સવારની પહેલી કિરણ મને ખૂબ વહાલી લાગે,
પણ રાતના અંધકારથી ડરી જાઉં છું..
સૂર્યના કિરણોનો તેજ મને ખૂબ ગમે,
પણ તાપની ગરમીથી ડરી જાઉં છું..
ફૂલોની કોમળતા મને ખૂબ વહાલી લાગે,
પણ કાંટાથી ડરી જાઉં છું..
ખુલ્લા દિલથી હસવું મને ખૂબ ગમે,
છતાં ક્યારેક રૂદનથી ડરી જાઉં છું..
સુખી રહેવું સૌને ગમે,
પણ થોડા દુઃખથી કેમ ડરી જાઉં છું..
તારી સાથે વિતાવેલી પળો મને ખૂબ ગમે,
પણ તારાથી દૂર થવાના ડરથી હલી જાઉં છું..
દોસ્ત, તને મારી યાદ તો આવશે ને?
એ પ્રશ્ન વિચારતા પણ રડી જાઉં છું
P.S. I wrote this poem 15 years ago for a friend who was moving from Antwerp to Dubai.
Author: Nikki
દરેક દિવસ ખાસ છે

જન્મદિવસ હોય કે લગ્નદિવસ,
તહેવાર દરેક ખાસ છે.
પણ જીવન કહે છે હંમેશા,
દરેક દિવસ લાજવાબ છે.
ક્યારેક હસવું, ક્યારેક રડવું,
એમાં જ જીવનની શાન છે.
આજનો દિવસ ખુશીમાં જીવો,
કાલે શું હશે, કોને ખબર છે?
મીઠી યાદો બનાવતા જાઓ,
નાના પળોમાં સુખ શોધી લો,
દરેક સવાર નવી ભેટ છે,
દરેક રાત શાંતિની ઓળખ છે.
ખાસ દિવસોની રાહ કેમ જોવી?
આજને બનાવો તહેવાર,
દરેક દિવસને મનથી માણો,
કારણ કે દરેક દિવસ ખાસ છે.
મારો વિશ્વાસ તારો સાથ

એકબીજાની સાથે ચાલ્યા, હાથમાં હાથ રાખી,
દરેક સુખ-દુઃખમાં તું રહ્યો મારો સાથી.
મારો મિત્ર, મારો માર્ગદર્શક, મારો વિશ્વાસ,
તું છે મારી તાકાત, તું છે તો મારી જાનમાં છે જાન.
હસાવી મને જ્યારે આંખોમાં આંસુ આવ્યા,
મારા સપનાઓને તે તારા માની અપનાવ્યા.
આ જીવન તો તારી સાથે જ પૂર્ણ લાગ્યું,
જ્યાં જ્યાં જીત મળી મને તારુ જ ભાગ્ય જાગ્યું.
ઈશ્વરને એક જ પ્રાર્થના કરું વારંવાર,
જો બીજું જીવન મળે, તો તું જ હોય મારો જીવનસાથી દરેક વાર.
સફરમાં મળેલા સહિયારા

મિત્રતા છે સફર એક લાંબી,
રંગીન રસ્તા ક્યારેક થોડી ઝાંખી..
કેટલાક હંમેશા આપે સાથ,
કેટલાક વળાંકે છૂટી જાય..
ઉતાર ચઢાવ આવે ઘણીવાર,
સાચા મિત્રોની ઓળખાણ એમાં જ થઈ જાય..
કેટલાક શબ્દોમાં દુઃખ આપી જાય,
કેટલાકના મૌનમાં બધું સમજાય જાય..
સમય સાથે ચહેરા બદલાય,
પણ સાચા મિત્રો દિલમાં વસી જાય..
આખરે જે રહ્યાં, એ જ ખાસ,
જીવનભર નો સંબંધ અતૂટ વિશ્વાસ બની જાય..
આભાર એ દરેક મિત્રને હું દિલથી કહું,
સફરમાં મળીને જે જીવનના સહિયારા બની જાય..
આભાર કહીએ તો

સવારે સૂરજ ઉગે ને,
શ્વાસોશ્વાસ ચાલતા હોય,
એ માટે ‘આભાર’ કહીએ,
તો જીવન ખુશાલ બની જાય …
જે મળ્યું છે યાદ કરીએ,
ફરિયાદ ભૂલી જઈએ,
કૃતજ્ઞ દિલથી જીવીએ,
તો દુઃખ પણ હળવું લાગી જાય …
આભાર જો દરેકનું માની લઈએ,
તો મન શાંતિથી ભરાઈ જાય …
સંતોષની મીઠી સુગંધ,
જીવનમાં છવાઈ જાય …
‘આભાર’ શીખવે,
જે છે પૂરું છે …
એ ભાવથી જીવીએ,
તો જીવન વધુ સુંદર બની જાય …
સાચું કહું દોસ્ત,
માનવું હોય તો માની લે,
બસ આભાર કહીએ તો,
કેટલાય સંબંધ ગાઢ બની જાય …
ફરી એ જ દિવસો

દીકરી ઘરે પાછી આવી, કેટલીએ ખુશીઓ લાવી,
મારા આંગણામાં ફરી આજે જૂની યાદો આવી.
થોડા મહિના માટે જ ભલે, પણ સપના જેવું લાગે,
મા – દીકરીની દિનચર્યા પહેલાની જેમ ફરી આવી.
સવારથી સાંજ સુધી વિચાર એક જ મનમાં,
એને શું ગમે, શું ખાવું, અહીં એ હવે આરામ કરવા આવી.
રસોઈમાં એની પસંદ, વાનગીમાં પ્રેમ ભર્યો,
દરેક પળમાં એ જ મુખ્ય, દરેક પળ એના માટે આવી.
કેમ પૂરી થશે હવે વાતો અમારી,
મારા દરેક સપનાને મારી સાથે જીવવા આવી.
બાળક લઈને આવશે ખુશી, આશીર્વાદનો ભંડાર,
અમ સૌને એક અનમોલ ઉપહાર આપવા આવી.
મા તરીકે હું આજે દુનિયા ઉપર છું, દીકરી મારી પાસે ,
ફરી એ જ જૂના દિવસો જાણે એ લઈને આવી.
નવો સફર, નવી મંઝિલ

નવા સપના આંખોમાં ચમકે છે,
નવી મંઝિલ મને બોલાવે છે.
ડર છોડીને બસ આગળ વધવું છે,
મારું શ્રેષ્ઠ સ્વરૂપ બસ મારે બનવું છે.
વિશ્વાસ છે દિલમાં હિંમત છે ખુદમાં,
મારે ખૂબ મહેનત કરવી છે .
જોયું છે જે મનમાં,કરીશ ચોક્કસથી પૂરું,
સપનાઓ સાચે મારા પૂરા કરવાની છું.
નવા પગલાં,નવી ઓળખ અને નવી ઉડાન,
દરરોજ ખુદની નવી ઓળખાણ આપવી છે.
જે વિચારું છું, એ બનશે હકીકત,
કારણ મારો વિશ્વાસ જ મારી તાકાત છે.
યાદોનાં રંગ નવા વર્ષનો સંગ

વર્ષ પૂરું થતાં આવે,
યાદોના રંગની પડછાઈ..
મહેનત કરી દિલથી મેં,
સપનાઓની ઘણી કસોટી થાય..
ઘણું શીખી આગળ વધી,
જિંદગીમાં કંઈક નવું પણ થાય..
દરેક સફળતા એ શીખ્યું મને,
કેમ હિંમત રાખી આગળ વધાય..
પરિવાર-મિત્રો સાથે,
મારી યાદો બંધાય..
હાસ્ય, પ્રેમના રંગમાં,
દિલમાં ઘણી એ ઠંડક છલકાય..
નવા વર્ષને આવકારું,
આશાના દીવા લઈને..
ખુશી, સફળતાની હસી સાથે,
નવી મંઝિલ શોધાય..
ભગવાન કરે આવતું વર્ષ,
આનંદથી ભરપૂર પુરાય..
હિંમત, પ્રેમ અને પ્રગતિ,
દરેક દિવસે ભારોભાર છલકાય. 🥰
સાંજનો સુવાળો સાથ

સાંજ પડીને આકાશ રંગાયું,
નારંગી ગુલાબી રંગે સજાયું.
સુરજે ધીરે ધીરે વિદાય લીધી,
હળવી ઠંડકથી મન મલકાયુ.
હાથમાં મારી મનપસંદ પુસ્તક,
સમય મારી સાથે જાણે આરામે આવ્યું.
પાના ફેરવું, વિચારો વહે,
શાંતિની ક્ષણોને અનુભવાયું.
ન કોઈ ઉતાવળ,ન કોઈ દોડ,
આજનો દિવસે એકાંતમાં બેસાયું.
આજ આથમતો સુરજ, સાંજ અને હું બસ,
ઘણા વખતે ખુદને મળાયું.
નાનીના મનની ખુશી

એમ હતું કે હજુ તો હું નાની છું
પણ હવે “નાની” બનવાની છું.
આનંદથી ભરેલું છે આકાશ,
ને બસ જાણે ખૂબ ઝૂમવાની છું.
ભરપૂર પ્રેમ અને લાડ થી,
એની દરેક વાતો સાંભળવાની છું.
ફરીથી એકવાર જાણે,
પ્રીત- મીતનુ બાળપણ જોવાની છું.
પરિવારમાં થશે વધારો,
તને જોઈને બધું ભૂલી જવાની છું.
તારી મમ્મી થી છુપાવીને,
બસ તારી થોડી જીદ પૂરી કરવાની છું.
મન મલકાયા કરે છે,
ને કેવા કેવા સપના જોઈ રહી છું.
આવી જાય આંખો બસ મારા જેવી,
દિલથી એવી ઝંખના કર્યાં કરું છું.
તારી પાસે જ રહેવું છે, “નાની “
એવો અવાજ સાંભળ્યા કરું છું.
કોઈ કંઈ પણ કરી લે,
બધામાં એની favourite તો હું જ રહેવાની છું. 🥰❤️🧿
