તું મને સમજી જજે

ચાલતી ચાલતી ક્યારેક થાકી જાઉં જો,
હાથ પકડીને મંજીલે મને લઈ જજે ..

વાતો કરતા ક્યારેક પણ અટકી જાઉં જો,
 બોલીને કંઈક વાતાવરણ હળવું કરી જજે ..

આંખોમાંથી અચાનક આંસુ આવી જાય જો,
ખભો બની મારો સહારો બની જજે ..

રાતો મને ક્યારેક લાંબી લાગે જો,
મારી સાથે થોડો સમય વિતાવી જજે..

જીવનની જ્યારે આખરી પળો હોય જો,
વળગી મને વિદાય તું આપી જજે ..

સાથ તો મને તારો જ જોઈએ છે જો,
કહું કે ના કહું બસ તું મને સમજી જજે..

તું મને સમજી જજે – Audio Version
Share this:

પપ્પા કોને કહેવાય

જ્યારે પણ જરૂર હોય સાથે જ દેખાય,
હંમેશા માત્ર પ્રેમ જ આપે એને પપ્પા કહેવાય.

કોઈ કંઈ પણ બોલે તો ચૂપ થઈ જાય,
હસતા હસતા સાંભળી લે એને પપ્પા કહેવાય.

આખી રાતો જાગી ચિંતા કરતા જાય,
બધા ખુશ રહે જે ઈચ્છે એને પપ્પા કહેવાય.

સસ્તી વસ્તુ પોતાના માટે શોધતા જાય,
 બાળકોને ગમતી અપાવે એને પપ્પા કહેવાય.

ભૂલ ના હોય તો પણ માફી માંગતા જાય,
મોટું દિલ રાખી સૌને વળગી લે એને પપ્પા કહેવાય.

 તબિયતથી હંમેશા ભલે ઝઝૂમતા જાય,
ઊભા રહે થાંભલાની જેમ પરિવાર માટે બસ એનેજ પપ્પા કહેવાય.

પપ્પા કોને કહેવાય – Audio Version
Share this:

પ્રભુ સાથેની પ્રીત

તારી સાથે લાગણી કંઈ એવી બંધાઈ,
જાણે પ્રેમથી ભરેલા દરિયામાં ડૂબકી લેવાય.

શબ્દોમાં કેમ કરી વર્ણવું,
અંદરથી જાણે એક સમતા અનુભવાય.

સાથે તો ઘણા છે જીવનમાં,
તારી હાજરી હંમેશા મારી સાથે જ દેખાય.

જોયું જ્યારે જ્યારે મુખડું તારું,
મન મારું આનંદથી હરખાય.

પકડ્યો છે મારો હાથ તે જ્યારથી ,
અનુભવથી કહું છું, જન્મોજનમ કદી ના છોડાય.

પ્રભુ સાથેની પ્રીત – Audio Version
Share this:

મારી કવિતા

વિચારોને શાંત કરવા બસ એક સહારો છે તારો 
તારી સાથે અતૂટ સંબંધ છે મારો.

અકળામણ થાય તો સાથ છે માત્ર તારો,
અંતરને શાંત કરવાનો રસ્તો છે તું મારો.

આંખો ભીની થાય ત્યાં આપે છે રૂમાલ તારો,
સાદા શબ્દોમાં કહું સાચો મિત્ર છે તું મારો.

ડૂબતી હોઉં જ્યાં હાથ આપે છે તારો,
કોણ જાણે બની જાય છે ત્યાં જ કિનારો તુ મારો.

કવિતાનાં શબ્દો રૂપે આપે છે સાથ તારો,
આપીને સમય બસ આમ જ તું બની જાય છે મારો.

મારી કવિતા – Audio Version
Share this:

અમારા કમળા બા

બાળકો સાથે બાળક બની રમતા,
મારા બા હંમેશા દિલથી ખૂબ હસતા.

સૌ સાથે ભરપૂર વાતો કરતા,
દરેક વાતમાં બાપુજીને ખૂબ યાદ કરતા.

દર દિવાળી એ અચૂક વિઠોડાનું ઘર ખોલતા,
મારા બા દર તહેવાર પરિવાર સાથે દિલથી ઉજવતા.

અંગ્રેજી બોલવાનો ક્યારેક પ્રયત્ન કરતા,
જન્મદિવસ પર happy birthday ‘તૂરીયુ’ કહેતા.

કેટલીય રાતો ભયંકર વેદનામાં જાગતા,
મારા બા અસહ્ય વેદના ને દિલથી સ્વીકારી લેતા.

એમની સાથેના દરેક ફોનમાં એક જ વસ્તુ કહેતા,
 ‘ખુશ રહેજો બધા’ બસ હસતા હસતા બોલતા .

લોકોને મદદ કરવા હંમેશા તૈયાર રહેતા,
કમળાબા એમના નામની જેમ જ કુમળા હૃદયના હતા.

અમારા કમળા બા – Audio Version
Share this:

તારા સિવાય મારે ક્યાં જવું છે?

સમજીને તને સમજવું છે,
તારા સિવાય મારે ક્યાં જવું છે?

આખી રાત તારી સાથે બેસવું છે,
ઊંઘ આવે તો પણ તારામાં મારે જાગવું છે.

વાતો આપણી ક્યાં થાકે છે?
ચુપ રહીને પણ તારા શબ્દો સાથે જોડાવું છે.

ઝઘડો કરવામાં પણ એક મજા છે,
શાંત રહીને હંમેશા કાગળ પેન સાથે ક્યાં રહેવું છે?

તારા વગર જીવમાં વળી જીવ ક્યાં છે?
હૃદયમાં ધબકાર ચાલે ત્યાં સુધી તારામાં મારે રહેવું છે.

તારા સિવાય મારે ક્યાં જવું છે – Audio Version
Share this:

એક આશીર્વાદ

અંધારામાં અટવાયા હોઈએ,
દીવો બનીને રસ્તો બતાવી જાય.

ઉદાસી થી ઘેરાયેલા હોઈએ,
અચાનક આવીને મુખ પર હાસ્ય બની જાય.

મંઝિલથી ભટકેલા હોઈએ,
ખુદ પોતે જ માર્ગ બની જાય.

દુઃખોથી ભરેલું જો દિલ હોય,
જાણે એ પ્રેમની દવા બની જાય.

તકલીફો કોઈની પણ જોઈને,
મદદ કરવા હંમેશા તૈયાર થઈ જાય.

ઘણી વ્યક્તિ કંઈ આવી જ હોય,
જે જીવનમાં એક આશીર્વાદ બનીને આવી જાય.

એક આશીર્વાદ – Audio Version
Share this:

એક અનોખો સંબંધ

 તું કહે કે ના કહે મને બધી સમજ પડી જાય છે,
તું દૂર હોય તો પણ તારી આહ મને સંભળાય છે.

કોણ જાણે કેમ તારા મનમાં ચાલતી ગડમથલ મારા સુધી આવી જાય છે,
હજારો મિલ તું હસતો હોય તો એ હાસ્ય મારા મુખ પર આવી જાય છે.

તારી નાનકડી એક ઉદાસી મારા જીવનને હચમચાવી જાય છે,
તારા માટે હથિયાર વગર પણ દુનિયાથી લડી જવાય છે.

ઠોકર તને જો ત્યાં વાગે તો દર્દ મને અહીંયા થાય છે,
તારા વગરની દરેક પળો પણ તારી સાથે જ જીવાય છે.

દૂર બેઠા બેઠા પણ તારી લાગણીઓ મને સમજાય છે,
અરે તું જો ખુશ હોય તો દુનિયાની દરેક ખુશી જાણે મને મળી જાય છે.

એક અનોખો સંબંધ – Audio Version
Share this:

હાસ્ય

કહી દીધી એક વાત એકદમ સાચી,
હસીએ તો સાચે બધું હસતું લાગે છે.

ઉદાસીના સો કારણ હોવા છતાં,
સ્મિત આપનાર એક  એ પોતાનો લાગે છે.

આપવાથી હંમેશા મળે પાછી,
 હાસ્યની કથની કંઈ એવી લાગે છે.

ભરેલી મહેફિલમાં કે ભીડમાં પણ,
હસતો માણસ સૌને વ્હાલો લાગે છે.

ખડખડાટ હોય કે પછી નાનકડું સ્મિત,
એકાંતમાં પણ ખૂબ મજાનું લાગે છે.

સાચે જ છે કંઈ જાદુ આ હાસ્યમાં,
માટે જ તો હસીએ ત્યારે દુનિયા પણ હસ્તી લાગે છે.

હાસ્ય – Audio Version
Share this:

ખબર નહીં કેમ

સાથે રહેવાની હંમેશા વાતો કરતા,
ખબર નહીં કેમ લાગણીઓ સમય સાથે બદલાય જાય છે…

અચાનક મળ્યા એક મહેફિલમાં,
ખબર નહીં કેમ પરાયા અચાનક પોતાના બની જાય છે…

બંધાયા જ્યાં એક અતૂટ ગાંઠમાં,
ખબર નહીં કેમ આંખના પલકારામાં સંબંધ વીખરાય જાય છે…

ક્યારેક થોડું ઓછું બોલવાથી,
ખબર નહીં કેમ ત્યાં સ્વભાવની કિંમત મુકાય જાય છે…

કેટલીય યાદોથી ભરેલી છે જિંદગી,
ખબર નહીં કેમ એની એક વાર્તા બની જાય છે…

મૂકવું હતું જ્યાં અલ્પવિરામ મારે,
ખબર નહીં કેમ એ આવીને પૂર્ણવિરામ મુકી જાય છે…

ખબર નહીં કેમ – Audio Version
Share this: