંત કરી જાય છે.

The Audio Version of ‘બાળપણની યાદો’

 

Share this:

‘મા’ તારો અંદાજ

‘મા’ તારા જીવન જીવવાનો અંદાજ કંઈક ગજબનો છે,
તારી સૌને પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારો સહજ સ્વભાવ એકદમ ગજબનો છે,
દિલને સાફ રાખી બધાંને સાથે રાખવાની અદા કંઈક અજબ જ છે.

‘મા’ તારા સ્નેહમાં બધાંને નવડાવવાની કળા કંઈક ગજબની છે,
સૌની ભૂલોને માફ કરી પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારું તે કદીના વિચાર્યું , પરિવારને પ્રથમ રાખવાની કળા કંઈક ગજબ જ છે,
મનને મોટું રાખી બધાંને બધું આપી દેવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારા જીવન જીવવાનો અંદાજ કંઈક ગજબનો છે,
તારી સૌને પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારા શબ્દોમાં મીઠાશ કંઈક ગજબની જ છે,
સૌના દિલને જીતવાની કળા તારામાં કંઈક અજબની છે.

‘મા’ તારા સ્વભાવમાં ભોળપણ ભારોભાર ગજબનું છે,
કોઈ ગુનો કરે એને પણ ભેટવાની કળા કંઈક અજબ જ છે.

‘મા’ તારામાં અપેક્ષા વિના જીવન જીવવાની કળા કંઈક ગજબ જ છે,
બસ તારી પાસે આજ સીખી જાઉં તો આ જીવન અજબનું છે.

મા’ તારા જીવન જીવવાનો અંદાજ કંઈક ગજબનો છે,
તારી સૌને પ્રેમ કરવાની કળા કંઈક અજબ જ છે.

The Audio Version of ‘‘મા’ તારો અંદાજ’

Share this:

ખાનગી પત્ર

બે ઘડી બેસી કંઈક લખી લઉં,
સાત ફેરા તારી સાથે ફરી લઉં.

પરોઢને આપણા પ્રણયથી ભરી લઉં,
મારા દરેક શ્વાસમાં તને સમાવી લઉં.

જીવનને રોમાંચિત બનાવી લઉં,
પ્રેમથી તારી દુનિયા સજાવી લઉં.

એક થાડીમાં જમીને થોડો પ્રેમ વધારી લઉં,
તારો હાથ થામી આપણા સપના પૂરા કરી લઉં.

તારી સાથે સંતાકૂકડી રમી લઉં,
શોધીલે તું મને તો બસ તને ભેટી લઉં.

તારી આગોશમાં (હીંચકા પર) ઝૂલી લઉં,
આ ભાસને હકીકત બનાવી લઉં.

પાંખ મળે તો તારી સાથે ઊડી લઉં,
દરિયામાં બે-ચાર ડૂબકી તારી સાથે મારી લઉં.

તારા માથે હાથ મૂકી કસમ એવી લઈ લઉં,
આ જિંદગી બસ તારા નામે લખી લઉં.

બે ઘડી બેસી એક ખાનગી પત્ર લખી લઉં,
સાત ફેરા ફરી જનમ જનમનો સાથ નિભાવી લઉં.

The Audio Version of ‘ખાનગી પત્ર’

 

Share this: