આજે તારા ફોટાને આલબમ લઈને બેઠી,
બાવીસ વર્ષની જાણે તારી સાથેની યાદો લઈને બેઠી.
પાના ફેરવતા મનમાં ખુશી તો,
અચાનક આંખમાં આસૂં લઈને બેઠી.
તારી દરેક ઉજવણીઓ જોઈ,
દિલનાં દરિયામાં લાગણીઓના મોજા લઈને બેઠી.
કેટલાય ફોટામાં તારી જીદ તો,
કેટલાયમાં તારી નાદાનીઓ લઈને બેઠી.
પપાનાં ખભા પર ચઢતા તો,
મને ઘોડો બનાવીને પણ બેઠી.
આજ ઘરમાં તારી સાથે દરેક પળોને જીવી,
હવે તને વળાવવાની તૈયારી કરવા બેઠી.
છલોછલ છે મન અને આંખો મારી,
કેમ કરીને વળાવીસ એ વિચારોમાં બેઠી.
તારા વગર દિવસો કેમ જશે મારા?
હકીકત તો આજ છે એમ કહીને મનને મનાવીને બેઠી.
આ સમય આટલો અઘરો કેમ છે?
કેમ તારી મજબૂત ‘મમ્મી’ એકદમ ઢીલી થઇને બેઠી.
Author: Nikki
વાર નથી લાગતી
મૂંઝવણો તો કેટલીય આવે,
મનને શાંત થતા વાર નથી લાગતી.
સમય ભલેને સારો કે ખરાબ હોય,
એને બદલાતા વાર નથી લાગતી.
સંબંધોમાં જો ગાંઠ બંધાઈ જશે,
તો એને વેરવિખેર થતા વાર નથી લાગતી.
ખુલાસા જો પોતાના સાથે કરી લઈએ,
તો લાગણીઓને મજબૂત થતા વાર નથી લાગતી.
કડવા શબ્દો બોલવાથી,
દિલોને દુભાતા વાર નથી લાગતી.
નફરત અને ગુસ્સાને છોડી દે દોસ્ત,
ધબકતા હૃદયને બંધ થતા વાર નથી લાગતી.
ધન્ય છે તને
જીવી રહ્યો છે રૂપાળી જિંદગી
છતા વિચાર કંઈક નવો કર્યો,
સરળ મજાનું જીવન છોડી
અઘરો માર્ગ પસંદ કર્યો,
ફોનમાં રમવાનો સમય હતો ને
હાથમાં તે ચરોવળો પકડ્યો,
સુંવાળી ચાદર અને પલંગ છોડી
સંથારામાં સૂવાનો નિર્ણય કર્યો,
ગાડી અને બૂંટ ચંપલનો ત્યાગ કરી
ઉઘાડા પગે ચાલવાનું પસંદ કર્યું,
ઇઝરાયલમાં મોટો થયો છતા
સંસ્કારોને તે તારા પકડી રાખ્યા,
દિલમાં માન છે તારા માટે હ્રિધાન,
તારા પ્રયત્નથી ધન્ય તે આખા પરિવારને કર્યો.
આપની ઋણી
તમે આવ્યા અમારે આંગણે તો મહેફિલ સજાવી દીઘી,
ઇચ્છા તો માત્ર બે સારા શબ્દો ની હતી અને તમે તો કવિતા રચી દીધી,
તાળીઓનાં ગળગળાટે આખા રૂમમાં જાણે સૂરોની રેલમ છેલ કરી દીધી,
માન એટલું આપ્યું આપે મુજને કે મારા જેવી નાની વ્યકિતને તમે લેખિકા કહી દીધી,
વાહ વાહ જ્યારે સાંભળી સભાની તો નીકીની જાનમાં જાન લાવી દીધી,
શબ્દોથી જ નહી , દિલથી માનું છું ઉપકાર આપનો,
આપે તો મને આપની ઋણી બનાવી દીધી.
નીકીના દિલનો હાલ

લખવાની આદતે આપ્યું એક લક્ષ્ય મને,
નિસ્વાર્થ પ્રેમ થયો કાગળ અને પેન સાથે મને,
મળી મનની શાંતિ ને અંતરનો આનંદ મને,
બંધ આંખે જોયા જે સપના, ખુલ્લી આંખે વળગ્યા મને,
કવિતા ભલે મારી પણ આપ સૌએ શબ્દો આપ્યા મને,
ગદગદ હૈયું મારુ ઊંડાણથી માત્ર આભાર છે તમને,
હાથમાં છે “નીકીની કવિતા” તો ખુશીનાં આંસુ આવ્યા પાંપણે,
દિલમાં ઉભરાયો ઉલ્લાસ ગજબનો,
કેવી રીતે વ્યક્ત કરું નીકીનાં દિલનો હાલ તમને.
થોડું જતુ કરીએ તો સારું
દુનિયામાં ભેદભાવ ના હોય તો સારું
બસ આ કારણ વગરની દેખાદેખીના હોય તો સારું
બધાં હંમેશા પ્રેમથી જ બોલે તો સારું
લોકો શું કહેશે એની ચિંતા ના કરીએ તો સારું
આપણે શું કરવું છે એના પર ધ્યાન આપીએ તો સારું
બીજા પર આરોપો મૂકવા કરતા ચૂપ રહી જઈએ તો સારું
મનુષ્યથી ભૂલ થવાની એ ખામીઓને અનદેખી કરીએ તો સારું
દરેક વ્યકિત શાંતિથી જીવે એવી અપેક્ષા રાખીએ તો સારું
પોતાના જ દુ:ખ પહોંચાડે છતાં થોડું જતુ કરીએ તો સારું.
The Audio Version of ‘થોડું જતુ કરીએ તો સારું’
જતા જતા મને વળગી લેજે
જતા જતા બસ મને વળગી લેજે.
નવ મહિનાના સારા અને ભારે દિવસો,
વજન કાંટા પર વધતા નંબરો,
થોડીવાર બેસીને ગણી લેજે,
જતા જતા બસ મને વળગી લેજે.
દરેક જન્મદિવસ પર તારી ચાર-ચાર પારટીઓ,
રોજ રોજની મારી એ દિલથી કરેલી તૈયારીઓ,
થોડીવાર બેસીને માણી લેજે,
જતા જતા બસ મને વળગી લેજે.
ઝઘડતાં જ્યારે કાઢતા વાંક એકબીજાનો,
ગુસ્સે જો હું થાઉં તો લઈ લેતા એકબીજાની વાર,
થોડીવાર બેસી તારા ભાઈને હૂંફ આપી દેજે,
જતા જતા બસ એને પણ વળગી લેજે.
દરેક ઇચ્છા પૂરી કરી જેણે તારી,
ઝઘડતી અકળાતી એમની દરેક મસ્તી પર તું,
થોડીવાર બેસીને પપાનો હાથ પકડી લેજે,
જતા જતા એમને દિલ ભરીને વળગી લેજે.
આખા પરિવારે કરેલો તને ભરપૂર પ્રેમ ,
દરેક પૂરી કરેલી તારી જીદો,
થોડીવાર બેસી સૌનો આભાર માની લેજે,
જતા જતા સૌને તું વળગી લેજે.
તારામાં વસે છે જાન મારી ,
જાણું છું વાત વાતમાં રડવાની આદત છે મારી,
થોડીવાર બેસીને મારા મનની હાલત સમજી લેજે,
જ્યારે પણ તને ફાવે બસ આવીને મને વળગી લેજે.
The Audio Version of ‘જતા જતા મને વળગી લેજે’
થાય તો સારું
મહેનત તો ખૂબ કરું છું બસ પરીક્ષામાં પાસ થાઉં તો સારું.
The Audio Version of ‘થાય તો સારું’
તને મળવું છે
તને મન ભરીને મળવું છે,
સામે જ બેઠા છીએ છતાં કહું છું
તને મન ભરીને મળવું છે.
એકબીજાને થોડું સમજવું છે,
મળીને ઘણું બધુ કહેવું છે.
વિચારોમાં વાતો કરતાં હવે અટકવું છે,
દિલ ખોલીને તને મળવું છે.
મનનું મનમાં રહી ગયું ,
હવે મન ભરીને રડવું છે.
સંભાળી લે અને સાંભળી લે,
તને વળગીને બસ એટલું જ કહેવું છે.
The Audio Version of ‘તને મળવું છે’
મૌન
આજે એક અક્સમાત બન્યો,
અને હું થોડી સ્તબ્ધ થઇ ગઈ.
શબ્દોની મારામારી એવી બની,
ને સંબંધો સાથે અથડાઈ ગઈ.
દિલ અને દિમાગ સામે,
લડતા લડતા હું ડગમગાઈ ગઈ.
અકળામણ જયારે પોતાના સાથે બની,
ક્ષણભર માટે હું બસ ભાગી ગઈ.
રસ્તો પકડ્યો મેં જ્યારે શમતાનો,
ખુદમાં જ થોડી અલોપ થઇ ગઈ.
મન થયું મારું શાંત અને હળવું,
જ્યારે મિત્રતા મારી ‘મૌન’ સાથે થઇ ગઈ.
The Audio Version of ‘મૌન’