મારા પપ્પા

મને ખૂબ વહાલા લાગે છે મારા પપ્પા,
બારથી કડક ભલે લાગે,
અંદરથી ખૂબજ કોમળ છે મારા પપ્પા.

પ્રભુની ભારોભાર ભકિત તો કરે,
પણ લોકો માટે અઠ્ઠમ કરે છે મારા પપ્પા.

ગુસ્સો ભલે કરે,
પણ લાગણીનો વરસાદ વરસાવે છે મારા પપ્પા.

દયા કરતા શીખવાડે છે,
અને દાન કરતા પણ શીખવાડે છે મારા પપ્પા.

સંસ્કારો ઘણા આપે છે,
પણ સત્યને હંમેશાં પૂજે છે મારા પપ્પા.

ભલે હંમેશાં દૂર હોય છે,
લાગે છે મારી સાથે મારા પપ્પા.

લખતા વાંચતા શીખવાડયું છે,
દિલથી તમને ચાહું છું મારા પપ્પા.

જિંદગી તમને આપી દઉ
મારું તો માન અભિમાન છે મારા પપ્પા.

આજકાલ મને ખૂબ યાદ આવે છે મારા પપ્પા,
કેમ કહું મને ખૂબ વહાલા લાગે છે મારા પપ્પા.

The Audio Version of ‘મારા પપ્પા’

 

Share this:

ક્ષમા

કરેલી ભૂલોનો ભાર ઓછો કરી લઈએ,
દુભાવેલા દિલોને દિલથી મનાવી લઈએ,
આજે બસ સૌની હૃદયથી ક્ષમા માંગી લઈએ.

કરુણાને અંતરમાં છલોછલ ભરી લઈએ,
લાગણી એવી રાખીએ કે બધાનાં મન જીતી લઈએ,
આજે બસ સૌની હૃદયથી ક્ષમા માંગી લઈએ.

જાણતા અજાણતાં કરેલી ભૂલોનો નિરાકરણ કરી લઈએ,
હસ્તાં હસ્તાં બસ આજે દિલને હળવું કરી લઈએ,
આજે બસ સૌને હૃદયથી ક્ષમા આપી દઈએ.

વેરનું જડથી વિસર્જન કરી લઈએ,
પ્રેમનું આપણે સર્જન કરી લઈએ,
આજે બસ સૌની હૃદયથી ક્ષમા માંગી લઈએ.

બે હાથ જોડી મસ્તકને નમાવી લઈએ,
દ્વાર દિલના ખોલી સૌ જીવોને ખમાવી લઈએ,
ક્ષમા માંગી અને ક્ષમા આપી જીવનનું સરવૈયું સરભર કરી લઈએ.

The Audio Version of ‘ક્ષમા’

Share this:

પ્રાર્થના

દિલથી કરું છું પૂજા તારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

કાળી રાતો વીતે જલદી,
શુભ સવારો આવે હળવી.

મનની મક્કમતા ડગે ના મારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

તૂટી ના જાયે હિમ્મત મારી,
સંભાળી લેજે હવે લાજ મારી.

દિલથી કરું છું પૂજા તારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

સચ્ચાઈથી લડું આ લડાઈ મારી,
બનીજા હવે તું ઢાળ મારી.

જાણું છું બધી ભૂલ છે મારી,
માટે જ સમયે આજે મારી છે બાજી.

તૂટી રહી છે આસક્તિ મારી,
લગાવી લે નૈયા હવે તું પાર મારી.

છૂટી ના જાયે આ શ્વાસની બારી,
પ્રભુ, આવીજા બસ હવે જરૂર છે તારી,

દિલથી કરું છું પૂજા તારી,
સ્વીકારી લેજે પ્રાર્થના મારી.

The Audio Version of ‘પ્રાર્થના’

 

Share this:

આથમતો સૂરજ

આથમતો સૂરજ મને કંઈક કહેતો રહે છે,
જાણે અંધકારની ચેતવણી બસ આપતો રહે છે.

મનને શાંત તો મનને અકળાવતો પણ રહે છે,
છતાં કેમ જાણે આથમતો સૂરજ મને ગમતો રહે છે.

બે ઘડી એના રંગથી ગગનને ભરતો રહે છે,
કેસરી ચાદર ઓઢાડી એને સમજાવતો રહે છે.

આંખોને ઘણાં સપના દેખાડી પોતે ડૂબતો રહે છે,
સુખ અને દુ:ખ બધું જ પોતનામાં લઈ ઢળતો રહે છે.

ક્યાંક ઉદાસી તો ક્યારેક નવી આશાઓ પણ બંધાવતો રહે છે,
આપણે ના માનીએ ત્યાં સુધી આપણને મનાવતો રહે છે.

મારી સાથે હર સાંજ બે ઘડી વાતો કરતો રહે છે,
અંધકાર પછી ઉજાસ આવશે એવો વિશ્વાસ આપતો રહે છે,

રાત પછી દિવસ આવશે ટકોર કરતો રહે છે,
માટે જ આ આથમતો સૂરજ મને બહુ ગમતો રહે છે.

The Audio Version of ‘આથમતો સૂરજ’

Share this:

કર્મની સત્તા

મનમાં અજબની અકળામણ થતી જાય છે,
તારા દર્દનો અહેસાસ કરાવતી જાય છે.

જાણે એક સૂનામી આવી જાય છે,
દરિયાના વહેણમાં બધુ વહાવી જાય છે.

ગભરામણ એવી મનને થતી જાય છે,
જાણે ધડકનો સાથ છોડતી જાય છે.

મનમાં અજબની અકળામણ થતી જાય છે,
તારા દર્દનો અહેસાસ કરાવતી જાય છે.

વીજળીનો ચમકાર મને સ્પર્શી જય છે,
તોફાન આવવાની આગાહી બસ કરતી જાય છે.

કેમ મારા શ્વાસોની ધાર વધતી જાય છે,
અને મારી બેચેની વધારતી જાય છે.

દરિયાની લહેરો કેમ જાણે વધતી જાય છે,
મારી હર ખુશી રેતી સાથે વહાવી જાય છે.

મનમાં અજબની અકળામણ થતી જાય છે,
તારા દર્દનો અહેસાસ કરાવતી જાય છે.

જેના પર કર્યો વિશ્વાસ એ જ વિશ્વાસઘાત કરતી જાય છે,
દોષ નથી તારો કે દોષ નથી મારો દોસ્ત,
આ કર્મની સત્તા એનો રંગ દેખાડતી જાય છે.

The Audio Version of ‘કર્મની સત્તા’

 

Share this:

તું મને આમ જ મળે છે

રોજ તું મને સપનામાં મળે છે,
આંખો ખોલું તો મારા કાગળ પર મળે છે.

હંમેશાં મારા હાસ્યમાં મળે છે,
યાદોથી ભરેલા મારા રુદનમાં મળે છે.

આમ તો મારા હાવભાવમાં પણ મળે છે,
દુનિયા પણ જોઈલે એમ મારી આંખોમાં મળે છે.

સાંભળે તો મારી વાતોમાં મળે છે,
મને જો વાંચે તો મારા મુખ પર પણ તું મળે છે.

ઉદાસ હોઉં તો મારી ચુપીમાં તું મળે છે,
ક્યારેક ક્યારેક મારા ગુસ્સામાં પણ તું મળે છે.

ચાલુ તો મારા પડછાયામાં તું મળે છે,
અને બેસી જાઉં તો મારા વિચારોમાં પણ તું મળે છે.

કેમ તું હંમેશાં મારા શબ્દોમાં મળે છે?
આમ જ તું મને અને દુનિયાને મારી કવિતામાં જ મળે છે.

The Audio Version of ‘તું મને આમ જ મળે છે’

 

Share this:

જન્મદિવસ

“નીકીની કવિતાને વર્ષ થઈ ગયું,
આજે મારું સપનું હકીકત બની ગયું.”

આપણા બાળકનો પ્રથમ જન્મદિવસ હોય એવી એક લાગણીનો અનુભવ કરું છું. એવી એક ખુશી જેને શબ્દોમાં વ્યક્ત કરવી મારા માટે ખૂબ જ અઘરી છે. કવિતા લખવાની પ્રેરણા મિતેન પાસેથી શરુ થઈ. પ્રીત-મીત એક તાકાત બનતા ગયા અને હમેશાં મારુ પ્રોત્સાહન બનતા ગયા. રોજની બનતી અને ઘણી પરિસ્થિતિઓ શબ્દોમાં રચાતી ગઈ અને નીકીની કવિતા બસ આમ લખાતી ગઈ.

“શબ્દોની રચનાઓથી કવિતા બનતી ગઈ,
મારા રસ્તાને જાણે મંજિલ મળતી ગઈ.”

સૌ પ્રથમ નીલ, એક મિત્રનો આભાર માનું છું કારણ નીકીની કવિતાનો પાયો જ વર્ષ પહેલા એને નાંખ્યો હતો. કેમ તારી કવિતા બસ તારા સુધી રહે? એમ કહી આ blog ની શરૂઆત એને કરી.

દર રવિવારે છેલ્લા એક વર્ષથી નીકીની કવિતા દરેક વાચક સુધી પહોંચાડી રહી છું. જોત જોતમાં મારા શબ્દોમાં સમાયેલી લાગણી કે પછી દર્દ અને નીકીની કવિતા ના વાચક વધતા ગયા. આજે દરેક વાચકનો હું દિલથી આભાર માનું છું. બસ આમ જ મને પ્રોત્સાહન આપતા રહેજો એ જ વિનંતી. 🙏

Share this:

તારી ચિંતા

થોડી થોડી ક્યારેક ગુસ્સે થઈ જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.
મોડી મોડી રાતોના તારા ઉજાગરા,
ને સવારની તારી આળસથી તપી જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.
દરેક વાતમાં તારી સમજ અને આવડત,
ને સ્વાસ્થ્ય ને લઈને તારી નાદાનીથી ગૂંગળાય જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

થોડી થોડી ક્યારેક ગુસ્સે થઈ જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

દરેક સપના પૂરા કરવાની તારી આવડત,
પણ ઊભા થતા તારી તકલીફ જોઈને રડી જાઉં છું,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

બધી જ મારી વાતોને માન આપતો,
બસ આજ વાતને નથી ગણગારતો ત્યાં જ હું તૂટી જાઉં છું ,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

સમજીલે આજે મારી વાત બરાબર,
આજે છું તો તને સમજાવી જાઉં છું ,
થોડી નહી ક્યારેક ઘણી ગુસ્સે થઈ જાઉં છું ,
બસ તારી ચિંતાના કારણે અકળાઈ જાઉં છું.

The Audio Version of ‘તારી ચિંતા’

 

Share this:

મારાથી નહી બને

રોજ તને મનાવવાનું મારાથી નહી બને,
ને તારી સાથે વાત ના કરું મારાથી નહી બને.
તું રોજ બહાના શોધીને રાખ મને સમજાવવાનાં,
પણ આમ સાથે રહેવું મારાથી નહી બને.
હું અઢી અક્ષરની વાત સમજી ગઈ બધી,
પણ તને સમજાવવું મારાથી નહી બને.
તું રોજ વરસાદને ભલે બારીએથી જોજે,
પણ સાવ કોરા રહેવાનું મારાથી નહી બને.
તું મને યાદ કરે કે ના પણ કરે, દોસ્ત,
તને ભૂલી જવાનું મારાથી નહી બને.
સાચવી લે જે આ સંબંધને ચેતવી દઉં છું,
જતી રહીશ તો પાછી લાવવી તારાથી નહી બને.

The Audio Version of ‘મારાથી નહી બને’

 

Share this:

દિલમાં થોડી જગ્યા કરી દે

નથી કોઈ અપેક્ષા બસ મને અપનાવી લે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

અબોલા ઘણા થયા દિલ ખોલી વાત કરી લે,
વિરહથી થાકી હવે પ્રણયથી મારી દુનિયા ભરી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

બેસૂરા મારા સંગીતમાં થોડો સૂર ભરી લે,
જાગતી આ આંખોમાં નીંદર હવે થોડી ભરી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

રાહ જોઈને થાકી હવેતો ગળે વળગીને મળી લે,
નેનોના નીર રોકી થોડી લાગણી ભરી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

આદત પડાવી હવે આમ મોઢું ના છુપાવી લે,
તારા વગર કેમ જીવું બસ હવે એ પણ શિખવાડી દે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

આજીજી મારી હવે મનથી સ્વીકારી લે,
નથી કોઈ અપેક્ષા બસ મને અપનાવી લે,
બાકી કંઈ નહી તો દિલમાં થોડી જગ્યા કરી દે.

The Audio Version of ‘દિલમાં થોડી જગ્યા કરી દે’

Share this: