
Month: April 2023
આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ.

જેમ જેમ દિવસ નજીક આવે છે થોડી ગભરાટ તો સાચે થાય છે. 25-Apr-2023 થી 6-May-2023 વીપાસના માટે જઈ રહી છું. મારી ઘણી બધી ઓળખીતી વ્યક્તિઓએ ઘણી બધી વાર વીપાસના કરી છે ,પણ મારા માટે તો આ પહેલી વાર છે. 10 મિનિટ, 30 મિનિટ, એક કલાક અને ક્યારેક ચાર કલાકના ધ્યાન કર્યા છે, પણ 10 દિવસ થોડું અઘરું લાગી રહ્યું છે.
થોડા પ્રશ્નો મગજમાં વારંવાર આવ્યા કરે છે, હું કેવી રીતે કોઈની સાથે વાત ન કરી શકું? હું મારા ફોનનો ઉપયોગ કરી શકીશ નહીં, ઘરમાં કોઈ ઈમરજન્સી આવશે તો? મને વાંચવાની આદત છે, હવે સૂતા પહેલા હું વાંચ્યા વગર કેવી રીતે ઊંઘીશ? દિવસમાં ત્રણથી ચાર વાર મારા બાળકો મને ફોન કરે છે, તો હું વાત કેવી રીતે કરીશ? હું લખીશ કેવી રીતે ત્યાં તો લખવાની પણ છૂટ નથી. તમે તો ત્યાં કોઈની સાથે eye કોન્ટેક્ટ પણ કરી શકો નહીં.
પહેલા તો ખૂબ સ્ટ્રોંગ હતી પણ હમણાં થોડા વિચારો આવી રહ્યા છે. મારે મારી સાથે એકાંતમાં સમય કાઢવાનો છે. એવું નથી કે એકાંત થી ડર લાગે છે પણ દસ દિવસ થોડું અઘરું લાગે છે. ક્રોધ, શંકા, ઉદાસી, દુઃખ બધી જ વાતોથી દૂર હોઈશ એનો મને આનંદ છે. પ્રયત્ન કરવો તો છે જ, હંમેશા મારા ડર સાથે લડી છું તો આજે આ ડરથી પણ લડીશ અને સફળ થઈશ. મારા દસ દિવસનો અનુભવ ચોક્કસથી તમારી સાથે શેર કરીશ. મને best wishes આપજો કે હું મારી વીપાસના ખૂબ શાંતિથી અને સારી રીતે કરી શકું.
Thank you.
દિલને મનાવી લઉં છું

સંબંધો સાચવતા ક્યારેક થાકી જાઉં છું,
બધાને સાચવવામાં ક્યારેય ખુદને ભૂલી જાઉં છું.
માન સન્માન ની વાત નથી અહીંયા,
પણ દિલથી થોડી હારી જાઉં છું.
કેટલુંય એ પણ કરું સારું તમે,
કશેક તો થોડી ખોટી પડી જાઉં છું.
ક્યાં થઈ ભૂલ મારી,
એ વિચારોમાં ઊંઘવાનું ભૂલી જાઉં છું.
ખૂબ પ્રયત્ન કર્યા પછી જ,
ત્યાંથી થોડી ખસી જાઉં છું.
છૂટતી દેખાય છે જ્યારે લાગણીની ગાંઠો,
તો એકલામાં ખૂબ રડી લઉં છું.
મારા હશે તો રહેશે જ,
એમ કહીને દિલને મનાવી લઉં છું.
કંઈક અલગ પણ ખાસ છે

મારી એક વાત માની લેજે દોસ્ત,
તારા કારણે જ દોસ્તી પર વિશ્વાસ છે દોસ્ત.
ઉજાસ કદાચ ના પણ મળે મને દુનિયામાં,
કાફી છે તારી લાગણીની રોશની બસ દોસ્ત.
પડખે ઉભા હોઈશું હર ક્ષણે એકબીજાની,
આપણા સંબંધમાં આટલું તો પાકું છે દોસ્ત.
નથી મળતા કે નથી કરતા વાત આપણે રોજ,
પણ સમજીએ છીએ દિલથી એકબીજાને દોસ્ત.
છે જિંદગી બસ ચાર દિવસની યાર,
પણ તારી સાથે કંઈક ખાસ ને અલગ છે દોસ્ત.
વાતને વધારવી ના હોય તો મૌન લઈને ત્યાંથી ખસી જવું

મને પૂરેપૂરી ખાતરી છે જે મારા જીવનમાં બને છે એ તમારા જીવનમાં પણ બનતું જ હશે ઘણીવાર તમે કેટલું પણ લોકો માટે કે તમારી નજીકની વ્યક્તિ માટે કરો પણ એ બધાને જ્યારે તમે કંઈક નહીં કરો તે પહેલા દેખાશે. ગઈકાલે જ કોઈ મિત્ર સાથે વાત થઈ કે દસ દિવસ સુધી રજાઓમાં બધા મજાથી રહ્યા પણ 11 મા દિવસે કોઈ નાની વાત બની અને એ વીતેલા દસ દિવસ યાદ નહીં રહ્યા બસ એ એક જ દિવસ બધાને યાદ રહ્યો. તમે જ કહો આવી પરિસ્થિતિમાં તમારું મગજની સ્થિતિ કેવી હશે?દરરોજ ગમતી વાનગી બનાવી પણ એકાદ દિવસ તમે તમારું ગમતું બનાવ્યું અને ઘરમાં કોઈ બોલી જાય કે આ કેમ બનાવ્યું તો ?? સવારે ઊઠીને તમે કેટલું બધું કામ કર્યું હોય અને જેવા રસોડામાં પાછા જાઓ કોઈ ઊંચા અવાજે તમે તમારા કરેલા કામમાં કંઈ બોલી જાય તો?? આ બધી નાની નાની બાબતોથી સંબંધો પર મોટી મોટી અસર થાય છે. આપણને થાય છે કે આ વસ્તુ સારી રીતે પણ કહી શક્યું હોત.
બસ ત્યાં જ અટકી જાવ ત્યાંથી કોઈ જવાબ આપ્યા વગર ખસી જાવ અને મૌન લઈ લો. થોડી વાર માટે પરિસ્થિતિ બગડતી અટકી જશે. એમ નથી કહેતી કાંઈ કહેવું ના જોઈએ પણ જ્યારે સમય બરાબર હોય બંને જણા મૂડમાં હોય ત્યારે કહી દેવું,હસીને દિલની વાત. સંબંધ પણ સચવાઈ રહેશે અને મનની શાંતિ પણ.
બાકી વાત વધારીને કોઈ ફાયદો ક્યારે પણ થતો નથી માત્ર નુકસાન જ છે સંબંધો બગડે જ છે માટે મારા અનુભવથી કહું છું કે વાતને વધારવી ના હોય તો મૌન લઈ ત્યાંથી એ સમય માટે ખસી જવું. તમારું શું માનવું છે?