કોઈ શંકા જ નથી

એવું નથી કે તારી લાગણીની કદર નથી 
પણ શું સાચે હવે આ માર્ગમાં કોઈ રાહ નથી ?

પ્રયત્ન તે પણ કર્યા અને પ્રયત્ન મેં પણ કર્યા 
લાગે છે વચ્ચે હવે કોઈ ગાંઠ નથી .

દુઃખી તો તું પણ છે ને દુઃખી હું પણ છું 
છોડી દઈએ હવે વાતમાં કોઈ માલ નથી

 તે કર્યું મેં કર્યું એમાં એવા અટવાયા કે 
એકબીજાને ખોઈ દીધાનું ભાન જ નથી.

 પ્રેમ તો તને પણ છે ને પ્રેમ તો મને પણ છે
 ક્યાં અને કેવી રીતે અટવાયા એની ખબર જ નથી.

ક્યારેક તું બોલી ના શકી ને ક્યારેક હું બોલી ના શકી
 અંદર અંદર ઝેર થાય એમાં હવે કોઈ વાર નથી.

ભૂલતો તારી પણ થઈને ભૂલ તો મારી પણ થઈ
 બંને નમી જઈએ તો આ સંબંધ બચી જાય એમાં કોઈ શંકા જ નથી.

કોઈ શંકા જ નથી – Audio Version
Share this:

માત્ર તું જ દેખાશે

સવાર સાંજ બારીએ તારી રાહ જોતી
થતું બૂમ તારી સંભળાશે.

દરરોજની મારી આ આદત થઈ
ને થતુ કે તું આજે દેખાશે!

દરવાજા સુધી ત્રણેય સમય ચાલતી
કે આજે તું આવશે!

અધીરી થઈ જતી ને ક્યારેક ઘેલી
ક્યાંક તો તું દેખાશે!

આંખો મારી ખૂબ રાહ તારી જોતી
ને વળી થતું ક્યાંકથી તું બોલશે!

આવીને એકવાર તો જોઈ લે આ દિલને
હંમેશા માત્ર તું જ દેખાશે!
માત્ર તું જ દેખાશે – Audio Version
Share this:

તારા વગર ગમતું નથી

તારી યાદ વારે વારે આવી જાય
મારા મનને ખૂબ બેચેન કરી જાય

કાબુમાં કેમ કરુંઆ મનને એ ના સમજાય
ક્યારે મળીશ ને વળગીશ એક જ ઈચ્છા થાય

કલાકોના ધ્યાનમાં તું સામે આવી જાય
‘તને બહુ યાદ કરું છું’ બસ કાનમાં કહી જાય

એક એક પળ કાઢવી મુશ્કેલ થતી જાય
તારા વગર ગમતું નથી જ્યારે તું મને કહી જાય

તું વારંવાર મને એક જ વાત કહી જાય
આવી જા હવે તારા વગર બધુ ખાલી દેખાય

બસ મને એક તને જ મળવાની ચાહત થાય
તારી યાદ મને ખૂબ એકલો કરી જાય.

તારા વગર ગમતું નથી – Audio Version
Share this:

વાણી

ક્યારેક રિઝાવે તો ક્યારેક દુભાવે
પ્રેમ થી મનમીત બનાવી દે
આક્રોશમાં સંબંધોને બગાડી દે
આવેશમાં આવે તો નિર્ણયો ખોટા લેવડાવી દે
શાંત હોય તો દુનિયા જીતાવી દે
શબ્દોથી ક્યારેક લોકોને દૂર કરી દે
અને ક્યારેક કવિતાઓ રચી દે
વાણી છે આપની દોસ્ત
જો ચાહે તો સૌના દિલ જીતાડી દે
દિલ જીતીને દુનિયા જીતાડી દે.

વાણી – Audio Version
Share this:

વિપસ્સના અનુભવ – Part 3

શ્રી ગોએંકાજીની પંક્તિઓ આજે પણ કાનમાં સંભળાય છે, મન જો  મેલું હોય તો દુશ્મન કરતાં પણ ખરાબ છે પણ મનજો નિર્મળ હોય તો માતા પિતા કરતાં પણ વધુ ધ્યાન રાખે છે. મન જ આપણને કર્મ કરાવે છે, મન જ આપણા કર્મો ને તોડી શકે છે. મન જ પ્રમુખ છે અને મન જ આપણા સુખ દુઃખનું કારણ છે પછી હંમેશા આપણે બીજાને કેમ દોષ આપીએ છીએ ? ક્ષણ ક્ષણ વીતી રહી છે અને આપણે હંમેશા કાલની રાહ જોઈએ છીએ. આ દસ દિવસમાં મનને જલ્દી ભટકવાનો સમય આપવામાં આવ્યો જ નહોતો. રસ્તો એકદમ સાફ હતો ક્રોધને બદલે શા માટે ક્રોધ કરવો ને ઈર્ષ્યા ને બદલે કેમ ઈર્ષ્યા? આ બધા વિકારને આપણે કરુણા અને સમતાથી ભરવાના છે.

સાચી કરુણા એટલે શું? લોકોની સેવા કરવાની તેમને દુઃખમાંથી બહાર કાઢવાની ઈચ્છા એટલે સાચી કરુણા. જો તમને સાચી કરુણા હોય તો પછી તમે પુરા પ્રેમથી તમારી ક્ષમતા મુજબ બીજાને મદદ કરવાનો પ્રયાસ કરવો. તમે તમારી સેવાના પરિણામની ચિંતા કર્યા વિના સેવા કરો એ જ વાસ્તવિક કરુણા છે. દુનિયાના દરેક જીવ માટે કરુણાનો ભાવ શીખવાડવામાં આવે છે એ પણ કોઈ attachment વગર. દરેક જીવનું મંગળ થાય એવી પ્રાર્થના કરાવવામાં આવે છે

તેરા મંગલ તેરા મંગલ
સબકા મંગલ હોય રે
જન જન મંગલ
જન જન મંગલ હોય રે
सबका मंगल होय रे


દરેક જીવને મૈત્રી આપવી. સૌનું ભલું થાય એવી દિલથી ભાવના રાખવી અમને સમજાવવામાં આવ્યું. બધાનું મંગલ થાય એવી પ્રાર્થના કરતા. સારું કે ખરાબ જે પણ બને તમામ બાબતોને સમતા ભાવથી જોવી એ જ શીખવાડવામાં આવતું. (‘No Reaction’). કોઈનો પણ વાંક હોય એના પર ગુસ્સો કરવા કરતા પ્રેમ વરસાવો તો જ આપણે આપણા મન પર કાબૂ લાવ્યો છે એમ કહી શકાય. મનને નવા કર્મ કરતા અટકી જવાશે. એમના દરેક દુહાનાં એક એક શબ્દ અંતરને અડી જાય એવા છે. એ આપણને માત્ર પ્રેમ જ પ્રેમ શીખવાડે છે.

વિપસ્સનામાં ચાર રસ્તાઓ પર નજર કરાવી  છે. જે ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા છે. તમારે આમાંથી કય રસ્તાએ જવું એ તમારા ઉપર છે.

૧) અંધકારથી અંધકાર તરફ એટલે કે રાગ દ્વેષ ક્રોધ કપટ અને માયા અને એના બદલામાં આ જ બધું આપવું.
૨) અંધકારથી પ્રકાશ તરફ એટલે  રાગ દ્વેષ મોહ માયા ના બદલે એનાથી વિરુદ્ધ જવું ,સમતા અને કરુણાનો ભાવ રાખવો. એનાથી તમે પ્રકાશ તરફ જઈ રહ્યા છો.
૩) પ્રકાશથી અંધકાર તરફ એટલે તમારી પાસે જીવન જીવવાની તમામ સગવડો હોય અને તમે ઈર્ષ્યા ક્રોધ મોહ માયા કરો અને કોઈના માટે કરુણા ભાવ ના રાખો એટલે એને પ્રકાશથી અંધકાર તરફ જવાઇ એમ કહેવાય.
૪) પ્રકાશથી પ્રકાશ તરફ એટલે કે તમારા પાસે જીવન જીવવાની  દરેક સગવડો હોય અને છતાં તમે કરુણા સમતા અને પ્રેમના માર્ગે જ આગળ વધો તો એને પ્રકાશથી પ્રકાશ તરફ કહેવાય. હવે આપણે નક્કી કરવાનું છે કે કયા માર્ગે જવું છે.

મારી વિપસ્સના ને લગભગ એક મહિનો થઈ ગયો છે અને આજ સુધી હું દરરોજ સાધના કરું છું . મને એનાથી ઘણા ફાયદા થયા છે. જેનાથી એક વસ્તુ પાકી છે કે મારું મન પહેલાંની જેમ જલ્દી અકળાઈ નથી જતું, ખૂબ અવેરનેસ આવી ગઈ છે ખૂબ પોઝિટિવિટી ફિલ થાય છે અને અંદરથી ખૂબ જ હળવું ફિલ થાય છે. મારી ચોક્કસથી દરેકને એક વિનંતી છે કે એકવાર વિપસ્સના કરી એનો અનુભવ જરૂરથી કરજો. તમને તમારા જીવનમાં જે બદલાવ જોવા મળશે એનો કંઈક અલગ જ આનંદ થશે. તમને સૌ માટે કરુણા અને મૈત્રીનો અનુભવ થશે.

વિપસ્સના એટલે જીવન જીવવાની કળા. એને કોઈ ધર્મ, માનતાં કે અંધવિશ્વાસ સાછે જોડવાની જરૂર નથી. બધુ પાછળ મૂકી દેવું. વિપસ્સના એટલે આચારસંહિતા, શુધ્ધ અને સરસ જીવન જીવવાની કળા અને સ્વસ્થ જીવન. તે સ્વ માટે સારૂ છે અને બીજા મટે પણ સારૂં છે.

Thank you.

વિપસ્સના અનુભવ – Part 3 – Audio Version
Share this:

વિપસ્સના અનુભવ – Part 2


દરેક ધર્મનાં મૂળમાં  શું શીખવાનું હોય છે ? ‘વિકાર વગરનું મન અને સમતા’ પછી કેમ આપણે  ધર્મોને અલગ અલગ નામ આપી દીધા છે? આજ વાત અમે અહીં સમજી રહ્યા હતાં.

આસક્તિ અને રાગ બંને મૂળ આપણા દુઃખના કારણ છે. પરિવાર યાદ આવે એટલે રાગ આવે અને રાગ આવે એટલે આસક્તિ આવે જ. ત્યાં રહીને એકવાત  પાકી હતી કે કોઈપણ  વ્યક્તિ માટે ખરાબ કે ખોટા વિચાર મારા મન પાસેથી પસાર નહોતો થતાં. બધા જ મને સારા લાગતા હતા, બધા જ માટે મનમાં ભારોભાર લાગણી હતી. અંદરથી શાંતિનો અનુભવ કરતી હતી. નવમા દિવસ સુધી હું દરેક રાત લગભગ ત્રણ કલાકથી વધુ સુતી નહોતી પણ આખા દિવસની એ એનર્જી ક્યાંથી આવતી હતી, એ સાચે જ એક ચમત્કાર જેવું હતું.

વિપસ્સના એટલે સમતા, મનની એકાગ્રતા. મનના દરેક વિકારને શાંતિથી બસ જોયા કરવા અને એ અનિત્ય છે એવો ભાવ સતત રાખવો. આપણે લગભગ બધા જ ધર્મમાં કે સંતો પાસેથી રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ કે માયા આ શબ્દો સાંભળ્યા જ હશે, અંતે આમાંથી છૂટવાનું છે એ જ સમજાવવામાં આવ્યું છે. પણ શું આપણે અનુભવ કર્યો ? દસ દિવસ સતત અહીંયા આજ અનુભવ કરવાનો પ્રયત્ન કરાવતા. કરુણા અને મૈત્રી શીખવાડતા, જે સાચો ધર્મ છે.

ગોએંકાજીના પ્રવચન જેમ જેમ સાંભળતી ગઈ, ઘણું સમજતી ગઈ. અમે દિવસના 10 કલાક માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કરતાં અને મનની સંવેદનાઓ એટલે કે આપણા શરીરના ઊઠતા સ્પંદનો  ગરમી, ઝણઝણાટી, નમ, દુખાવો વગેરે વગેરે… બસ જે થતુ એને જોયા કરવું. જ્યારે પણ ટીચરને કહેતી મન એક જગ્યા પર રહેતું જ નથી એ તરત જ સમજાવતા કે આ જ તો શીખવાનું છે કે મનને આપણા કહ્યામાં કેમ રાખવું. એ જ રીતે પાછા ધ્યાનમાં બેસી જતા.

જ્યારે એક કલાક એક જ સ્થિતિમાં બેઠા હોઈએ અને જરા પણ હલીએ નહીં એને અધિષ્ઠાન કહેવાય. તમે માની પણ નહીં શકો કે હું ગઈ ત્યારે 15 મિનિટથી વધુ એકજ સ્થિતિમાં બેસી નહોતી શકતી પણ હવે ૬ દિવસ પછી એક જ જગ્યા પર બે કલાકથી વધુ અધિષ્ઠાનમાં બેસી શકતી થઈ ગઈ હતી. મનની  સાથે સાથે શરીરનું પણ પ્યોરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ થતું. જે દુખાવા માટે હું બીજી જ રાતે ખૂબ રડી હતી કે હવે બેસી જ નહીં શકું, મારી રાઈટ સાઈડ કમરથી લઈને પગ સુધી ભયંકર દુખાવામાં હતી. એ દુખાવો  મને ચોથા દિવસ પછી એકવાર પણ આવ્યો નહોતો. આ જ આપણું મન છે એને જેમ વાળવું હોય વાળી શકીએ પણ આપણે મનને જે કરવું હોય એ કરતા થઈ જઈએ છીએ.

આપણે ફીટ રહેવું હોય અને બાજુ વાળો કસરત કરે તો શું આપણને રિઝલ્ટ દેખાવાનું છે? એવી જ રીતે આપણા મન પર કાબૂ કોઈ ગુરુ કે ટીચરના પાસેથી મળી નથી જવાનું આપણે જાતે જ પ્રયત્ન કરવાનો છે. આ દસ દિવસમાં જ્યારે વિચાર કરતી ત્યારે લાગતું કેટલી મોહ માયા લઈને બેઠી છું. કેવો સ્વભાવ છે દરેક મનુષ્યનો એક પછી બીજી અને બીજી પછી ત્રીજી ઈચ્છાઓ તૈયાર જ હોય. આપણી ઈચ્છાઓ ઉપર કોઈ સ્ટોપ બટન છે જ નહીં. કોઈપણ વાતમાં સો ટકા ખુશી મળે ખરી? મનને ક્યારે પણ સંતોષ જ નથી હોતો. આ લગભગ છ દિવસ સુધીની વાત હશે, મન એકદમ હવે શાંત થઈ ગયું હતું. જેને પણ મારાથી દુઃખ પહોંચ્યું હોય એને અંતરથી  હું માફી માંગી ચૂકી હતી.

મને હવે બધા એટલા યાદ નહોતા આવતા જેટલું મને પહેલા ત્રણ દિવસ દુઃખ થયું હતું. હું મારા જ મનને  સમજવાની પૂરી કોશિશમાં હતી. આજના દિવસમાં મને મારા સ્વભાવમાં બદલાવ લાગી રહ્યો છે.  કોઈ કેટલું પણ બોલી જાય ,મારું મન પહેલાની જેમ તરત જ અકળાઈ નથી જતું. અંદરથી અવાજ આવતો અને કહેતુ આ અનિત્ય છે. ઘણી અવેરનેસ આવી ગઈ હોય એવું મને લાગવા લાગ્યું છે. દુઃખ ચોક્કસથી થતું કારણ કે મારાથી કોઈને તકલીફ પહોંચી પણ હવે એનું પણ ધ્યાન રાખતી થઈ ગઈ છું .મને મારામાં જ બદલાવ દેખાવા લાગ્યો છે અને આ બદલાવ મને સાચે અંદરથી ગમવા લાગ્યો છે કારણ કે હું અંદરથી એકદમ શાંતિ અનુભવુ છું. હજુ ઘણું આગળ જવાનું છે અને ઘણું શીખવાનું છે.

મૈત્રીનો અનુભવ છેલ્લા અંકે…

વિપસ્સના અનુભવ – Part 2 – Audio Version
Share this:

વિપસ્સના અનુભવ – Part 1

ધમ્મ પતન વિપસ્સના સેન્ટર પહોંચ્યા બાદ બધા સાથે લાસ્ટ વિડીયો કોલ પર વાત કરી ત્યારે એક મિનિટ માટે આંખો ભરાઈ ગઈ, હવે હું આ બધા સાથે દસ દિવસ વાત નહીં કરી શકીશ.  25 વર્ષમાં પહેલીવાર હું મિતેન સાથે દસ દિવસ વાત નહોતી કરવાની એને જોઈ નથી શકવાની, મારા માટે ખૂબ અઘરું હતું. ફોન બંધ કરતી વખતે પાછો જાણે કરંટ આવ્યો,હવે હું મારા બાળકોનો અવાજ દસ દિવસ સુધી સાંભળી શકીશ નહીં, કેવી રીતે રહીશ? ખૂબ ભરાઈ ગઈ. પહેલી રાત્રે ધ્યાન કર્યા બાદ બધાનું જ મૌન હતું. અમે લગભગ સો(૧૦૦) થી  વધુ જણ ત્યાં હતા. ત્રણેય રાતે મને ત્રણ કલાકથી વધુ ઊંઘ આવી નહોતી, એમાં પણ બે ચાર વાર જાગી જતી. મને એ રાતો બરાબર યાદ છે. દિવાલો સાથે વાતો કરતી, ક્યાં તો મિતેન ત્યાં હોય અને એની સાથે વાતો કરતી. તકિયામાં મોઢું રાખીને ખૂબ રડતી.

બીજો દિવસ બરાબર યાદ છે 10 કલાકના ધ્યાન પછી મારી કમર ખૂબ દુઃખી રહી હતી રૂમમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી, ને લાગી રહ્યું હતું કે શું મેં ખોટું કર્યું અહીંયા આવીને? ત્યાંની બધી વ્યવસ્થા ખુબ સરસ હતી AC રૂમ,  સાડા છ વાગ્યે નાસ્તો, 11 વાગ્યે ફુલ જમવાનું અને પાંચ વાગ્યે છેલ્લો નાસ્તો લીંબુ પાણી, મમરા અને વોટરમેલન, છતાં પણ એક પણ રાત ભૂખ નહોતી લાગતી. દિવસમાં લગભગ દોઢ કલાક જેટલું વોક પણ કરવાનો સમય મળી જતો. બધું આપણા મન પર છે જેમ વાળો એમ વળી જાય છે પણ આપણે મન જેમ વાળે  એમ વળતા હોઈએ છીએ. મારું મન હજુ ત્યાં સુધી લાગતું નહોતું. મને બધાની ખૂબ યાદ આવતી હતી માટે હું મારા ટીચર પાસે ગઈ, (મૌન હોય ત્યારે તમે ટીચર સાથે વાત કરી શકો) મેં ટીચર ને કહ્યું, ‘મને અહીંયા નથી ગમતું અને ઘરે જવું છે. ‘ટીચરે પૂછ્યું,  તને શું થાય છે? મેં એમને મારા મનની વાત કરી, મને ઊંઘ નથી આવતી અને હું એકલામાં બધા સાથે વાતો કર્યા કરું છું. ટીચરે શાંતિથી સમજાવ્યું કે તારી વાતો એ લોકો સુધી પહોંચતી જ હશે પણ જ્યારે તને ઊંઘ ના આવે ત્યારે તું શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખ એને જોયા કર.  ટીચરનુ માન રાખવા એક વાર પ્રયત્ન કરવાનું નકકી કર્યું.

આ ત્રણ દિવસમાં એક ચમત્કાર મેં જોયો,  ના તો મને કોઈ માટે ક્રોધ આવ્યો, ઈર્ષા આવી કે કોઈપણ વ્યક્તિ માટે કંઈ ખરાબ વિચાર્યું. એ દશામાં ત્યાં હું મારા અવગુણો, મારી ભૂલો જોઈ રહી હતી. જે વ્યક્તિઓ સાથે મને ફાવતું નહોતું કે મારા સંબંધો બરાબર નહોતા એ બધાની એક પછી એક તમામ સારી વાતો મારી સમક્ષ આવવા લાગી. એમની સાથે વિતાવેલા સારા દિવસો મારા નજર સામે આવવા લાગ્યા. મને એકદમ યાદ છે મારો ત્રીજો દિવસ અને સવારે 8:00 થી 11:00 નું ધ્યાન નો સમય મને ઘણી વ્યક્તિઓના માત્ર ગુણો જ દેખાવા લાગ્યા. આ બધા જ સારા છે, તો પ્રોબ્લેમ પછી ક્યાં છે? ત્યારે અંદરથી જવાબ આપ્યો, ‘આપણું મન’. મારી આંખોમાંથી સંવેદના રૂપે આંસુ વહી રહ્યા હતા મારા કર્મો જાણે તૂટી રહ્યા હતા. એકદમ ચંચળ છે આપણું મન એને જે કરવું હોય એ જ કરાવે છે અને ગમવું હોય તો ગમાડે નહીં તો ખરાબ લગાડે. હંમેશા આપણે આપણા  મનના વસમાં હોઈએ છીએ. શ્રી ગોએંકાજીએ એમની પંક્તિમાં કહ્યું છે, આપણા વશમાં મન હોવું જોઈએ નહીં કે આપણે મનના વશમાં. મારા મોટા કાકા અને ચિરાગભાઈ ને દિલથી થેન્કયુ જેમના કારણે હું આ 10 દિવસ ની સાધના માટે હિંમત પણ કરીને આવી શકી. ત્રીજો દિવસ ખુબ જ સરસ ગયો. મન એકદમ હલકું થઈ ગયું.          

મારી સાથે જે અનુભવો થયા જરૂરી નથી કે દરેક વ્યક્તિ સાથે એવા જ અનુભવો થયા હોય, દરેક વ્યક્તિના અનુભવો અલગ અલગ હોઈ શકે. આપણે કહેતા હોઈએ છીએ ને કે કેરી ખૂબ મીઠી છે પણ જે ખાય એ જ સમજી શકે કેવી અને કેટલી મીઠી છે. હું તમારા સુધી મારા અનુભવ ચોક્કસથી પહોંચાડી પણ જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો તે તમારા સમજની બહાર જ છે. 10 કલાક બેસ્યા પછી પણ ઊંઘ ના આવે અને સવારે ચાર વાગ્યે ધ્યાન માટે હું એકદમ રેડી થઈ તૈયાર હોવું અને ધ્યાનમાં મને જરા પણ ઊંઘ ના આવે એ મારા માટે ચમત્કાર થી કંઈક વધુ જ હતું. ત્રીજા દિવસે હિંમત થઈ કે હું આગળ વધી શકીશ અને મેં નક્કી કર્યું કે હું સાધનામાં આગળ વધીશ. બીજા ઘણા અનુભવો છે હું જરૂરથી તમારા સાથે શેર કરીશ.

 Thank you :pray::skin-tone-2:

વિપસ્સના અનુભવ – Part 1 – Audio Version
Share this:

ખુદને ખૂબ ગમતી

એકાંત ક્યારેક અઘરું લાગતું,
       છતાં એકલતાને  માણતી.

વિચારોમાં ગડમથલ હતી,
       એને સમજવાનો પ્રયત્ન કરતી.

ચાર દીવાલોની વચ્ચે,
       જાણે ખુદને જ શોધતી.

મંઝિલ ખૂબ નજીક દેખાતી,
       છતાં અંદર અંદર જ ભમતી.

શ્વાસોશ્વાસ મારા જ
       છતાં એના પર નજર રાખતી.

ઘણી અકળામણોમાં પણ
       શાંતિ અને સમતા અનુભવતી.

કાલ કેવી હશે એની ચિંતા છોડી
       આજમાં જીવતી.

ક્રોધ રાગ દ્વેષ ના રૂપ સમજીને
       કરુણા અને સમતા શીખતી.

આ એવા દિવસો હતા
       જ્યાં હું અંદરથી ખુદને ખૂબ ગમતી.
ખુદને ખૂબ ગમતી – Audio Version
Share this:

જન્મદિવસ માટે પરફેક્ટ ગિફ્ટ શું હોઈ શકે?

દર વર્ષે બર્થ ડે ગિફ્ટ માં શું આપવું? આની પાસે તો બધું જ હશે અને એને નહીં ગમશે તો? રિટર્ન કરી દેશે તો? કેક મંગાવો અને diet કરતાં હશે તો ? ફ્લાવર્સ તો અઠવાડિયામાં કરમાઈ જશે. આવા અનેક જાતના કેટલા પ્રશ્નો આપણને થતા હોય છે, જ્યારે કોઈ નજીકની વ્યક્તિનો જન્મદિવસ આવે છે. ‘The Magic’ બુક માંથી હું એક જ વસ્તુ શીખી ‘Gratitude’. આ વખતે અચાનક મને થયું કે દરેક વ્યક્તિ જે મારા જીવનની નજીક હોય એ વ્યક્તિઓ મને ક્યાં ક્યાં મદદરૂપ અથવા મારા જીવનના ગ્રોથમાં એમને શું ફાળો આપ્યો? મારી સાથે જીવનમાં વિતાવેલી એવી દરેક પળો જેના માટે હું એમને આભારી છું, યાદ કરીને જેટલી પણ યાદ આવે એક ‘Thank you Letter’ લખીશ. 5 વર્ષ 10 વર્ષ કે પછી 20 વર્ષ પછી પણ એ લેટર વાંચશે તો સંબંધો વધુ મજબૂત કરશે અને હંમેશા માટે યાદ રહી જશે. જ્યારે આપણે કોઈને થેન્ક્યુ કહીએ છીએ ત્યારે એને પણ નવી યાદો બનાવવાનું મન થાય છે. જ્યારે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આપણા પ્રેમમાં વધારો થાય છે અને નેગેટિવિટી દૂર થાય છે.

હું મારા પરિવાર સાથે કેટલાય વર્ષોથી આ લેટર લખવાની રીત કરું છું. અમારામાંથી કોઈનો પણ જન્મદિવસ આવે એના માટે બધાએ લેટર લખવાનો અને સાથે બેસીને વાંચવાનો. તમે વિચારી પણ નહીં શકો કે સામેવાળી વ્યક્તિને કેટલું સ્પેશિયલ ફિલ થશે અને best birthday gift પણ મળશે. એ વ્યક્તિને તમારી લાગણી એક એક શબ્દોમાં દેખાશે. જરૂરી નથી કે લેટર લાંબો હોવો જોઈએ, તમને ત્રણ ચાર કે દસ જે કિસ્સાઓ યાદ આવે એ લખીને થેન્ક્યુ કહેવું. જયારે લખવા બેસસો, તો હું ખાત્રી આપું છું કે તમને કેટલી મેમરીનો ખજાનો મળી જશે.

ફોનમાં મેસેજ લખો કે છે કોઈને પત્ર લખો. તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે લખો. મારા હિસાબે હાથથી લખેલો પત્ર ખૂબ લાગણી ભર્યો લાગશે અને એક બીજું સજેશન છે કે જ્યારે આ લેટર તમે આપો ત્યારે તમે ખુદ વાંચી શકો એવો પ્રયત્ન કરવો કારણ કે તમે જે ફીલિંગ્સ થી લખ્યો હશે એ તમે તમારા શબ્દોમાં કહી શકશો. વિચારી લો ઘરમાં  નેક્સ્ટ birthday કોની આવે છે? આ રીતે આખું પરિવાર એક સાથે બેસીને જૂની યાદો પણ તાજી કરી શકશે. લઈ લો પેપર અને પેન, લખી લો એ વ્યક્તિની જગ્યા તમારા જીવનમાં શું છે અને આપી દો best ગિફ્ટ એ પણ full of love અને emotions સાથે. આમાં તમે તમારા નજીકના મિત્રોને પણ જોડી શકો છો. જે લોકો તમારા જીવનમાં નજીક હોય, આજે અમે લગભગ ચારથી પાંચ ફેમીલી ભેગા થઈને આ લેટર લખીને વાંચીએ છીએ. તમે વિચારી શકો કે જ્યારે 16 થી 17 જણા એક વ્યક્તિને માટે લેટર લખે અને વાંચે એના જન્મદિવસ પર તો એને કેટલું સ્પેશિયલ ફીલ થતું હશે, કેટલી જૂની યાદો તાજા થઈ જતી હશે, કેટલી લાગણીઓ ઉભરાતી હશે અને કેટલો પ્રેમ એમાં દેખાતો હશે. નેક્સ્ટ ટાઈમ મારી બર્થ ડે પર પણ મને એક letter લખીને મોકલજો. Thank you.

Example માટે હું એક નાનો લેટર attach કરું છું જે મેં મારી દીકરી ના જન્મદિવસ પર એને લખ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~
મારી વહાલી Preet, Happy Birthday! :balloon:

આજે મેં તારા માટે એક ગ્રેટીટ્યુડ લેટર લખ્યો છે. મને તું વિપસ્સના પણ ખૂબ યાદ આવતી હતી. આ મન કેટલું ચંચળ છે કે વારંવાર કશે બીજે જતું રહે છે પણ તું મને ત્યારે પણ સપોર્ટ કરતી હતી અને કહેતી, ‘I am so proud of you mom, you can do anything.’ બીજો જ દિવસ હતો અને મન થોડું ઢીલું થઈ ગયું હતું અને તારો અવાજ પાછળથી આવ્યો, ‘Don’t give up mom. You never give up.’

Thank you for so many things, Preet.
– તારા આવવાના સમાચારથી જયાં સુધી તું દુનિયામાં આવી એટલે કે નવ મહિના સુધી તારા પપ્પા મને કસે મૂકીને નહીં ગયા અને મારી બધી તકલીફોમાં સાથ આપ્યો અને ઉભા રહ્યા તો તારા કારણે પપ્પા મારી સાથે રહ્યા એની માટે તને thank you.
– સૌપ્રથમ તારા કારણે હું પહેલીવાર ‘મા‘ બની. મને પહેલી વાર કોઈએ મમ્મી કીધું એના માટે દિલથી તારો આભાર.
– નાની હતી ત્યારથી તુ બધી જ બાબતમાં ખૂબ પરફેક્ટ રહેતી અને તને જોઈને મને પણ થતું કે કેટલું પરફેક્ટ રહે છે ભલે તે નોટબુકમાં લખવાનું હોય કે તારી વસ્તુઓને વ્યવસ્થિત રાખવાની હોય તો પ્રીત મને તારા જેવી પરફેક્ટ બનાવવા માટે thank you.
– જ્યારે જ્યારે પણ હું બીમાર પડતી કે ક્યારેક ન બનતો બનાવ પણ બનતો. તું હંમેશા મારું ધ્યાન રાખતી અને મારી care કરતી એના માટે તને thank you.
~~~~~~~~~~~~~~~~~~~~
મેં અહીં આ રીતે ઘણી જૂની યાદો એની સાથેની લખી છે અને એનો આભાર વ્યક્ત કર્યો છે. હવે તમે જ વિચારો કે એને એના બર્થ ડે પર આનાથી વધારે શું ગિફ્ટ મળી શકે?

જન્મદિવસ માટે પરફેક્ટ ગિફ્ટ શું હોઈ શકે? – Audio Version
Share this:

યાદ આવશે

કોયલ નો મીઠો કલરવને
સાથે વાત તો ચાર વાગ્યાનો ઘંટ યાદ આવશે!

નાસ્તાની ડીશ લઈને 
દિવાલ પર લખેલો 107 નંબર યાદ આવશે!

ચાલતા ચાલતા સવારના 
સંભળાતા ગુરુજીના દુહા યાદ આવશે!

મૌન લઈને જેની સાથે રહી 
એ સૌના ચહેરા યાદ આવશે!

100 જણા મળીને ધ્યાનમાં કલાકો બેસતા 
ને વળી જે ઉર્જા મળતી ખૂબ યાદ આવશે!

આ વીતેલા દસ દિવસની તમામ વાતો 
ને ગુરુજીના પ્રવચન યાદ આવશે!

મારા જ મન સાથે વિતાવેલો સમય 
એને એકાગ્ર કરવાના પ્રયત્નો યાદ આવશે!

ખાલી હાથે ગઈ  હતી 
કેટલું જ્ઞાન લઈને આવી મને ખૂબ યાદ આવશે
મને ખૂબ યાદ આવશે !

યાદ આવશે – Audio Version
Share this: