હમસફર

મારા માટે તારા પ્રેમની સીમા,
મારા માટે તારા દુ:ખની સીમા,
હું અટવાતી જ રહું છું,
મારા જ મનના હાથે.

દુ:ખી છું માટે જ દુ:ખને સમજુ છું
તારા પ્રેમ અને લાગણીને સમજુ છું,
પણ કાશ તું સમજી શકતે,
મને અને મારી વ્યથાને.

તારી જ છું તારી જ રહીશ,
કહેતા નથી આવડતું,
પણ તું જ છે ‘હમસફર’,
જેની હું હમેશાં છું, અને રહીશ.

Share this:

લાગ્યું મનને

નજરથી તમને ક્યાંક જોયા હતાં,
એવું લાગ્યું આજે મનને.

નજરો મળી ને નમી હતી ત્યારે,
એવું લાગ્યું આજે મનને.

ખોલી નજરો ત્યારે જોયાં તમને,
એવું લાગ્યું આજે મનને.

એ જ નજરથી વહી અશ્રુની ધાર,
એવું લાગ્યું આજે મનને.

દિલ તૂટ્યું ને સપના પણ તૂટ્યાં,
એવું લાગ્યું આજે મનને.

નથી આજે એ નજર મારી પાસે,
જે તમને સમજી શકે કે તમારી બની શકે,
એવું લાગ્યું આજે મનને.

Share this:

પ્રીતમનગર

પ્રીતમનગરમાં પથરાઈ છે પ્રીત મારી,
આવજે એક જ રાહ છે તારી.

તું આવે તો આશાનો કિનારો આવે,
તું આવે તો સુખ ભરી સવારો આવે.

એકલતા મને ખૂબ તલસાવે છે તારી,
યાદો મને ખૂબ સતાવે છે તારી.

તારા મિલનની આશે અધીરી બનાવી છે મને,
ઝૂપડીને શણગારી મહેલ બનાવ્યો છે મેં.

મારી ઉદાસ આંખોને રાહ છે તારી,
મારા હૃદયનાં રુવેરુવમાં ચાહ છે તારી.

પ્રીતમનગરમાં આવી મીટ માંડીજો એકવાર,
સાચું કહું છું આવવું પડશે તારે વારંવાર.

Share this:

પ્રેમ જ મારી ભાષા

મનમાં એક નહીં હજારો આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

ક્રોધ કપટથી દુર રહેવાની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

ભૂખ્યાની ભૂખ તરસ્યાંની તરસ છીપાવાની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

કંઈક ન​વું કર​વાની કરીને કંઈક બન​વાની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

સપનાંઓ ઘણા છે મંજિલે પહોચવાની પૂરેપૂરી આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

ગયા વર્ષે ઘણું ફરી હજુ ફરવાની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

હસતી-હસાવતી રહું એજ હંમેશા મારી આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

ઘણું ન​વું શીખી, હજુ ઘણું શીખ​વાની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

પ્રેમ અને લાગણીથી દરેક ના મનમાં વસ​વાની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

ન થાય કોઇનું દિલ દુ:ખી મારાથી
એજ મારા દિલ ની આશા છે,
ન​વા વર્ષમાં પ્રેમ જ મારી ભાષા છે.

લાગણીનાં શબ્દોથી નીકીનીક​વિતાઓ લખ​વાની આશા છે,
સૌના મન જીતી સૌના મનમાં રહેવાની આશા છે,
બસ ન​વા વર્ષમાં સૌને પ્રેમ કરી પ્રેમથી રહેવાનીજ મારી ભાષા છે.

Share this:

હું અને આજનો સમય

આ આજનો સમય અને હું,
હું અને આ આજનો સમય
કોઈના રાહ છે પણ કોની?

આંખો રસ્તો તાકી રહી છે, પણ કેમ?
કોઈના વિના એકલડું લાગે છે, પણ તે કોણ?

કોઈ મનમાં ને મનમાં ઘૂંટાયા કરે છે,
જાણું છું છતાં કહી નથી શકતી,

વેદના એવી છે કે ચૂપ રહી નથી શકતી,
મન ભરાયું છે પણ રડી નથી શકતી,

જેની આશ છે તે સદા નિરાશા આપે છે,
કહું તો બદનામ થાય એ કોણ છે?

પણ જે છે તે એક પથ્થર છે એવું લાગી ગયું છે,
એ લાગવાનું કારણ મારું મન એને જાણી ગયું છે,
પણ કવિતાનો અંત કદાચ મારી તમન્નાઓનો અંત લાવશે એવું લાગી રહ્યું છે.

Share this:

એમ પણ બને

એમ પણ બને શોધું તને મધુવનમાં,
ને મળે તું મને વેરાન વનમાં.

એમ પણ બને દિલના દ્વાર ખખડાવું તારા,
ને કોઈ બીજુ પણ ખોલે.

એમ પણ બને દર્દો દિલના કહું તને,
ને કદાચ તારા નયનમાં આંસુ પણ ના જડે.

એમ પણ બને રોજ રોજ જોઈએ આપણે,
ને મુલાકાત માટે બહાનું પણ ના મળે.

એમ પણ બને તું હસાવે મને, ફસાવે મને,
ને હૃદયમાં ન પણ વસાવે મને.

એમ પણ બને કાગડો દહીંથરું લઈ જાય,
ને રૂડો હંસલો જોતો જ રહી જાય.

એમ પણ બને બધુ મળી જાય,
ને તારે પસ્તાવું પણ પડે.

એમ પણ બને મારી છેલ્લી ઘડી હોય,
ને તું મને જોવા પણ ના આવે.

એમ પણ બને આ બધું બને,
ને કશુંય ના પણ બને.

એમ પણ બને સંસારની મોહમાયામાં પડે તું,
ને આ ભવની તને સમજણ પણ ના પડે.

Share this:

ચાહત

મારી આંખ ખુલે, અને સામે હોય તું.
સવારે ચાલવા જાઉં , પડછાયામાં દેખાય જાય તું.

વરસાદનાં ટીપાં પડે, સ્પર્શી જાય તું.
જમવાં બેસુ, પહેલો કોળિયો જમાડી જાય તું.

મારી આંખોથી તારી યાદ વહે, એને લૂછી જાય તું.
ઊંઘ આવી જાય અને દરેક સપનામાં હોય તું.

હું ખુશ હોઉં, મારી ખુશી હોય તું.
આ પેન-પેપરની જેમ કાશ હંમેશાં મારી પાસે હોય તું.

મારા કરેલા ચિત્રોનાં, દરેક રંગમાં હોય તું.
ચાહું તને, બસ મારી ચાહતમાં રંગાઈ જાય તું.

કવિતા ભલે નીકીની હોય,
પણ એના શબ્દોમાં દેખાય જાય તું.

Share this:

તમને જોઈને પ્રેમ શીખ​વા જેવો લાગે છે

તમારો સાથ એક સથવારા જેવો લાગે છે,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

લાગણીનાં શબ્દો વગર પણ હરયો-ભરયો લાગે છે,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

તમારા મીઠાં ઝગડાંમાં પણ મીઠાશ લાગે છે,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

એક-મેકની ચિંતા કરતાં, હૂંફથી ભરેલો લાગે છે,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

તાલ અને રાસમાં બંને, જય જય શિવ શંકર જેવા લાગો છો,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

દિલમાં વસાવ્યા અમ સૌને, મન મોટું હમેશાં રાખો છો,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

બચ્ચી બચ્ચી કરતાં, કદી ના થાકતાં વરસાદ જેવા લાગો છો,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

તમારો સાથ એક સથવારા જેવો લાગે છે,
તમને જોઈને પ્રેમ શીખવા જેવો લાગે છે.

પ્રેમનાં અર્થની સમજમાં હું નાદાન છું એવું લાગે છે,
પણ તમને જોઉં તો પ્રેમ કરવા જેવો લાગે છે.
ખોટું નથી કહેતી પપ્પા-મમ્મી,
આજે પણ તમને જોઈને પ્રેમ સાચે જ શીખવા જેવો લાગે છે.

Note: I wrote this poem for my mother-in-law and father-in-law’s wedding anniversary this year. Those who know them personally would know few words/sentences I have written above. So if you are one of them and have understood those words/sentences, do let me know in comments below. 🙂

Share this:

મારી બહેના

હમેશાં મારો ખ્યાલ રાખતી હોય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં મને લાડ લડાવતી જાય છે.

તારી સ્નેહ ભરેલી વાતો સૌને અનોખી લાગી જાય છે,
દૂર દેશમાં તારો સાથ એક આશીર્વાદ બની જાય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

બધાંને સાચવતા પોતાને ભૂલી જાય છે,
ના ઓળખતાનાં પણ દિલમાં એક સ્થાન કરી જાય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

અવાજ ભલે મોટો છે તારો પણ તારી વાત દિલમાં ઘર કરી જાય છે,
તારો હસતો ચહેરો બધાંને ખુશ કરી જાય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

ખોટી હોઉં તો ખખડાવી પણ જાય છે,
સાચી હોઉં તો સત્ય બની અડગ ઊભી રહી જાય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

બાળકો સાથે બાળક બની જાય છે,
માસી મટી “મા” બની જાય છે,
જરૂર પડે મારી દોસ્ત બની જાય છે?
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

શાંત મને પ્રશ્નોનો ઉકેલ લાવી જાય છે,
અણસમજુને સમજણ આપી જાય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

તારા જન્મદિવસ પર તારી ખોટ વર્તાય છે,
તારા વગર આજે ઊજવણી અધૂરી રહી જાય છે,
નાની છે છતાં ક્યારેક મોટી થઈ જાય છે,
બહેના બહેના કરતાં લાડ લડાવતી જાય છે.

Note: Happy, happy birthday ગોટી. ????

So here’s your birthday gift. I am sure you must be smiling right now while reading this. I really wish you were here on your birthday. I miss you a lot. You mean a lot to me. Thank you for being around. Have fun in India and I hope to see you soon. ? ?

Share this:

એવું કેમ?

તું મને બહું ગમે છે, એવું કેમ?
તારી સાથે સમય વીતાવવો ખૂબ ગમે, એવું કેમ?

તારી સાથે વાતોનો અંત ન આવે, એવું કેમ?
તું મને બહું ગમે છે, એવું કેમ?

દિવસની શરૂઆત અને અંત પણ તું,
મારું સ્વપ્ન પણ તું અને હકીકત પણ તું,
મારું હાસ્ય પણ તું અને રુદન પણ તું, એવું કેમ?
તું મને બહું ગમે છે, એવું કેમ?

ન કરું વાત તો મન અકળાયા કરે,
ન જોઉં તને તો આંખ તને શોધ્યા કરે, એવું કેમ?

ન સાંભળું તને તો તારા જ પડઘા વાગે,
તું ના હોય તો મને એકલું લાગે, એવું કેમ?

મનમાં તારું જ ચિંતન ભમ્યા કરે,
તારી કલ્પનાથી મન મલકાયા કરે,
તારા સ્પર્શ વગર કંઈક અધૂરું લાગે, એવું કેમ?

આજે હું તને પૂછું છું,
તું મને બહું ગમે છે, એવું કેમ?
તારા વગર મને કંઈ ના ગમે, એવું કેમ?

Share this: