રોજ તને મનાવવાનું મારાથી નહી બને,
ને તારી સાથે વાત ના કરું મારાથી નહી બને.
તું રોજ બહાના શોધીને રાખ મને સમજાવવાનાં,
પણ આમ સાથે રહેવું મારાથી નહી બને.
હું અઢી અક્ષરની વાત સમજી ગઈ બધી,
પણ તને સમજાવવું મારાથી નહી બને.
તું રોજ વરસાદને ભલે બારીએથી જોજે,
પણ સાવ કોરા રહેવાનું મારાથી નહી બને.
તું મને યાદ કરે કે ના પણ કરે, દોસ્ત,
તને ભૂલી જવાનું મારાથી નહી બને.
સાચવી લે જે આ સંબંધને ચેતવી દઉં છું,
જતી રહીશ તો પાછી લાવવી તારાથી નહી બને.
બાળપણના દિવસો યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને મલકાવી જાય છે.
રીક્ષામાં છુપાઈને ખાધેલા ફાફડા જલેબી યાદ આવી જાય છે,
સ્કૂલેથી ભાગી ખાધેલા બ્રાન્ટોના ઢોસા યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને હસાવી જાય છે.
ઉપરથી ફેંકેલા સરના માથા પર પડેલા દફતરોની યાદ આવી જાય છે,
મિત્રો સાથેની કાઈનેટીકની સવારી યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મને ખડખડાટ હસાવી જાય છે.
સુરતના રસ્તાઓ પર હોર્ન મારી મારીને રખડવાના દિવસો યાદ આવી જાય છે,
કારણ વગર કરેલી સ્કૂલમાં સ્ટ્રાઇકો યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મનને મસ્ત કરી જાય છે.
આખી રાતો મિત્રો સાથે કાળીની રાણી રમવાના દિવસો યાદ આવી જાય છે,
સાંજ પડેને બિલડીંગ નીચે સંતાકૂકડીની મજા યાદ આવી જાય છે,
મારા જ કરેલાં તોફાનો મનને ખુશ કરી જાય છે.
ભાઈ-બહેન સાથે કરેલા મીઠા ઝઘડા યાદ આવી જાય છે,
પપ્પા-મમ્મીની ક્યારેક પડતી વઢ યાદ આવી જાય છે,
આ યાદો ક્યારેક મારી આંખ ભીની કરી જાય છે.
બાળપણના દિવસો યાદ આવી જાય છે,
હમેશાં મારા મનને શાંત કરી જાય છે.