દીકરી તારા જેવી મળે

તારા જેવી સખી અને બેન સૌને મળે,
ચાહે તને સૌ બસ એ જ દુઆ મળે.સમજશક્તિ જે છે તારામાં,
મનથી કહું છું એવી જ મને મળે.

દિલોને તું હંમેશા જીતતી જાય,
ને ડગલે ને પગલે દરેક ખુશી તને મળે.

તારી જેમ બધાને પ્રેમ કરવો,
બસ થોડી સમજ સૌને મળે.

દુઃખો આવે તો પણ મુખ પર હાસ્ય દેખાય,
તારા જેવી થોડી હિંમત બધાને મળે.

વાતો કરવાથી તારી સાથે,
એક ગજબની હૂંફ મળે.

કશે અટવાઉ તો ઘણીવાર,
તારી પાસેથી મને ઉપાય મળે.

પ્રાર્થના મારી પ્રભુને,
જીવનમાં તને બધે જ સફળતા મળે.

સાચે જ તને જોઈને હંમેશા થાય,
દરેકને દીકરી બસ તારા જેવી મળે.

The Audio Version of ‘દીકરી તારા જેવી મળે’

Share this:

માસૂમ લાગણી

આગલા જન્મના સંબંધો,
આ ધરતી પર મળી જાય.

નામથી શું લેવા દેવા,
જે મળવાનાં હોય એ ક્યાંય પણ મળી જાય.

હરતા ફરતા જે હંમેશા સાથે,
એકબીજા ને સુખ દુ:ખની વાતો કરી જાય.

કેવી ગજબની છે આ માસૂમ લાગણી,
જે અમ જેવાને ગમી જાય.

પરિવારની કોઈ વ્યકિત,
નસીબ હોય તો જ મિત્ર બની જાય.

સંબંઘો આવા નિઃસ્વાર્થ ભાવનાં,
જીવનમાં કંઇ થોડા આમ જ મળી જાય?

The Audio Version of ‘માસૂમ લાગણી’

Share this:

નથી સમજવું હવે

દરેક વસ્તુમાં ‘હા’ પાડવી,
નથી ગમતી હવે.

સૌને સમજવામાં,
ખોવાઈ નથી જવું હવે.

તારી ખુશીમાં મારી ખુશી,
નથી કહેવું હવે.

લોકો માટે દુ:ખી,
નથી થવું હવે.

બધાને ગમે છે માટે,
નથી ગમાડવુ હવે.

અજવાળા આપીને અંધારામાં,
નથી રહેવું હવે.

મનને મારા કોઈના પણ માટે,
નથી અકળાવું હવે.

સાંભળીને બધાની વાતો,
નથી ચૂપ રહેવું હવે.

ખૂબ સમજવાની કોશિશ કરી,
બસ નથી સમજવું હવે.

The Audio Version of ‘નથી સમજવું હવે’

Share this:

પરિવાર માટે જે જીવે છે

બધું જ હોવા છતા,

સાદાઇથી જે જીવે છે.

કોઈને પણ કદી ના ન પાડતા,

ખુદ કરકસરથી જીવે છે.

ના તારું કે ના મારું,

હંમેશા જે આપણું જ કહે છે.

મોઢું જોઈને કોઈનું પણ,

કીધા વગરની વાત જે સમજી જાય છે.

જીવમાં જેની માત્ર આપવાની ભાવના,

એવી ભારોભાર ઉદારતા જે ધરાવે છે.

થાક ભલેને કેટલો પણ હોય,

ખડા પગે સૌ માટે ઊભા રહે છે.

અટવાતા જો અમને જોઈ લે,

અચાનક રસ્તો જ પોતે બની રહે છે.

દિવસો ગણી ગણીને,

પરિવાર માટે જે જીવે છે.

આવી એક જ વ્યકિત છે જે,

હજારોના દિલમાં વસે છે.

કેટલા પુણ્યો કર્યા હશે અમે,

જેને અમે પપા કહીને બોલાવીએ છીએ.

The Audio Veriosn of ‘પરિવાર માટે જે જીવે છે’

Share this:

મોજ કરીને બસ જીવી લે

સરળ ને મજાનું છે આ જીવન,
શાના માટે અઘરું બનાવે છે?

બેમતલબની વાતોમાં તું,
ખુદને શાને ગુમાવે છે?

દેખાદેખીથી ભરેલી છે આ દુનિયા,
તારી ઉંઘ કેમ બગાડે છે?

ઈર્ષા તો ખુબ કરશે લોકો,
ખુદ ને આમ કેમ ફસાવે છે?

સાથે કઈ લઇને નથી જવાનું,
એની પાછળ આમ કેમ ભાગે છે?

શાંત રીતે એક વાત વિચારી લે,
મન અને મગજ ને આમ તું કેમ રમાડે છે?

સરળ ને મજાનું છે આ જીવન,
મોજ કરીને બસ જીવી લે.

The Audio Version of ‘મોજ કરીને બસ જીવી લે’

 

 

Share this:

ખુશ રહેવાની કળા

કેમ એ મને એકલો લાગતો?
પ્રેમ લાગણી થી ભર્યો ભર્યો,

નિસ્વાર્થ ભાવે સૌને સાચવતો.

ખુબ ઓછા મિત્રો એ રાખતો,

જિંદગીને પોતાની રીતે એ માણતો.

દિવસ રાત ખુબ મહેનત કરતો,

સૌને દિલમાં વસાવી ખુશ રહેતો.

ઓછું બોલી ને ઘણું સમજતો,
પોતાની મસ્તી માં રચ્યો મચ્યો ,

દિલ ખોલી વ્હાલ વરસાવતો.

અપેક્ષા વગર ની જિંદગી એની,

બસ આપવાની આદત રાખતો.

ભીડથી થોડો દૂર રહેતો,
જે એને ઓળખે એને એ ખુબ ગમતો,

શું એકલો હતો માટે એ આટલો ખુશ રહેતો?

The Audio Version of ‘ખુશ રહેવાની કળા’

 

Share this:

નસીબદાર તો હું જ છું

મનમાં મલકાઈ ને ખડખડાટ હસતા,
ખુબ ચાહું છું તને બસ એમ કહીશ.

જીવનસાથી ને મિત્ર બંને તું મારામાટે,
હંમેશા મને સમજે છે એમ કહીશ.

ગુસ્સો ભલે ક્યારેક વધારે હોય,
પણ તારા પ્રેમ ના તોલે કંઈજ નથી એમ કહીશ.

અકળામણ દરેક સંબંધોમાં થોડી થવાની,
મનાવવાની કળા તારી ગજબની છે એમ કહીશ.

ગાંડી ઘેલી છે આ નીકી તારી,
મારા ગાંડપણ ને તુજ ઝીલી શકે એમ કહીશ.

ભલે કેટલા પણ કામમાં વ્યસ્ત હોય,
મારા માટે સમય હંમેશા હોય એમ કહીશ.

હાથ ની રેખાઓ ભલે ને તારી ગાઢ છે,
નસીબદાર તો હું જ છું એમ કહીશ.

લગ્ન ને ભલે કેટલા વર્ષો વીત્યા,
સૌને લાગે છે નવા પરણેલા એમ કહીશ.

The Audio Version of ‘નસીબદાર તો હું જ છું’

 

Share this:

તારી યાદ

દિલને સમજાવું અઘરૂં થતું જાય,
જયાં તારી યાદ મારી આંખને ભીની કરી જાય.

લખવાની આદત કોણ જાણે કેમ છૂટતી જાય,
જયાં નજર સામે તું આવે તો કવિતા બની જાય.

કાશ ખોલીને મન થોડી વાત થઈ જાય,
જયાં સામે આવે તો કેમ ચૂપી છવાઈ જાય.

અંધારામાં બેઠી હોઉં તારી આહટ આવી જાય,
આવું સપનું મારા મનને ખૂબ રડાવી જાય.

ખોટું આમ દરેક વાતે લાગી ગુસ્સો કેમ આવી જાય,

લાગણી એટલી પણ ખોટી નથી કે તું ના સમજી જાય.

The Audio Version of ‘તારી યાદ’

Share this:

અઘરું કેમ?

કોઈના માટે સરળ
પણ મારા માટે અઘરું,
નવી જગ્યા અપનાવવી
એને ગમાડવી આટલી અઘરી કેમ?
મિત્રો તો ઘણા બની જાય
પણ જૂના વારંવાર યાદ આવે તો મનને મનાવવું કેમ??
મજાની મહેફિલો રોજ જામે
અને આમ એકલું લાગે તો જાહેરમાં રડવું કેમ?
આમ તો મજબૂત છું
છતા વારંવાર દિલ ઢીલું થઈ જાય તો એને વાળવું કેમ?
ભૂલવું છે તને એવું નથી કહેતી
પણ તારી યાદ દુખી કરી જાય તો રોજ હસવું કેમ?

The Audio Version of ‘અઘરું કેમ?’

 

Share this:

વિશ્વાસ ની ડોર

હું તારી ને તારી જ રહીશ,
શંકા કરશે તો હારી જઈશ.
સમજમાં તારી કે મારી,
ક્યાંક તો થોડી ગડબડ થઈ ગઈ.
આમ જો ચૂપ રહેશે તો ગાંડી થઇ જઈશ.
ખુલાસા કરવા પડે,
તો સંબંધમાં કચાશ રહી ગઈ.
વિશ્વાસની ડોર નાજુક છે,
તૂટી તો વેરવિખેર થઈ જઈશ.
ગેરસમજણથી કંઈ મળતું નથી,
લાગણી ને સમજતા મન દગો દઈ ગઈ.
મારામાં હું તને જીવું છું,
છૂટી તારાથી તો ખુદને જ ખોઈ દઈશ.

The Audio Version of ‘વિશ્વાસ ની ડોર’

Share this: