આમ કેમ પસંદ કર્યુ?

સાથે રહેવાના સો કારણ હતા
છતાં જતા રહેવાનું પસંદ કર્યું .

ખુલાસા કરી ખુશ રહી શકાય એમ હતું
છતાં અબોલા રાખવાનું પસંદ કર્યું .

જૂની યાદોમાં મજાથી રહેવાય એમ હતું
છતાં થોડીક ભૂલોને દિલમાં રાખવાનું પસંદ કર્યું.

વાતોને જતી કરી શકાય એમ હતું
છતાં વધારવાનું પસંદ કર્યું.

વિચારોમાં હંમેશા ભેદભાવ રહ્યા
અને ઘણું સાથે ચાલવાનું આપણે પસંદ કર્યું.

માફી માંગી અને માફી આપી શકાય એમ હતું
છતાં દિલ તોડી દેવાનું પસંદ કર્યું,
આમ કેમ પસંદ કર્યું?

આમ કેમ પસંદ કર્યુ? – Audio Version
Share this:

શબ્દોના સફરની ઉજવણી

મારા લેખન સફરને ઘણા વર્ષો વીતી ગયા પરંતુ નીકીની કવિતા ને 18-08-2023 ના છ વર્ષ પૂરા થયા. મારો આ સફર ખૂબ જ અલગ અલગ અનુભવો પર રહ્યો છે અને મારા વિચારો આપ સમક્ષ મારી કવિતાઓ, વાર્તાઓ કે નાના લખાણ અને ઓડિયો દ્વારા રજૂ કર્યા.આ વિતેલા છ વર્ષમાં મને એક અદભુત સાહસ મળ્યું જેણે મને અને મારા વ્યક્તિત્વને ખુબ સરસ આકાર આપ્યો,જેની મેં કલ્પના પણ કરી ન હતી.


મારા વિચારોને શબ્દોમાં મૂકવાની ઈચ્છા અને જુસ્સાના સ્પાર્ક સાથે આ પ્રવાસની શરૂઆત થઈ. વર્ષોથી, મેં મારા લખાણમાં મારુ હૃદય રેડી દીધું. તમારા જેવા વાંચકો પાસેથી મને જે પ્રશંસા અને પ્રોત્સાહન મળ્યા એ જ મારી હિંમત બની ગઈ, જે મને દર વખતે કંઈક નવું અને સરળ આપ સૌ સુધી પહોંચાડવા પ્રેરિત કરે છે. મારા જ લખાણે મને ચોકસાઈ નિયમિતતા અને મારી જાત પર કેમ કાબુ રાખવો એવો અલગ આનંદનો અનુભવ કરાવ્યો. જ્યારે આપ સૌ મારા લખાણને પોતાની સાથે બનતા પ્રસંગો સાથે જોડો છો અને મને મેસેજ અને કોમેન્ટ કરો છો તો મને અંદરથી ખૂબ જ આનંદ મળે છે.


ગયા વર્ષે મારું સપનું સાકાર થયું, ‘નીકીની કવિતા’ પુસ્તક આપ સૌ સુધી પહોંચ્યું. મારા જીવનની એક સૌથી મોટી સફળતાનો મને અનુભવ થયો. ‘નીકીની કવિતા’ માટે મદદ થનાર દરેક વ્યક્તિની હું દિલથી ઋણી છું. જેમ જેમ હું ભવિષ્યનું વિચારું છું ત્યારે મને નવા નવા સપનાઓ સાકાર થતા નજરે આવી રહ્યા છે પણ સાથે પ્રશ્નો પણ થઈ રહ્યા છે, મારું લેખન મને ક્યાં સુધી લઈ જશે? કઈ વાર્તાઓ મારી રાહ જોઈ રહી છે? કઈ નવી ઘટનાઓ હજુ બનવાની છે જે મારા શબ્દો દ્વારા લોકો સુધી પહોંચશે? આ બધા પ્રશ્નો સાથે એક અલગ હિંમતથી આગળ વધવા માંગું છું. વાચકોને મારાથી એક સંતોષ મળે, ખુશી મળે અને ક્યાંક તો એમને ઉકેલ પણ મળે એવી ઈચ્છા રાખું છું.

મારી સાથે આ પ્રવાસમાં ભાગ બનવા બદલ આભાર. તમારો પ્રોત્સાહન, પ્રતિસાદ અને હાજરી મારા માટે અમૂલ્ય છે. હું આવનારા વર્ષોમાં તમારી સાથે મારા વિચારો અને વાર્તાઓ કે કવિતારૂપી શેર કરવા ખૂબ જ ઉત્સાહિત છું.

Thank you 🙏🏻

શબ્દોના સફરની ઉજવણી – Audio Version
Share this:

હક છે મને

મારા પ્રેમ ઉપર પૂરેપૂરો
       હક છે તને

દરરોજ મારી સાથે ઝઘડવાનો
         હક છે તને

નારાજ રહીને વાત ના કરવાનો
         હક છે તને

આખી દુનિયાનો ગુસ્સો મારા પર ઉતારવાનો
           હક છે તને

વાત ન કરીને દૂર રહેવાનો
        હક છે તને

મારો હાથ આમ અડધી રસ્તે છોડીને જવાનો
        હક છે તને

રસ્તામાં મળે ને નજર ફેરવવાનો
       હક છે તને

મારી ચિઠ્ઠીઓના જવાબ ન આપવાનો
        હક છે તને

ભલે તું મને પ્રેમ ના કરે પણ તને પ્રેમ કરવાનો
              હક છે મને

હક છે મને – Audio Version
Share this:

કાલ ક્યાં જોઈ છે?

અરે થંભી જા કંઈક તને કહેવું છે
ફાવે જો તને તો મુલાકાત પણ લેવી છે.

એકબીજાના ધબકાર સંભળાય એવી રીતે વળગવું છે
બસ દરરોજ તારી સાથે એક મુલાકાત લેવી છે.

આંખો ઝુકાવીને આમ કેમ ઊભા છો
નજરથી નજર મેળવીને દિલની વાત કહેવી છે

નારાજ તો હું પણ છું
જીવનમાં શું એકબીજાને માત્ર ફરિયાદ જ કરવી છે?

સમજીએ આમ જો હૃદયથી તો
ચૂપ રહીને ઘણી વાતો કરવી છે.

રસ્તાઓ ભલેને બદલાયા પણ
આખી જિંદગી આમ જ રાહ જોવી છે.

દિલ ખોલીને વાત કરી લે દોસ્ત
કાલ તો તે પણ ક્યાં જોઈ છે?

કાલ ક્યાં જોઈ છે? – Audio Version
Share this: