નવું વર્ષ, નવી રાહ

નવા લક્ષ્યો નવા ધ્યેય દેખાડશે
ઘણા નવા ને આ માર્ગમાં મળાવશે
અલગ ઊંચાઈઓ પર પહોંચાડશે
નવું વર્ષ નવી રાહ બતાવશે…

નવા પડકારો આવીને ટકરાશે
હિંમત અને શ્રદ્ધાથી આગળ વધારશે
સફળતાના નવા શિખરે પહોંચાડશે
નવું વર્ષ નવી રાહ બતાવશે…

નવા વિચારો નવી દિશા આપશે
અઘરું કે સહેલું કંઈક નવું કરાવશે
ભરપૂર હિંમત અને કાળજુ લાવશે
નવું વર્ષ નવી રાહ બતાવશે…

નવા સંકલ્પો દિલથી લેવાશે
સપનાને સાચા કરવાની કલા શીખવાડશે
હસતા રડતા આગળ વધારશે
નવું વર્ષ નવી રાહ બતાવશે..

નવું વર્ષ, નવી રાહ – Audio Version

Share this:

વચન તો આપવું પડશે

રીસાવાની આદત નથી મને,
પણ મનાવતા તો તારે શીખવું પડશે.
બોલાવું કે ના બોલાવું તને,
આવવું તો તારે જરૂરથી પડશે..

રંગીલી સાંજ હોય ને
હાથમાં મારા તારો હાથ હોય,
હું ગાઉં કે ના ગાઉં
શબ્દોના સૂરો તારે છેડવા પડશે..

ઠંડી સવારે દરિયા કિનારે,
મીઠી માટીની સ્પંદના કરતા,
 ને મોજાના વહેણમાં
 મારી સાથે ડૂબકી તો તારે મારવી જ પડશે..

જીવનના ઘણીવાર ચઢ ઉતારમા
હું તને કંઈ કહું કે ના કહું,
સાથ મારો તારે
જીવનભર આપવો જ પડશે..

ચાલતા રસ્તે ભૂલી જવાય
ને મંઝિલ થોડી દુર લાગે,
મને ક્યારેય એકલી નહિ મૂકે
એવું વચન તો તારે આપવું જ પડશે.

વચન તો આપવું પડશે – Audio Version
Share this:

એક શ્રદ્ધા

જ્યારે પણ બેસું તારી પાસે,
દરેક પ્રશ્નનો ઉકેલ આવી જાય..

કોણ જાણે કેમ અચાનક,
મારા મનને શાંતિ મળી જાય..

જ્યારે પણ કરું વાત તારી સાથે,
એક અલગ શ્રદ્ધા બેસી જાય..

બધું જ બરાબર થઈ જશે,
એવું એક આશ્વાસન મળી જાય..

જ્યારે પણ જોઉં તારા મુખને,
મારા મુખ પર પ્રસન્નતા છવાઈ જાય..

બંધાયેલી મારા મનની દરેક ગાંઠો,
અચાનકથી છૂટી જાય..

જ્યારે પણ પકડું છું હાથ તારો,
જીતની ઊંચાઈઓ પર તું લઈ જાય..

અઘરો માર્ગ પણ જાણે,
એકદમ સરળ બની જાય..

પ્રાર્થના છે મારા દિલથી તને,
જોજે આ શ્રદ્ધા ક્યારેય ન તૂટી જાય..

તારા પર છે વિશ્વાસ મને,
એ ક્યારેય ના ડગી જાય.

એક શ્રદ્ધા – Audio Version
Share this:

મારી માં

તારા કારણે આ જીવન છે માં,
તારા જેવા બનવું છે મારે માં.

ભટકી જાઉં કોઈ રસ્તે જો,
બની જાય છે માર્ગદર્શક તુ માં.

હિંમત ક્યારેક હારી જાઉં જો,
કાળા વાદળોમાં સૂરજનો રંગ છે તું માં.

 સપનાઓ મારા પૂરા કરવા હંમેશા તત્પર રહેતી,
પ્રેમથી ભરેલો દરિયો છે તું માં.

હું કેમ છું માત્ર એમ પૂછવા,
રોજ મને એક ફોન કરતી તુ મને માં.

 મારી દરેક ખુશી માટે દુનિયા સાથે લડતી,
એ માટે સદા તારી ઋણી છું હું માં.

મારી માં – Audio Version

Share this:

મને હું મળી ગઈ

હંમેશા સૌને ખુશ રાખવા જીવતી ગઈ,
પ્રેમથી, સેવાથી, મીઠા શબ્દોથી ભરતી ગઈ.

બધાની ઈચ્છાઓનું માન રાખતી,
છેલ્લે કોણ જાણે કેમ હવે થાકી ગઈ.

મળશે થોડો પ્રેમ મને પણ,
કોણ જાણે કેમ એવું ઇચ્છતી ગઈ?

ને પ્રશંસાના બે શબ્દોની રાહ,
આખી જિંદગી જોતી ગઈ.

દિલ દુઃખયુ ને દિલ તૂટ્યું ઘણીવાર,
જે થતું બસ જોતી ગઈ.

સમજશે મને પણ ક્યારેક,
એવું દિલને સમજાવતી ગઈ.

દિલથી હારી કે દિલથી જીતી ખબર નહીં,
બસ હું ના પાડતા શીખી ગઈ.

કોણ જાણે એવું લાગ્યું,
આજે પહેલી વાર મને હું મળી ગઈ.

મને હું મળી ગઈ – Audio Version

Share this: