તારા સિવાય મારે ક્યાં જવું છે?

સમજીને તને સમજવું છે,
તારા સિવાય મારે ક્યાં જવું છે?

આખી રાત તારી સાથે બેસવું છે,
ઊંઘ આવે તો પણ તારામાં મારે જાગવું છે.

વાતો આપણી ક્યાં થાકે છે?
ચુપ રહીને પણ તારા શબ્દો સાથે જોડાવું છે.

ઝઘડો કરવામાં પણ એક મજા છે,
શાંત રહીને હંમેશા કાગળ પેન સાથે ક્યાં રહેવું છે?

તારા વગર જીવમાં વળી જીવ ક્યાં છે?
હૃદયમાં ધબકાર ચાલે ત્યાં સુધી તારામાં મારે રહેવું છે.

તારા સિવાય મારે ક્યાં જવું છે – Audio Version
Share this:

એક આશીર્વાદ

અંધારામાં અટવાયા હોઈએ,
દીવો બનીને રસ્તો બતાવી જાય.

ઉદાસી થી ઘેરાયેલા હોઈએ,
અચાનક આવીને મુખ પર હાસ્ય બની જાય.

મંઝિલથી ભટકેલા હોઈએ,
ખુદ પોતે જ માર્ગ બની જાય.

દુઃખોથી ભરેલું જો દિલ હોય,
જાણે એ પ્રેમની દવા બની જાય.

તકલીફો કોઈની પણ જોઈને,
મદદ કરવા હંમેશા તૈયાર થઈ જાય.

ઘણી વ્યક્તિ કંઈ આવી જ હોય,
જે જીવનમાં એક આશીર્વાદ બનીને આવી જાય.

એક આશીર્વાદ – Audio Version
Share this:

એક અનોખો સંબંધ

 તું કહે કે ના કહે મને બધી સમજ પડી જાય છે,
તું દૂર હોય તો પણ તારી આહ મને સંભળાય છે.

કોણ જાણે કેમ તારા મનમાં ચાલતી ગડમથલ મારા સુધી આવી જાય છે,
હજારો મિલ તું હસતો હોય તો એ હાસ્ય મારા મુખ પર આવી જાય છે.

તારી નાનકડી એક ઉદાસી મારા જીવનને હચમચાવી જાય છે,
તારા માટે હથિયાર વગર પણ દુનિયાથી લડી જવાય છે.

ઠોકર તને જો ત્યાં વાગે તો દર્દ મને અહીંયા થાય છે,
તારા વગરની દરેક પળો પણ તારી સાથે જ જીવાય છે.

દૂર બેઠા બેઠા પણ તારી લાગણીઓ મને સમજાય છે,
અરે તું જો ખુશ હોય તો દુનિયાની દરેક ખુશી જાણે મને મળી જાય છે.

એક અનોખો સંબંધ – Audio Version
Share this:

હાસ્ય

કહી દીધી એક વાત એકદમ સાચી,
હસીએ તો સાચે બધું હસતું લાગે છે.

ઉદાસીના સો કારણ હોવા છતાં,
સ્મિત આપનાર એક  એ પોતાનો લાગે છે.

આપવાથી હંમેશા મળે પાછી,
 હાસ્યની કથની કંઈ એવી લાગે છે.

ભરેલી મહેફિલમાં કે ભીડમાં પણ,
હસતો માણસ સૌને વ્હાલો લાગે છે.

ખડખડાટ હોય કે પછી નાનકડું સ્મિત,
એકાંતમાં પણ ખૂબ મજાનું લાગે છે.

સાચે જ છે કંઈ જાદુ આ હાસ્યમાં,
માટે જ તો હસીએ ત્યારે દુનિયા પણ હસ્તી લાગે છે.

હાસ્ય – Audio Version
Share this:

ખબર નહીં કેમ

સાથે રહેવાની હંમેશા વાતો કરતા,
ખબર નહીં કેમ લાગણીઓ સમય સાથે બદલાય જાય છે…

અચાનક મળ્યા એક મહેફિલમાં,
ખબર નહીં કેમ પરાયા અચાનક પોતાના બની જાય છે…

બંધાયા જ્યાં એક અતૂટ ગાંઠમાં,
ખબર નહીં કેમ આંખના પલકારામાં સંબંધ વીખરાય જાય છે…

ક્યારેક થોડું ઓછું બોલવાથી,
ખબર નહીં કેમ ત્યાં સ્વભાવની કિંમત મુકાય જાય છે…

કેટલીય યાદોથી ભરેલી છે જિંદગી,
ખબર નહીં કેમ એની એક વાર્તા બની જાય છે…

મૂકવું હતું જ્યાં અલ્પવિરામ મારે,
ખબર નહીં કેમ એ આવીને પૂર્ણવિરામ મુકી જાય છે…

ખબર નહીં કેમ – Audio Version
Share this:

2023 તને Thank You


2023 મારા જીવનની ઘણી યાદગાર પળો આપવા માટે તને દિલથી Thank you 🙏🏻

2024 ની શરૂઆત કરતા પહેલા આજે મને મળેલી 2023 ની ઘણી યાદગાર પળો માટે મારે થેન્ક્યુ કહેવું છે, જ્યારે આપણે સારી વાતો યાદ કરીએ ને એ સમયનો આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારે એમાંથી જે ખુશી મળે છે એ ઘણી મેજિકલ હોય છે. જીવન એકદમ આનંદિત રહે છે અને બનેલી નાની ના ગમતી વાતો યાદ પણ નથી રહેતી. 2023 માં બનેલી મહત્વની વાતો અને યાદોને આજે મારે દિલથી યાદ કરવી છે અને યુનિવર્સ ને પણ થેન્ક્યુ કહેવું છે.આ થેન્ક્યુ વર્ડ ઘણો મેજિકલ છે, પ્લીઝ જરૂરથી ટ્રાય કરજો તમને મારી વાત એકદમ સાચી લાગશે.

જાન્યુઆરી મહિનામાં મારી દીકરી ના લગ્ન ધામધૂમથી કર્યા અને એને ખૂબ પ્રેમાળ જીવનસાથી મળ્યો અમારા જીવનનો સૌથી મોટો અને ખુશી નો દિવસ આપવા માટે 2023 તને થેન્ક્યુ .


મે મહિનામાં વિપસ્સના કરીને આવ્યા પછી મારા જીવન જીવવાની રીત બદલાઈ ગઈ, ગજબની શાંતિ, ખુશી અને સમતાનો અનુભવ થયો. પોતાનામાં ખુશ રહેતા શીખી ગઈ. 2023 થેન્ક્યુ મારા જીવનમાં આવા અમૂલ્ય દિવસો આપવા માટે.


જૂન મહિનામાં દુબઈમાં રમાયેલી બોલિંગ ટુર્નામેન્ટમાં બેસ્ટ ફીમેલ પ્લેયર નો અવોર્ડ મળ્યો. એક અદભુત વિશ્વાસ મારા ખુદ પર આપવા માટે 2023 તને થેન્ક્યુ.


ઓગસ્ટમાં અમારું ડ્રીમહાઉસ તૈયાર થઈ ગયું અને અમે અમારા નવા ઘરમાં મુવ થઈ ગયા. અમારું સપનું ખૂબ જલ્દી પૂરું કરવા માટે 2023 તને થેન્ક્યુ.


સપ્ટેમ્બર મહિનામાં મારા જીવનમાં કરેલો સૌથી મોટો તપ મોક્ષ દંડ તપ સંપૂર્ણ કર્યો, જે 42 દિવસનો હતો પણ અમે ઘણાના સપોર્ટ થી 22 દિવસમાં પૂરો કર્ય. કંઈક અલગ જ શક્તિ આપવા માટે 2023 તને થેન્ક્યુ.


Amaraa’ new venture ની શરૂઆત મારી દીકરી સાથે કરી. જેમાં અમે lab grown જ્વેલરી બનાવીએ છીએ. અમારું બીજું એક મોટું સપનું પૂરું કરવા માટે 2023 તને થેન્ક્યુ.


વિનય ગ્રુપ એટલે કે મેડીટેશન ગ્રુપની દુબઈમાં દર સોમવારે મારા જ ઘરમાં શરૂ કર્યું, ખૂબ સરસ અને પોઝિટિવ વાઇબ્સ આપવા માટે 2023 તને થેન્ક્યુ.


આવી ઘણી નાની મોટી યાદો આ વર્ષમાં બની અને આવા ઘણા સપનાઓ પણ પૂરા થયા. એવું નથી કે માત્ર સારી જ વાતો બનતી હોય છે ઘણી દિલને દુખે એવી યાદો પણ બની છે છતાં મેં મારું ફોકસ સારી વાતો પર રાખ્યું , જેનાથી મારું આખું વરસ ખુશીઓથી ભરેલું રહ્યું . જેમ જેમ દરેક વાતો અપનાવતી ગઈ યુનિવર્સ મારા માટે નવા રસ્તાઓ ખોલતું જ ગયું માટે 2023 તને દિલથી થેન્ક્યુ.


તમે જરા વિતેલા દિવસોને યાદ કરી લેજો, જે પણ સારી યાદો કે પળો બની હોય એને દિલથી થેન્ક્યુ કરીને જોજો. એક અંદરથી આનંદનો અનુભવ થશે અને 2024 ની શરૂઆત એકદમ જોશમાં થશે. મારી સાથે થયેલા અનુભવથી કહું છું જેટલો આભાર તમે યુનિવર્સ નો માનશો જીવન એકદમ સરળ અને ખુશનુમાબની જશે. Just one magical word “THANK YOU”


2023 તને Thank You – Audio Version
Share this:

લોકો શું કહેશે?

ઘણાં લોકો જીવનમાં આવતા હોય,
જવું જ હોય કોઇને તો ક્યાં રોકી શકાય છે?

સંબંધો ભલેને પ્રેમથી ભરેલા હોય,
એક વાર તૂટે તો પાછા ક્યાં સંધાય છે?

શબ્દો ભલે ને સાચા હોય પણ,
કડવા હોય તો આપણાથી ક્યાં સહેવાય છે?

મન કહે કંઈ અને કરતા હોઈએ કંઈ,
ગમતું હંમેશા ખુદને ક્યાં કરાય છે?

લોકો શું કહેશે એના વિચારમાં,
આપણી જ જિંદગી આપણી રીતે ક્યાં જીવાય છે?

લોકો શું કહેશે? – Audio Version
Share this:

ખુદને ખુશ રાખજે દોસ્ત

હૃદયમાં થોડી જગ્યા રાખજે દોસ્ત
કંઈ નહીં બસ થોડો વિશ્વાસ રાખજે દોસ્ત ..

જોઈતો નથી દરિયો મને,
બસ ખાબોચિયા જેટલી લાગણી રાખજે દોસ્ત..

નિભાવી તો પડશે ,રાખજે તૈયારી હર પળે,
આ સંબંધમાં એટલી હિંમત તો રાખજે દોસ્ત..

નથી તારી સાથે જાણું છું
સાથે જ છું એવો ભલે ભ્રમ રાખજે દોસ્ત ..

છે જિંદગી ચાર દિવસની એમાં
ભલે મળે પળો થોડી એને ખાસ રાખજે દોસ્ત ..

અપેક્ષાઓ હંમેશા દુઃખ આપે છે
જેટલું પણ અપાય આપીને ખુદને ખુશ રાખજો દોસ્ત..

ખુદને ખુશ રાખજે દોસ્ત – Audio Version
Share this:

તારા ફોનની ઘંટડી

જિંદગી આમ વીતી ગઈ
પણ તારી લાગણી હંમેશા વધતી ગઈ!

સમય અમારી પાસે હોય કે ના હોય
તારી નજર હર પળે અમ પર ફરી ગઈ!

જ્યારે પણ થોડું એકલું લાગતું
અચૂક તારા ફોનની ઘંટડી વાગી ગઈ!

કોઈપણ માંગણી વગર તું
અમને પ્રેમ આપતી ગઈ!

મહિનાઓ સુધી આવી ના શકી હું
પણ તારી રાહ જોવાની આદત કદી ના ગઈ!

હું કંઈ બોલું કે ના બોલું તું
મારા મનને હંમેશા સમજી ગઈ!

આજે બાળકોને દૂર દેશમાં જોઈ
તારા દિલની હાલત સમજાઈ ગઈ!

તારી મમતા અને કરુણા જોઈને મમ્મી,
‘મા‘ તો આવી જ હોય એ વાત જીવનમાં વણાઈ ગઈ!

તારા ફોનની ઘંટડી – Audio Version
Share this:

શું ફરક પડે છે

દિલથી જોડાયેલા હોઈએ
તો પછી દૂર હોઈએ કે નજીક
શું ફરક પડે છે..

સમજતા એકબીજાને હોઈએ
તો વાત કરીએ કે ના કરીએ
શું ફરક પડે છે..

મનથી જો ગમતા હોઈએ એકમેકને
તો રોજ મળીએ કે ના મળીએ
શું ફરક પડે છે..

ખુશ હોય તું હંમેશા
ભલેને કોઇ બીજા સાથે હોય
શું ફરક પડે છે..

કદર લાગણીઓની હોય જ દોસ્ત,
તારા માનવા કે ના માનવાથી
શું ફરક પડે છે..

શું ફરક પડે છે – Audio Version
Share this: