શું ફરક પડે છે

દિલથી જોડાયેલા હોઈએ
તો પછી દૂર હોઈએ કે નજીક
શું ફરક પડે છે..

સમજતા એકબીજાને હોઈએ
તો વાત કરીએ કે ના કરીએ
શું ફરક પડે છે..

મનથી જો ગમતા હોઈએ એકમેકને
તો રોજ મળીએ કે ના મળીએ
શું ફરક પડે છે..

ખુશ હોય તું હંમેશા
ભલેને કોઇ બીજા સાથે હોય
શું ફરક પડે છે..

કદર લાગણીઓની હોય જ દોસ્ત,
તારા માનવા કે ના માનવાથી
શું ફરક પડે છે..

શું ફરક પડે છે – Audio Version
Share this:

શાંત રહેજે

કોઈ કઈ કહી દે તો અંદરથી શાંત રહેજે
વિચારોના વાવાઝોડામાં થંભીને શાંત રહેજે

અસંખ્ય સુખો છે આપણા જીવનમાં
થોડા દુઃખો આવી જાય તો શાંત રહેજે

સારા દિવસો અને સારી વાતો રોજ બનશે
નાનકડા અણબનાવ બને તો શાંત રહેજે

સાથે આપણી ઘણી વ્યક્તિઓ રહેશે
કોઈ જતું રહે તો ભૂલીને શાંત રહેજે

મીઠા શબ્દો સાંભળવા સૌને ગમે છે
ગુસ્સો ક્યારેક આવી જાય તો શાંત રહેજે

જીવનની દરેક પળને માણતો રહેજે
કેવી પણ પરિસ્થિતિ આવે બસ શાંત રહેજે

શાંત રહેજે – Audio Version
Share this:

એને પ્રેમ કહેવાય

મારા સપના તારી સાથે સાચા પડતા જાય
એને પ્રેમ કહેવાય!

કંઈપણ ના બોલું ને તરત તને સમજાય
એને પ્રેમ કહેવાય!

મારી આંખોમાં આંસુ વહે ને તું દુઃખી થાય
એને પ્રેમ કહેવાય!

મને હસ્તી જોઈને તું હસતો હોય
એને પ્રેમ કહેવાય!

મારી સાથે જેટલો પણ સમય વિતાવે ને ઓછો પડે
એને પ્રેમ કહેવાય!

દુનિયાનાં કોઈ પણ ખૂણામાં હોઉં ને મનમાં તું જ હોય
એને પ્રેમ કહેવાય!

મહેફિલોમાં કે એકાંતમાં નજર તને શોધે
એને પ્રેમ કહેવાય!

હંમેશા આપતો જ રહે અને સામે કોઈ અપેક્ષા ના હોય
બસ એને જ પ્રેમ કહેવાય!

એને પ્રેમ કહેવાય – Audio Version
Share this:

ખુદને ખૂબ ચાહું છું

અરીસાની નજરમાં, ખુદને પ્રેમથી નિહાળું છું,
કોઈ કંઈ પણ કહે હું ખુદને ખૂબ ચાહું છું.

લખીને મનને ખાલી, વાંચીને મનને રીઝાવું છું,
કોઈ કંઈ પણ કહે એકાંતમાં પણ ખૂબ ખૂદને માણું છું.

શરીરની સ્વસ્થતા સાથે ધ્યાન કરી મનને પણ સંભાળું છું,
કોઈ કંઈ પણ કહે હું ખુદની હંમેશા ખૂબ કાળજી કરું છું.

વાંચો તો ખુલ્લી કિતાબ નહીં તો સમજની બહાર છું દોસ્ત,
કોઈ કંઈ પણ કહે હું મારા જ દિલ પર રાજ કરું છું.

ક્યારે કડક તો ક્યારેક નરમ બની જાઉં છું,
કોઈ કંઈ પણ કહે મને ગમે એ જ રસ્તો અપનાવું છું.

દુનિયા ફરતા ફરતા બધા શોખ પૂરા કરું છું,
કોઈ કંઈ પણ કહે હું મજાથી જિંદગીને જીવું છુ.

આવી જ થોડી ગાંડી છું દોસ્ત,
મારા જ જન્મદિવસ પર ખુદને ‘Happy Birthday Nikki’ કહું છું,
કોઈ કંઈ પણ કહે ખુદને હંમેશા ખૂબ ચાહું છું.

ખુદને ખૂબ ચાહું છું – Audio Version
Share this:

ખુદને જરા ખંખેરી લેજે

મનનું મનમાં રાખતી નહીં,
જરૂર પડે ત્યાં બોલી લેજે.

ગૂંચવાળો થવાની રાહ ના જોતી,
ગાંઠો બસ ખોલી દેજે.

મુખ જોવા મળે ઉદાસ તો,
 સ્મિત તારું આપી દેજે.

ભીની આંખોને જોતા ની સાથે જ,
આંસુએના લુછી લેજે.

માન અને અભિમાનની બાજીમાં,
સ્વાભિમાનને સાચવી લેજે.

અંત ઘણા આવશે જીવનમાં,
દરેક ક્ષણને ખુલ્લા દિલથી જીવી લેજે.

કર્મોનો આ વળગાડ છે એવો,
ક્યારેક જરા ખુદને ખંખેરી લેજે.

ખુદને જરા ખંખેરી લેજે – Audio Version
Share this:

લખી એક ગઝલ મેં તારા પ્રેમમાં

લખી રહી છું એક ગઝલ હું તારા પ્રેમમાં,
રંગાઈ જાને તું પણ આજે મારા રંગમાં.

સાથ તારો લાગે છે જળ જેવો રણમાં,
તું જ મને મારો લાગે છે આ જગમાં.

સારા કર્મોના કારણે જ તો છે તું મારા જીવનમાં,
નહિતર ભટકતી હોતે કોઈ વનમાં.

હતો તું જ રાજકુમાર મારા સપનામાં,
રાજકુમારીની જેમ તે રાખી મને હકીકતમાં.

આંખો બંધ કરીને ઝૂમુ છું તારા વિશ્વાસમાં,
આ જન્મથી જ નહીં જન્મો જનમથી છું હું તારા પ્રેમમાં.

કંઈક ચમત્કાર હોય છે તારી લાગણીમાં,
એટલે જ તો હું ‘હું’ હોઉં છું તારા સંગમાં.

લખી રહી એક ગઝલ હું તારા પ્રેમમાં,
રંગાઈ જાને તું પણ આજે મારા રંગમાં.

લખી એક ગઝલ મેં તારા પ્રેમમાં – Audio Version
Share this:

સાઠ (60) પછી શું?

હું અને મારાથી લગભગ દસથી પંદર વર્ષ મોટા મારા એક મિત્ર એક સાંજે કોફી સાથે થોડી પોતાના મનની વાતો કરી રહ્યા હતા. હું એમને શાંતિથી સાંભળી રહી હતી. એમની વાતો મને એકદમ સાચી લાગી રહી હતી. 60 પછી શું? આજનો આ વિષય એમની સાથે કરેલી વાતોના કારણે જ આપ સમક્ષ આવ્યો છે.

નીકી, ક્યારેક ક્યારેક હવે હાથ ધ્રુજવા લાગે છે, શરીર થાકી જાય છે, આમ બોલ્યા પછી પણ એમના અવાજમાં રણકો હતો. ઉંમર તો ઉંમરનું કામ કરશેજ પણ દરેક વ્યક્તિએ એમની આવડત, શોખ, કળા કે જે પણ ગમતું હોય બેઠા બેઠા કરતા રહેવું જોઈએ. આ વાતો અને એમના મનને હું બરાબર સમજી રહી હતી. બાળકો મોટા થઈને એમના જીવનમાં વ્યસ્ત થઈ જશે અને કોઈની પણ પાસે અપેક્ષા રાખવાથી આપડે દુઃખીજ થવાય છે માટે આપણને જે વાતથી કે વસ્તુથી ખુશી મળતી હોય એમાં મન પરોવીને રાખવું જોઈએ.

શેનો શોખ છે તમને? તમારા પોતાની માટે તમે શું કરો છો કે શું કરવાનું ગમે છે? આવા પ્રશ્નો ખુદને પૂછવા જરૂરી છે અને એને અમલમાં મૂકવા પણ જરૂરી છે કારણ કે જ્યારે આપણે કંઈ નથી કરતા ત્યારે કંટાળી જઈએ છીએ અને પછી અકળાઈ પણ જઈએ છીએ. સૌપ્રથમ આપણે સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે જેના માટે શરીર પાછળ દરરોજ એક કલાક આપવો જરૂરી છે. શરીર સ્વસ્થ રહેશે તો ઘણું કરવાની ઈચ્છા આપોઆપ થશે.

રોજ દરરોજમાં આપણે વાંચવાનું, લખવાનું, ચાલવાનું, ધ્યાન કરવાનું કે કોઈ sports રમવાનું કે cooking, આવી ઘણી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. ખુદ સાથે દોસ્તી રાખવાથી હંમેશા ખુશ રહેવાય છે. શું તમારા જીવનમાં એવો કોઈ એક શોખ છે જેની સાથે તમે કલાકો વિતાવી શકો અને ના હોય તો હવે એ શોખ શોધી લેજો. કારણ કે આપણને બધાને આગળ જતા ખૂબ જરૂર પડશે. આપણી ખુશ રહેવાની ચાવી આપણી પાસે જ છે તો શા માટે બીજાને તકલીફ આપવી? મારા એ મિત્રની વાતોની મારા જીવનમાં જરૂરથી અસર થઈ છે. તમે શેની રાહ જુઓ છો? શરૂ કરી દો 60 પછીના સફરની તૈયારી…

Thank you! 🙏

સાઠ પછી શું? – Audio Version
Share this:

મને તું ખૂબ ગમે છે

થોડો ગુસ્સાવાળો છે,
પણ મને તું ખૂબ ગમે છે!

થોડો આળસુ અને થોડો જીદ્દી પણ છે,
પણ તારી જીદ પૂરી કરવાનું મને ખૂબ ગમે છે!

ખુદનું તું ધ્યાન નથી રાખતો,
પણ હંમેશા તારું ધ્યાન રાખવું મને ગમે છે!

ઘણું ઓછું બોલે છે તું,
છતાં તારી સાથે વાતો કરવાનું મને ખૂબ ગમે છે!

ઘણા સપનાઓ મારા બાકી છે,
પણ તારા સપના પુરા થતા જોઈ મને ખૂબ ગમે છે!

ખુદને ભૂલી જાઉં છું ઘણીવાર,
કારણ મને તારામાં રહેવું ખૂબ ગમે છે!

એક વાત પાકી છે જેવો પણ છે તું,
મારા દિલને માત્ર તું જ ગમે છે!

મને તું ખૂબ ગમે છે – Audio Version
Share this:

આવો દીકરો મને પણ દેજો

નજરે નિહાળીને જોઈ લેજો,
ના ગમી જાય તો મને કહી દેજો!

એકવાર બસ મળીને જોજો,
પ્રેમ ના થઈ જાય તો મને કહી દેજો!

વાત બે ઘડી બેસી જરૂરથી કરજો,
સમય ઓછો ના પડે તો મને કહી દેજો!

એકાદ દિવસ સાથે રહીને જોજો,
દિલમાં ઠંડક ના મળે તો મને કહી દેજો!

લાગણી એની ચોક્કસથી અનુભવજો,
છુટા પડતા રડી ના પડો તો મને કહી દેજો!

સાદાઈ અને સરળતા એની નજરેથી નિહાળજો,
માન ન થાય તો મને કહી દેજો!

નસીબદાર છું જરૂરથી માનજો,
કાળો ટીકો તમે પણ એક કરી લેજો!

મળીને એક વાર ભેટી લેજો,
દિલમાંથી અવાજ આવશે
આવો દીકરો મને પણ દેજો!

આવો દીકરો મને પણ દેજો – Audio Version
Share this:

શું કરું?

લખવું ઘણું છે,
પણ શહી પૂરી થઈ જાય તો શું કરું?

મનની વાતો ઘણી કરવી છે
પણ તું ના સાંભળે તો શું કરું?

આમ તો એકલી રહી શકું છું,
 પણ તારી યાદ આવી જાય તો શું કરું?

સાચું હંમેશા કડવું હોય છે,
પણ તને ખોટું લાગી જાય તો શું કરું?

તારા વગર ગમતું નથી,
પણ તું ના માને તો શું કરું?

આમ તો ખુલ્લી પુસ્તક જેવી છું
પણ જો તું મને ના સમજે તો શું કરું?

શું કરું? – Audio Version
Share this: