
ધમ્મ પતન વિપસ્સના સેન્ટર પહોંચ્યા બાદ બધા સાથે લાસ્ટ વિડીયો કોલ પર વાત કરી ત્યારે એક મિનિટ માટે આંખો ભરાઈ ગઈ, હવે હું આ બધા સાથે દસ દિવસ વાત નહીં કરી શકીશ. 25 વર્ષમાં પહેલીવાર હું મિતેન સાથે દસ દિવસ વાત નહોતી કરવાની એને જોઈ નથી શકવાની, મારા માટે ખૂબ અઘરું હતું. ફોન બંધ કરતી વખતે પાછો જાણે કરંટ આવ્યો,હવે હું મારા બાળકોનો અવાજ દસ દિવસ સુધી સાંભળી શકીશ નહીં, કેવી રીતે રહીશ? ખૂબ ભરાઈ ગઈ. પહેલી રાત્રે ધ્યાન કર્યા બાદ બધાનું જ મૌન હતું. અમે લગભગ સો(૧૦૦) થી વધુ જણ ત્યાં હતા. ત્રણેય રાતે મને ત્રણ કલાકથી વધુ ઊંઘ આવી નહોતી, એમાં પણ બે ચાર વાર જાગી જતી. મને એ રાતો બરાબર યાદ છે. દિવાલો સાથે વાતો કરતી, ક્યાં તો મિતેન ત્યાં હોય અને એની સાથે વાતો કરતી. તકિયામાં મોઢું રાખીને ખૂબ રડતી.
બીજો દિવસ બરાબર યાદ છે 10 કલાકના ધ્યાન પછી મારી કમર ખૂબ દુઃખી રહી હતી રૂમમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી, ને લાગી રહ્યું હતું કે શું મેં ખોટું કર્યું અહીંયા આવીને? ત્યાંની બધી વ્યવસ્થા ખુબ સરસ હતી AC રૂમ, સાડા છ વાગ્યે નાસ્તો, 11 વાગ્યે ફુલ જમવાનું અને પાંચ વાગ્યે છેલ્લો નાસ્તો લીંબુ પાણી, મમરા અને વોટરમેલન, છતાં પણ એક પણ રાત ભૂખ નહોતી લાગતી. દિવસમાં લગભગ દોઢ કલાક જેટલું વોક પણ કરવાનો સમય મળી જતો. બધું આપણા મન પર છે જેમ વાળો એમ વળી જાય છે પણ આપણે મન જેમ વાળે એમ વળતા હોઈએ છીએ. મારું મન હજુ ત્યાં સુધી લાગતું નહોતું. મને બધાની ખૂબ યાદ આવતી હતી માટે હું મારા ટીચર પાસે ગઈ, (મૌન હોય ત્યારે તમે ટીચર સાથે વાત કરી શકો) મેં ટીચર ને કહ્યું, ‘મને અહીંયા નથી ગમતું અને ઘરે જવું છે. ‘ટીચરે પૂછ્યું, તને શું થાય છે? મેં એમને મારા મનની વાત કરી, મને ઊંઘ નથી આવતી અને હું એકલામાં બધા સાથે વાતો કર્યા કરું છું. ટીચરે શાંતિથી સમજાવ્યું કે તારી વાતો એ લોકો સુધી પહોંચતી જ હશે પણ જ્યારે તને ઊંઘ ના આવે ત્યારે તું શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખ એને જોયા કર. ટીચરનુ માન રાખવા એક વાર પ્રયત્ન કરવાનું નકકી કર્યું.
આ ત્રણ દિવસમાં એક ચમત્કાર મેં જોયો, ના તો મને કોઈ માટે ક્રોધ આવ્યો, ઈર્ષા આવી કે કોઈપણ વ્યક્તિ માટે કંઈ ખરાબ વિચાર્યું. એ દશામાં ત્યાં હું મારા અવગુણો, મારી ભૂલો જોઈ રહી હતી. જે વ્યક્તિઓ સાથે મને ફાવતું નહોતું કે મારા સંબંધો બરાબર નહોતા એ બધાની એક પછી એક તમામ સારી વાતો મારી સમક્ષ આવવા લાગી. એમની સાથે વિતાવેલા સારા દિવસો મારા નજર સામે આવવા લાગ્યા. મને એકદમ યાદ છે મારો ત્રીજો દિવસ અને સવારે 8:00 થી 11:00 નું ધ્યાન નો સમય મને ઘણી વ્યક્તિઓના માત્ર ગુણો જ દેખાવા લાગ્યા. આ બધા જ સારા છે, તો પ્રોબ્લેમ પછી ક્યાં છે? ત્યારે અંદરથી જવાબ આપ્યો, ‘આપણું મન’. મારી આંખોમાંથી સંવેદના રૂપે આંસુ વહી રહ્યા હતા મારા કર્મો જાણે તૂટી રહ્યા હતા. એકદમ ચંચળ છે આપણું મન એને જે કરવું હોય એ જ કરાવે છે અને ગમવું હોય તો ગમાડે નહીં તો ખરાબ લગાડે. હંમેશા આપણે આપણા મનના વસમાં હોઈએ છીએ. શ્રી ગોએંકાજીએ એમની પંક્તિમાં કહ્યું છે, આપણા વશમાં મન હોવું જોઈએ નહીં કે આપણે મનના વશમાં. મારા મોટા કાકા અને ચિરાગભાઈ ને દિલથી થેન્કયુ જેમના કારણે હું આ 10 દિવસ ની સાધના માટે હિંમત પણ કરીને આવી શકી. ત્રીજો દિવસ ખુબ જ સરસ ગયો. મન એકદમ હલકું થઈ ગયું.
મારી સાથે જે અનુભવો થયા જરૂરી નથી કે દરેક વ્યક્તિ સાથે એવા જ અનુભવો થયા હોય, દરેક વ્યક્તિના અનુભવો અલગ અલગ હોઈ શકે. આપણે કહેતા હોઈએ છીએ ને કે કેરી ખૂબ મીઠી છે પણ જે ખાય એ જ સમજી શકે કેવી અને કેટલી મીઠી છે. હું તમારા સુધી મારા અનુભવ ચોક્કસથી પહોંચાડી પણ જ્યાં સુધી તમે અનુભવ નહીં કરો તે તમારા સમજની બહાર જ છે. 10 કલાક બેસ્યા પછી પણ ઊંઘ ના આવે અને સવારે ચાર વાગ્યે ધ્યાન માટે હું એકદમ રેડી થઈ તૈયાર હોવું અને ધ્યાનમાં મને જરા પણ ઊંઘ ના આવે એ મારા માટે ચમત્કાર થી કંઈક વધુ જ હતું. ત્રીજા દિવસે હિંમત થઈ કે હું આગળ વધી શકીશ અને મેં નક્કી કર્યું કે હું સાધનામાં આગળ વધીશ. બીજા ઘણા અનુભવો છે હું જરૂરથી તમારા સાથે શેર કરીશ.
Thank you