
દરેક ધર્મનાં મૂળમાં શું શીખવાનું હોય છે ? ‘વિકાર વગરનું મન અને સમતા’ પછી કેમ આપણે ધર્મોને અલગ અલગ નામ આપી દીધા છે? આજ વાત અમે અહીં સમજી રહ્યા હતાં.
આસક્તિ અને રાગ બંને મૂળ આપણા દુઃખના કારણ છે. પરિવાર યાદ આવે એટલે રાગ આવે અને રાગ આવે એટલે આસક્તિ આવે જ. ત્યાં રહીને એકવાત પાકી હતી કે કોઈપણ વ્યક્તિ માટે ખરાબ કે ખોટા વિચાર મારા મન પાસેથી પસાર નહોતો થતાં. બધા જ મને સારા લાગતા હતા, બધા જ માટે મનમાં ભારોભાર લાગણી હતી. અંદરથી શાંતિનો અનુભવ કરતી હતી. નવમા દિવસ સુધી હું દરેક રાત લગભગ ત્રણ કલાકથી વધુ સુતી નહોતી પણ આખા દિવસની એ એનર્જી ક્યાંથી આવતી હતી, એ સાચે જ એક ચમત્કાર જેવું હતું.
વિપસ્સના એટલે સમતા, મનની એકાગ્રતા. મનના દરેક વિકારને શાંતિથી બસ જોયા કરવા અને એ અનિત્ય છે એવો ભાવ સતત રાખવો. આપણે લગભગ બધા જ ધર્મમાં કે સંતો પાસેથી રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ કે માયા આ શબ્દો સાંભળ્યા જ હશે, અંતે આમાંથી છૂટવાનું છે એ જ સમજાવવામાં આવ્યું છે. પણ શું આપણે અનુભવ કર્યો ? દસ દિવસ સતત અહીંયા આજ અનુભવ કરવાનો પ્રયત્ન કરાવતા. કરુણા અને મૈત્રી શીખવાડતા, જે સાચો ધર્મ છે.
ગોએંકાજીના પ્રવચન જેમ જેમ સાંભળતી ગઈ, ઘણું સમજતી ગઈ. અમે દિવસના 10 કલાક માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કરતાં અને મનની સંવેદનાઓ એટલે કે આપણા શરીરના ઊઠતા સ્પંદનો ગરમી, ઝણઝણાટી, નમ, દુખાવો વગેરે વગેરે… બસ જે થતુ એને જોયા કરવું. જ્યારે પણ ટીચરને કહેતી મન એક જગ્યા પર રહેતું જ નથી એ તરત જ સમજાવતા કે આ જ તો શીખવાનું છે કે મનને આપણા કહ્યામાં કેમ રાખવું. એ જ રીતે પાછા ધ્યાનમાં બેસી જતા.
જ્યારે એક કલાક એક જ સ્થિતિમાં બેઠા હોઈએ અને જરા પણ હલીએ નહીં એને અધિષ્ઠાન કહેવાય. તમે માની પણ નહીં શકો કે હું ગઈ ત્યારે 15 મિનિટથી વધુ એકજ સ્થિતિમાં બેસી નહોતી શકતી પણ હવે ૬ દિવસ પછી એક જ જગ્યા પર બે કલાકથી વધુ અધિષ્ઠાનમાં બેસી શકતી થઈ ગઈ હતી. મનની સાથે સાથે શરીરનું પણ પ્યોરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ થતું. જે દુખાવા માટે હું બીજી જ રાતે ખૂબ રડી હતી કે હવે બેસી જ નહીં શકું, મારી રાઈટ સાઈડ કમરથી લઈને પગ સુધી ભયંકર દુખાવામાં હતી. એ દુખાવો મને ચોથા દિવસ પછી એકવાર પણ આવ્યો નહોતો. આ જ આપણું મન છે એને જેમ વાળવું હોય વાળી શકીએ પણ આપણે મનને જે કરવું હોય એ કરતા થઈ જઈએ છીએ.
આપણે ફીટ રહેવું હોય અને બાજુ વાળો કસરત કરે તો શું આપણને રિઝલ્ટ દેખાવાનું છે? એવી જ રીતે આપણા મન પર કાબૂ કોઈ ગુરુ કે ટીચરના પાસેથી મળી નથી જવાનું આપણે જાતે જ પ્રયત્ન કરવાનો છે. આ દસ દિવસમાં જ્યારે વિચાર કરતી ત્યારે લાગતું કેટલી મોહ માયા લઈને બેઠી છું. કેવો સ્વભાવ છે દરેક મનુષ્યનો એક પછી બીજી અને બીજી પછી ત્રીજી ઈચ્છાઓ તૈયાર જ હોય. આપણી ઈચ્છાઓ ઉપર કોઈ સ્ટોપ બટન છે જ નહીં. કોઈપણ વાતમાં સો ટકા ખુશી મળે ખરી? મનને ક્યારે પણ સંતોષ જ નથી હોતો. આ લગભગ છ દિવસ સુધીની વાત હશે, મન એકદમ હવે શાંત થઈ ગયું હતું. જેને પણ મારાથી દુઃખ પહોંચ્યું હોય એને અંતરથી હું માફી માંગી ચૂકી હતી.
મને હવે બધા એટલા યાદ નહોતા આવતા જેટલું મને પહેલા ત્રણ દિવસ દુઃખ થયું હતું. હું મારા જ મનને સમજવાની પૂરી કોશિશમાં હતી. આજના દિવસમાં મને મારા સ્વભાવમાં બદલાવ લાગી રહ્યો છે. કોઈ કેટલું પણ બોલી જાય ,મારું મન પહેલાની જેમ તરત જ અકળાઈ નથી જતું. અંદરથી અવાજ આવતો અને કહેતુ આ અનિત્ય છે. ઘણી અવેરનેસ આવી ગઈ હોય એવું મને લાગવા લાગ્યું છે. દુઃખ ચોક્કસથી થતું કારણ કે મારાથી કોઈને તકલીફ પહોંચી પણ હવે એનું પણ ધ્યાન રાખતી થઈ ગઈ છું .મને મારામાં જ બદલાવ દેખાવા લાગ્યો છે અને આ બદલાવ મને સાચે અંદરથી ગમવા લાગ્યો છે કારણ કે હું અંદરથી એકદમ શાંતિ અનુભવુ છું. હજુ ઘણું આગળ જવાનું છે અને ઘણું શીખવાનું છે.
મૈત્રીનો અનુભવ છેલ્લા અંકે…